હૃદ્-સ્તંભન (cardiac arrest) : હૃદયનું ડાબું ક્ષેપક સંકોચન ન પામે કે ડાબા ક્ષેપકમાં દ્રુતતાલતા (ventricular tachycardia) કે ક્ષેપકીય વિસ્પંદન (ventricular fibrillation) જેવા હૃદયના તાલભંગના વિકારો થાય અને તેથી ડાબા ક્ષેપકમાંથી બહાર ધકેલાતા લોહીનો જથ્થો અચાનક અને સંપૂર્ણપણે બંધ થાય તે. હૃદયના સંકોચન થવાની ક્રિયા અટકે તેને અસંકોચનતા (asystole) કહે છે. ત્યારે મહાધમનીમાં લોહી ધકેલી શકાતું નથી. ક્ષેપકના સ્નાયુ-તંતુઓના પુંજો (fasciculi) એકસાથે સંકોચન ન પામતા હોય તો તેને વિસ્પંદન (fibrillation) કહે છે. ક્યારેક હૃદયનું ક્ષેપક અતિત્વરિતતાથી સંકોચનો પામે ત્યારે તેમાં લોહી ભરાવા માટેનો સમય રહેતો નથી. આ ત્રણેય સ્થિતિઓમાં હૃદયના ડાબા ક્ષેપકમાંથી પૂરતું લોહી શરીરમાં ધકેલાતું નથી. તે સમયે શારીરિક તપાસ કરતાં હૃદયના ધબકારા સંભળાતા નથી અને નાડી અટકી ગયેલી હોય છે. જોકે થોડો સમય શ્વાસોચ્છવાસ ચાલુ હોય છે. જો તરત યોગ્ય અને અસરકારક સારવાર ન અપાય તો તે મૃત્યુમાં પરિણમે છે.

હૃદયરોગમાં થતા મૃત્યુના 25 %થી 30 % મૃત્યુ હૃદ્-તાલભંગ-(cardiac arrhythmia)ના કારણે થાય છે. તેમાં હૃદયના ધબકારા અનિયમિત થાય, ખૂબ ઝડપી કે ધીમા થાય, સદંતર બંધ થાય વગેરે વિવિધ વિષમતાઓ થાય છે. ક્યારેક હૃદ્-સ્નાયુ કે મહાધમનીમાં અચાનક ચીરા પડે કે તે ફાટી જાય ત્યારે આકસ્મિક રીતે મૃત્યુ નીપજે છે.

હૃદ્-સ્તંભનનું પ્રમુખ કારણ હૃદયને લોહી પહોંચાડતી મુકુટ-ધમનીમાં ઉદભવતો રોગ છે. તેને કારણે ઘાતક હૃદ્-તાલભંગ (lethal arrhythmia) થાય છે. હૃદયરોગનો હુમલો થાય (હૃદ્-સ્નાયુપ્રણાશ, myocardial infarction) થાય ત્યારે ત્રીજા ભાગના દર્દીઓ હૉસ્પિટલ પહોંચે તે પહેલાં હૃદ્-સ્તંભનને કારણે મૃત્યુ પામે છે. આ દર્દીઓમાં મોટે ભાગે ક્ષેપકીય વિસ્પંદન કે નાડીરહિત ક્ષેપકીય દ્રુતતાલતા થઈ આવે છે; પરંતુ હૃદયમાં લોહી ઓછું ફરવાથી થતી હૃદ્-સ્નાયુ અરુધિરવાહિતા(myocardial ischaemia)માં તેવું ઓછું બને છે; પરંતુ જેમને અગાઉ હૃદયરોગનો હુમલો થઈ ચૂક્યો છે તેવી વ્યક્તિઓમાં આવી અરુધિરવાહિતા તથા અગાઉના હુમલાના ઘાવમાંની રૂઝપેશી (scar tissue) હૃદયના ધબકારામાં વિકાર સર્જીને ઘાતક હૃદ્-સ્તંભન સર્જે છે. જે દર્દીઓના ડાબા ક્ષેપકનું કાર્ય ઘટેલું હોય તેઓને આનું જોખમ વધુ રહે છે; પરંતુ જો તેઓ બીટારોધકો કે ACE–નિગ્રહકો વડે ઔષધીય સારવાર મેળવતા હોય તો તેમને તે જોખમ ઘટે છે.

