હૃદ્-નિષ્ફળતા (cardiac failure) : હૃદયમાં દર મિનિટે બહાર ધકેલાતા લોહીના જથ્થા(હૃદ્-બહિ:ક્ષેપ, cardiac output)ને જરૂરિયાત પ્રમાણે જાળવી રાખવાની અક્ષમતા અથવા નિષ્ફળતા ધરાવતો વિકાર. તેથી તેને હૃદ્-અપર્યાપ્તતા (cardiac insufficiency) પણ કહે છે. ક્યારેક હૃદય તેનો જરૂરી હૃદ્-બહિ:ક્ષેપ જાળવી રાખવા તેના વધેલા પૂરણદાબ અથવા પૂરણપ્રદમ(filling pressure)નો ભોગ લે છે. હૃદયમાં શરીરમાંથી પરત આવતા લોહીના જથ્થાને મેળવતી વખતે જે દબાણ ઉદભવે છે તેને પૂરણદાબ (પૂરણ-પ્રદમ) કહે છે. હૃદ્-નિષ્ફળતાના શરૂઆતના તબક્કામાં વ્યક્તિ જ્યારે આરામમાં હોય ત્યારે હૃદ્-બહિ:ક્ષેપ સામાન્ય હોય પણ જ્યારે તે શ્રમ કરે ત્યારે જ ઊણપ જણાઈ આવે છે. જ્યારે વધી ગયેલા વિકારમાં આરામના સમયે પણ હૃદ્-બહિ:ક્ષેપ ઘટેલો રહે છે.

તેનું પ્રમુખ લક્ષણ શ્રમ કરતાં, સૂઈ જતાં કે આરામમાં બેઠાં બેઠાં શ્વાસ ચડે છે તે છે. શ્વાસ ચડવાને દુ:શ્વસન (dyspnoea) કહે છે. ઉગ્ર (acute) અથવા અચાનક થઈ આવતી હૃદ્-નિષ્ફળતામાં હૃદયનું ડાબું ક્ષેપક પૂરતું લોહી ધકેલી શકતું ન હોવાથી તે ડાબા કર્ણક અને ફેફસાંમાં ભરાઈ રહે છે. તેને કારણે ફુપ્ફુસીય (ફેફસી) શિરાઓ(pulmonary veins)માં દબાણ વધે છે અને ફેફસાંના વાયુપોટાઓ(alveoli)માં પ્રવાહી ઝમે છે; તેથી ફેફસાંમાં પ્રવાહી ભરાવાથી સોજો થાય છે, તેને ફુપ્ફુસીય (ફેફસી) જલશોફ (pulmonary oedema) કહે છે. તેથી જાણે વ્યક્તિ પોતે પોતાના ‘લોહીમાં જ ડૂબે’ એવી સ્થિતિ થાય છે. તે સમયે મોઢામાંથી લોહીવાળું ગુલાબી ફીણ નીકળી આવે છે. આ સ્થિતિ જીવનને અતિશય સંકટમાં મૂકે છે.

લાંબા સમયની હૃદ્-નિષ્ફળતા ડાબા ક્ષેપકના વિકારને કારણે હોય તો ઉપર જણાવેલી સ્થિતિ ધીમે ધીમે અને ઓછી તીવ્રતાથી વધે છે. તે સમયે વ્યક્તિ સૂઈ જાય તો શ્વાસ ચડે છે માટે તેને બેસવાથી રાહત થાય છે. તેને ઉત્તિષ્ઠન-દુ:શ્વસન (orthopnoea) કહે છે. ક્યારેક રાત્રે સૂતા પછી શ્વાસ ચડી આવે છે, તેને અંતરાંતરિત નિશાકાલી દુ:શ્વસન (paroxysmal nocturnal dyspnoea) કહે છે. ક્યારેક શ્વસન ક્રમશ: ધીમું પડીને બંધ થાય (અશ્વસન, apnoea) અને પછી ક્રમશ: વધીને વધુ પડતું ઝડપી (અતિશ્વસન, hyperventilation) બને છે. આવું ચક્રીય ઢબે વારંવાર થયા કરે તો તેને ચાઇન-સ્ટોક્સ (Cheyne-Stokes) શ્વસન કહે છે.