કારણવિદ્યા (aetiology) : 85 % કિસ્સામાં હૃદયને લોહી પહોંચાડતી મુકુટધમનીનો રોગ કારણરૂપ હોય છે. તેમાં હૃદ્-સ્નાયુ અરુધિરવાહિતા, હૃદ્-સ્નાયુપ્રણાશ (myocardial infarction) અથવા હૃદયરોગનો હુમલો તથા પહેલાંના હુમલાના કારણે હૃદયના સ્નાયુમાં રૂઝપેશીનો વિકાસ મુખ્ય છે. આશરે 10 % કિસ્સામાં હૃદયની રચના-સંબંધિત વિષમતા કારણરૂપ હોય છે; જેમ કે ક્ષેપકની દીવાલ જાડી થઈ હોય (અતિવૃદ્ધિ, hypertrophy) તેવો કે હૃદયના ખંડો પહોળા થઈ ગયા હોય (વિસ્ફારિતા, dilatation) તેવો હૃદયના સ્નાયુઓનો વ્યાધિ (હૃદ્-સ્નાયુરુગ્ણતા, cardiomyopathy) થાય, હૃદયમાં જન્મજાત વિકૃતિઓ થયેલી હોય કે જમણા ક્ષેપકનું દુર્વિકસન (dysplasia) થયેલું હોય, અન્ય 5 % કિસ્સામાં હૃદયના આવેગવહનમાં વિષમતા આવેલી હોય, ઔષધોની ઝેરી અસર થઈ હોય કે શરીરમાં ક્ષારોનાં આયનો(વીજવિભાજ્યો, electrolyte)ની લોહીની સપાટી વિષમ થઈ હોય તો આ વિકાર થાય છે. જો ECGમાં QT ખંડ લાંબો હોય કે દર્દીને વોલ્ફ-પાર્કિન્સન-વ્હાઇટનું સંલક્ષણ થયું હોય તો તે હૃદયમાં આવેગવહનમાં વિષમતા સર્જે છે. તે તથા દવાઓની ઝેરી અસર કે વીજવિભાજ્યોની વિષમતા હૃદયના તાલમાં ભંગ કરીને હૃદયના ક્ષેપકમાં અસંકોચન (asystole) કે દ્રુતતાલ (tachycardia) કે વિસ્પંદન (fibrillation) સર્જે છે. તે સમયે ક્ષેપકનાં સંકોચનો કાં તો બંધ થાય છે અથવા તો નાડીનો ધબકાર સર્જી શકે તેવા શક્તિશાળી હોતાં નથી. તેથી રુધિરાભિસરણ અટકી પડે છે. ECGમાં સામાન્ય ‘P’-‘QRS’-‘T’ તરંગોને સ્થાને અનિયમિત સમયે આવતા અનિયમિત આકારના તરંગો જોવા મળે છે. આ સ્થિતિ ક્ષેપકીય દ્રુતતાલતા કે વિસ્પંદન (ventricular tachycardia કે fibrillation) સૂચવે છે. તે સમયે ભારે માત્રાના વીજતરંગ વડે નિર્વિસ્પંદન (defibrillation) સર્જીને સારવાર અપાય છે. દર 1 મિનિટના વિલંબમાં જીવન ટકવાની શક્યતા 10 % જેટલી ઘટે છે અને તેથી હૉસ્પિટલ બહાર આવો વિકાર થઈ આવે તો તે જીવલેણ નીવડે છે.

જ્યારે ECGમાં કોઈ પણ પ્રકારની વીજક્રિયા થતી જોવા ન મળે તો તેને અસંકોચન કહે છે. તેમાં છાતી પર જોરથી મુક્કો મારવાથી હૃદય પુન: ચાલુ થઈ જાય છે; પરંતુ ફરીથી હુમલો થતો અટકાવવા કૃત્રિમ ગતિપ્રેરક(artificial pacemaker)ની જરૂર પડે છે.

રુધિરાભિસરણ માટે જરૂરી લોહીનો જથ્થો ઘટે તો તેને અલ્પરુધિરસંહતિ (hypovolaemia) કહે છે. હૃદયની આસપાસ પ્રવાહી ભરાય અને હૃદય પર દબાણ કરીને તેને ફૂલવા ન દે અને આમ પરત આવતા લોહીનો જથ્થો ઘટે તો તેને હૃદ્-પરિજલદાબ (cardiac temponode) કહે છે. છાતીમાં ફેફસાંની આસપાસ ભારે દબાણ સાથે હવા ભરાઈ રહે તો તેને સદાબ વાતવક્ષ (tension pneumothorax) કહે છે. તેમાં પણ શરીરમાંથી પરત આવતું લોહી છાતીના પોલાણમાં આવી શકતું નથી તેના કારણે અંતે ક્ષેપકનું સંકોચન થવા છતાં પૂરતો લોહીનો જથ્થો ધકેલાતો નથી અને તેથી નાડીનો ધબકાર સર્જાતો નથી. આવે સમયે ECGમાં વીજતરંગો જોવા મળે છે. તેથી તેને નાડીરહિત વીજસક્રિયતા (pulseless electrical activity) કહે છે. આ સમયે મૂળ કારણરૂપ સ્થિતિની સારવાર કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવાય છે.

હૃદ્-સ્તંભનની સારવાર જો 3 મિનિટથી વધુ સમય મોડી પડે તો મગજનું મૃત્યુ થવા માંડે છે. તે સમયે કીકીમાંની કનિનિકા (pupil) પહોળી થઈ જાય છે અને પ્રકાશની હાજરીમાં સાંકડી થતી નથી. તે પછી જો વ્યક્તિ જીવે તોપણ તે વાનસ્પતિક (vegetative) જીવન જીવે છે, જે મગજ અને મનની સક્રિયતા વગરનું હોય, માટે હૃદ્-સ્તંભનની સારવારનો પ્રારંભ થોડીક ક્ષણોમાં થવો જરૂરી છે. તે માટે નીચેની ઘટનાના અનુક્રમને જીવી જવાની ઘટનાશૃંખલા (chain of survival) કહે છે : (1) હૃદ્-સ્તંભન થયું છે તે કોઈ જુએ અને તેનું નિદાન કરે. (2) પ્રાથમિક ઉપચાર અથવા તલકક્ષાની આવશ્યક સારવાર-સહાય માંગે અને મેળવે, (3) તલકક્ષાની સારવાર પ્રશિક્ષિતો દ્વારા અપાય અને (4) તે અપાતી હોય તેવી જ સ્થિતિમાં વ્યક્તિને હૉસ્પિટલના તત્કાલ સેવાવિભાગમાં ખસેડાય, (5) તત્પર તત્કાલ સેવાવિભાગ તરત યોગ્ય પ્રતિચાર આપે, (6) નિર્વિસ્પંદનની ક્રિયા થાય અને (7) દર્દીની તબિયત જાળવી રાખવા અદ્યતન જીવન સહાયક સેવા વડે તેને સામાન્ય જીવનમાં મૂકવામાં આવે. ઘણી ભીડવાળા જાહેર સ્થળે ‘લોકસુલભ નિર્વિસ્પંદન’ (public access difibrillation) અંગેની વ્યવસ્થા કેટલાક વિકસિત દેશોમાં ઉપલબ્ધ થયેલી છે.

પ્રાથમિક ઉપચાર (first aid) અથવા તલકક્ષાની આવશ્યક સારવારમાં 6 મહત્વની બાબતોનો સમાવેશ થાય છે : (1) દર્દીને હલાવો, બૂમ પાડીને બોલાવો અને તે પ્રતિભાવ આપે છે કે નહિ તે જુઓ, (2) માથાને પાછળ તરફ સીધું કરો અને ચિબુકને ઉઠાવો, જેથી શ્વાસોચ્છવાસનો માર્ગ ખુલ્લો રહે, (3) શ્વાસોચ્છવાસ ચાલે છે કે નહિ તે જુઓ, છાતી પર કાન માંડીને સાંભળો કે નાક આગળ હાથ રાખીને અનુભવો – જો તે શ્વસનક્રિયા કરતો હોય તો તેને યોગ્ય સ્થિતિમાં સુવાડો, જેથી તેમાં કોઈ રોધ-અવરોધ ન આવે, (4) જો શ્વસનક્રિયા ન થતી હોય તો કૃત્રિમ શ્વસન માટે તેના મોંમાં શ્વાસોચ્છ્વાસ કરો, (5) 10 સેકન્ડમાં નાડી (હાથ) તથા હૃદ્-શિખર(છાતી)ના ધબકારા અનુભવીને રુધિરાભિસરણ છે કે નહિ તે ચકાસો  જો તે ચાલુ હોય તો કૃત્રિમ શ્વસન ચાલુ રાખો અને દર મિનિટે રુધિરાભિસરણ ચાલુ છે તે ચકાસતા રહો, (6) જો રુધિરાભિસરણ બંધ હોય – હૃદ્-સ્તંભન થયેલું હોય – તો છાતી પર મુક્કો મારો અને મિનિટના 100ના દરે તેને દબાવો (15 વક્ષદાબ : 2 કૃત્રિમ શ્વસન), (7) હૃદ્-શ્વસનક્રિયાના પુન:સંસ્થાપન(cardio-respiratory resuscitation)ની સગવડવાળી પરિવાહિકા (ambulance) બોલાવો અને દર્દીને અદ્યતન જીવનસહાય પ્રણાલી-(advanced life support system)વાળી હૉસ્પિટલના તત્કાલ સેવાકક્ષ(emergency medical service)માં લઈ જવાની વ્યવસ્થા કરાવો. બચી જતા દર્દીને મૂળ કારણ અંગે સારવારની જરૂર રહે; પરંતુ હૃદ-સ્તંભનના આવા હુમલા માટે કોઈ વધુ સારવારની જરૂર રહેતી નથી.

શિલીન નં. શુક્લ