હૃદ્-નિષ્ફળતા હૃદયના વિવિધ રોગો(diseases)થી ઉદભવતો વિકાર (disorder) છે. તેમાં મુકુટધમની(coronary artery)માં ઉદભવતો વહનરોધ (obstruction to blood flow) મુખ્ય કારણ છે, જેને મુકુટધમની રોગ (coronary artery disease) કહે છે. તેમાં હૃદયને લોહી પહોંચાડતી મુકુટધમનીઓમાં અટકાવ ઉત્પન્ન થવાથી હૃદયના સ્નાયુઓને ઓછું લોહી પહોંચે છે. તેને હૃદ્-સ્નાયુ અવાહિતાવિકાર (myocardial ischaemia) પણ કહે છે. ક્યારેક તેને કારણે હૃદ્-સ્નાયુનો થોડોક ભાગ મૃત્યુ પામે છે. તેને હૃદ્-સ્નાયુ પ્રણાશ (myocardial infarction) કહે છે. તેને ‘હૃદયરોગનો હુમલો’ પણ કહે છે. આ ઉપરાંત હૃદયના સ્નાયુમાં પીડાકારક સોજો આવે (હૃદ્-સ્નાયુશોથ, myocarditis), હૃદ્-સ્નાયુનો ક્રિયાવિકાર થાય (હૃદ્-સ્નાયુરુગ્ણતા, cardiomyopathy), હૃદયના કપાટો(valves)માં વિકૃતિ અને વિકારો ઉદભવે, લોહીનું દબાણ વધે (અતિરુધિરદાબ, hypertension), ફેફસાંમાં લોહીનું દબાણ વધે (ફેફસી અતિરુધિરદાબ, pulmonary hypertension), હૃદયના ખંડો વચ્ચેના પડદામાં કાણું હોય (પટલછિદ્રણ, septal defect), હૃદયના ધબકારા અનિયમિત થાય (હૃદ્-અતાલતા, cardiac arrhythmia), હૃદયના આવરણ-પરિહૃદ્-કલા(pericardium)માં શોથજન્ય વિકારો થાય (પરિહૃદ્-કલાશોથ, pericarditis) કે તેમાં અતિશય દબાણ સાથે પ્રવાહી ભરાય (પરિહૃદ્-જલદાબ, cardiac temponade) ત્યારે પણ હૃદ્-નિષ્ફળતા થાય છે. તેવે સમયે હૃદ્-સ્નાયુની સંકોચનશીલતા, હૃદયના ખંડોની પહોળા થવાની ક્ષમતા (વિકોચનક્ષમતા), ક્ષેપકના પ્રવેશમાર્ગ કે નિકાલમાર્ગમાં અંતર્રોધ (obstruction), હૃદયના ધબકારાની અનિયમિતતા વગેરે ક્ષતિઓ ઉદભવે છે, જે હૃદ્-નિષ્ફળતા સર્જે છે.

આમ ક્ષેપકનાં સંકોચનોના બળમાં ઘટાડો થાય અથવા તેમાં આવતું લોહી કે તેમાંથી બહાર ફેંકાતું લોહી ઘટે ત્યારે પ્રતિમિનિટ હૃદ્-બહિ:ક્ષેપ (cardiac output) એટલે કે દર મિનિટે હૃદય દ્વારા મહાધમનીમાં ધકેલાતો લોહીનો જથ્થો ઘટે છે. જો આવો ઘટેલો જથ્થો જરૂરિયાત કરતાં ઓછો રહે તો તેને હૃદ્-નિષ્ફળતા કહે છે.

હૃદ્નિષ્ફળતાના પ્રકારો : તેમને વિવિધ રીતે વર્ગીકૃત કરાય છે  (અ) વામ (ડાબું), દક્ષિણ (જમણું) કે દ્વિ-(બંને)ક્ષેપકીય હૃદ્-નિષ્ફળતા (left, right or biventricular cardiac failure), (આ) અગ્રવર્તી (forward) કે પશ્ચવર્તી (backward) હૃદ્-નિષ્ફળતા, (ઇ) સંકોચનકાલ (systole) કે વિકોચનકાલ (diastole) હૃદ્-નિષ્ફળતા, (ઈ) અતિબહિ:ક્ષેપ (high output) હૃદ્-નિષ્ફળતા તથા (ઉ) ઉગ્ર (acute) અને દીર્ઘકાલી હૃદ્-નિષ્ફળતા (chronic heart failure).

વામક્ષેપકીય હૃદ્-નિષ્ફળતા(left ventricular failure)માં ડાબું ક્ષેપક પૂરતા પ્રમાણમાં લોહી બહાર ફેંકી શકતું નથી; તેથી તેનો બહિ:ક્ષેપ ઘટે છે તથા ડાબા કર્ણક અને ફેફસી રુધિરાભિસરણમાં દબાણ વધે છે. તેને કારણે ફેફસાંમાં પ્રવાહી ભરાય છે. (ફેફસી જલશોફ, pulmonary oedema થાય છે.) જો તે ડાબા કર્ણક અને ક્ષેપક વચ્ચેના કપાટ(દ્વિદલ કપાટ, mitral valve)માં વિકાર/વિકૃતિને કારણે ધીમે ધીમે ઉદભવતો વિકાર હોય તો ફેફસાંની નસો સંકોચાઈને ફેફસી-અતિદાબ (pulmonary hypertension) કરે છે. તે ફેફસી જલશોફ થવાની સ્થિતિ સામે રક્ષણ આપે છે.

દક્ષિણ ક્ષેપકીય હૃદ્-નિષ્ફળતામાં હૃદયના જમણા ક્ષેપકમાંથી ઓછું લોહી ફેફસાંમાં ધકેલાય છે. તેવે સમયે શરીરમાં પ્રવાહી ભરાવાથી સોજો (જલશોફ, oedema) આવે છે. આવું ફેફસાંની દીર્ઘકાલી બીમારી પછી ફેફસી-હૃદ્રોગ (cor pulmonale) થાય ત્યારે કે ફેફસીધમની-કપાટ(pulmonary valve)ના વિકાર/વિકૃતિ થાય ત્યારે થાય છે.

દ્વિક્ષેપકીય હૃદ્-નિષ્ફળતામાં હૃદયના બંને ક્ષેપકોની નિષ્ફળતા જોવા મળે છે. આવું હૃદ્-સ્નાયુપ્રણાશ (myocardial infarction), હૃદ્-સ્નાયુરુગ્ણતા (cardiomyopathy) કે હૃદ્-સ્નાયુશોથ(cardio-myositis)માં જોવા મળે છે.

જ્યારે ડાબા ક્ષેપકમાંથી બહાર ધકેલાતો જથ્થો (હૃદ્-બહિ:ક્ષેપ, cardial output) ઘટે ત્યારે તેને અગ્રવર્તી હૃદ્-નિષ્ફળતા (forward heart failure) કહે છે. જો ડાબા ક્ષેપકમાંથી બહાર નીકળતો લોહીનો જથ્થો સામાન્ય કે લગભગ સામાન્ય હોય અને શરીરમાં ક્ષાર અને પાણીનો ભરાવો થયેલો હોય તો તેવા વિકારને પશ્ચવર્તી હૃદ્-નિષ્ફળતા (backward heart failure) કહે છે. ક્ષાર-જળના આવા ભરાવાને શિરાકીય રુધિરભારિતા (venous congestion) કહે છે.

જ્યારે હૃદયના સ્નાયુના સંકોચનમાં વિકાર હોય તો તેને સંકોચનકાલી (systolic) અને શિથિલનમાં વિકાર હોય તો તેને વિકોચનકાલી (diastolic) હૃદ્-નિષ્ફળતા કહે છે. ડાબા ક્ષેપકના સ્નાયુની અતિવૃદ્ધિ (hypertrophy) થઈને તે જાડો થયો હોય તો ક્ષેપકનું વિકોચનકાલીય પોલાણ પૂરતું પહોળું થઈ શકતું નથી, તેથી તેમાં તે સમયે ઓછું લોહી ભરાય છે. તેનાથી ઉદભવતા વિકારને વિકોચનકાલી હૃદ્-નિષ્ફળતા કહે છે. શરીરમાં લોહીનું દબાણ વધે ત્યારે તેની સામે ડાબું ક્ષેપક પોતાના પોલાણમાંના લોહીને બહાર ધકેલવામાં ઓછું સફળ રહે છે. તેને સંકોચનકાલી હૃદ્-નિષ્ફળતા કહે છે. મુકુટધમનીથી થતા હૃદયરોગમાં બંને પ્રકારની દુષ્ક્રિયાશીલતા (dysfunction) જોવા મળે છે. માટે બંને પ્રકારની  સંકોચનકાલી અને વિકોચનકાલી  હૃદ્-નિષ્ફળતા થાય છે.

બેરીબેરીનો રોગ, પાંડુતા (anaemia), અતિગલગ્રંથિ વિષાક્તતા (thyrotoxicosis), ગુરુ ધમની-શિરા સંયોગિકા (arterio-venous shunt) વગેરે રોગો કે વિકારોમાં રુધિરાભિસરણ માટે વધુ પ્રમાણમાં રુધિર ઉપલબ્ધ હોય છે ત્યારે હૃદયનો બહિ:ક્ષેપ વધે છે; પરંતુ જો તે જરૂરિયાત કરતાં ઓછો રહે તો તેને અતિબહિ:ક્ષેપી હૃદ્-નિષ્ફળતા (high output failure) કહે છે. પ્રજીવક B1ની ઊણપથી થતા રોગને બેરીબેરીનો રોગ, લોહીમાં હીમોગ્લોબિન ઘટવાથી ઉદભવતા વિકારને પાંડુતા, ગલગ્રંથિ(thyroid gland)ના અંતસ્રાવની અધિકતાથી જે ઝેરી અસરવાળો વિકાર ઉદભવે છે તેને અતિગલગ્રંથિ વિષાક્તતા અને ધમની અને શિરાને સીધેસીધી જોડતી મોટી નસને ધમની-શિરા સંયોગિકા કહે છે.

હૃદ્-નિષ્ફળતા અચાનક અને તીવ્રતા (severity) સાથે થાય તો તેને ઉગ્ર હૃદ્-નિષ્ફળતા (acute cardiac failure) અને જો તે લાંબા સમયે ધીમે ધીમે ઉદભવે તો તેને દીર્ઘકાલી હૃદ્-નિષ્ફળતા (chronic cardiac failure) કહે છે. હૃદયરોગનો હુમલો થાય (ઉગ્ર હૃદ્-સ્નાયુ-પ્રણાશ, acute myocardial infarction) ત્યારે ક્યારેક ઉગ્ર હૃદ્-નિષ્ફળતા થઈ આવે છે.

લક્ષણ, ચિહનો અને નિદાન : ઉગ્ર હૃદ્-નિષ્ફળતામાં દર્દીને બેઠાં બેઠાં, આરામ કરતાં કરતાં પણ અચાનક શ્વાસ ચડી આવે છે, જે ઝડપથી ઉગ્ર શ્વસનીય દુસ્ત્રસ્તતા(acute respiratory distress)માં પરિણમે છે. તે સમયે દર્દી સૂઈ જાય તો અતિશય શ્વાસ ચડે છે. તે ઉત્તિષ્ઠક દુ:શ્વસન (orthopnea) તથા અતિદુર્બળતા-(prostration)માં પરિણમે છે. મોટે ભાગે હૃદયની ધમનીના લોહીના પ્રવાહમાં અંતર્રોધ થવાથી હૃદયના સ્નાયુનો થોડોક ભાગ મૃત્યુ પામ્યો હોય (હૃદ્-સ્નાયુપ્રણાશ, myocardial infarction) ત્યારે આ વિકાર થઈ આવે છે. લોહીનું દબાણ ઘણે ભાગે વધુ હોય છે; પરંતુ ક્યારેક તે સામાન્ય કે ઓછું હોય. જો દર્દી હૃદયજન્ય આઘાતવિકાર(cardiogenic shock)ની સ્થિતિમાં હોય તો લોહીનું દબાણ ઘટી જાય છે. દર્દીને અજંપો, ફિક્કાશ અને પરસેવો થઈ આવે છે. તેના હાથપગ (ગાત્રો, limbs) ઠંડા પડેલા હોય છે અને નાડી ઝડપી હોય છે. ક્યારેક હૃદય-ધબકારા વધુ પડતા ઓછા, વધુ કે અનિયમિત થયેલા હોય છે. જો જમણા ક્ષેપકની નિષ્ફળતા થાય કે પ્રવાહીનો ભરાવો હોય તો ડોકની શિરા(કંઠશિરા, jugular vein)માં દબાણ વધેલું હોય છે. હૃદયના ધબકારાનું સંશ્રવણ (auscultation) કરતાં ત્રીજો હૃદ્-ધ્વનિ સંભળાય છે જે ઘોડદોડરવ (gallop) જેવો નાદ સર્જે છે.

દીર્ઘકાલી હૃદ્-નિષ્ફળતામાં વારંવાર તકલીફો થાય છે અને વચગાળામાં થોડી રાહત રહે છે. વચગાળામાં હૃદ્-નિષ્ફળતાની ક્ષતિ અમુક અંશે અન્ય પરિબળો દ્વારા ઘટે છે. તેને ક્ષતિપૂરણ (compensation) કહે છે. ફેફસાંનો ચેપ કે અન્ય કારણે જ્યારે ક્ષતિપૂરણ ઘટે ત્યારે હૃદ્-નિષ્ફળતાનો હુમલો થઈ આવે છે. તેથી આવી વચગાળાની સ્થિતિને ક્ષતિપૂરિત હૃદ્-નિષ્ફળતા (compensated heart failure) પણ કહે છે.

જો દીર્ઘકાલી હૃદ્-નિષ્ફળતાને કારણે ડાબા ક્ષેપક દ્વારા ધકેલાતો લોહીનો જથ્થો ઘટે તો દર્દી થાક અને અશક્તિ અનુભવે છે અને શ્રમ કરવાની ક્ષમતા ઘટે છે. તેનાં ગાત્રો ઠંડાં અને લોહીનું દબાણ નીચું હોય છે. મૂત્રપિંડમાં લોહી ઓછું જતું હોવાથી અલ્પમૂત્રતા (oliguria) અને મૂત્રપિંડ-નિષ્ફળતા (renal failure) થાય છે. મૂત્રનું પ્રમાણ ઘટે તેને અલ્પમૂત્રતા કહે છે, જ્યારે મૂત્રપિંડનું કાર્ય ઘટવાથી થતા વિકારને મૂત્રપિંડ-નિષ્ફળતા કહે છે.

જો દીર્ઘકાલી હૃદ્-નિષ્ફળતા મુખ્યત્વે જમણા ક્ષેપકને કારણે હોય તો શરીરમાં પ્રવાહી ભરાય છે, ડોકની શિરામાં દબાણ વધે છે, યકૃતમાં સોજો આવવાથી તે મોટું થાય છે અને પેટના જમણા ઉપરના ભાગે સહેજ દબાવવાથી દુખે છે તથા પગ તથા શરીરના નીચેના ભાગોમાં પ્રવાહી ભરાવાથી સોજો (જળશોફ, oedema) થઈ આવે છે. શરીરમાં પ્રવાહી ભરાવાની સ્થિતિને જલભારિતા (congestion) કહે છે. તેને કારણે દીર્ઘકાલી સવ્ય ક્ષેપકીય હૃદ્-નિષ્ફળતા(right ventricular cardiac failure)ને જલભારી હૃદ્-નિષ્ફળતા (congestive cardiac failure) પણ કહે છે. ક્યારેક પેટ તથા ફેફસાંની આસપાસના પોલાણમાં પ્રવાહી ભરાય તો તેને અનુક્રમે જલોદર (ascites) અને પરિફેફસી ઉદ્સરણ (pleural effusion) કહે છે. જઠર અને આંતરડામાં પણ સોજો આવે છે, જેથી ભૂખ ઘટે છે તથા પચેલાં પોષક દ્રવ્યોનું અવશોષણ પણ ઘટે છે, તેથી સ્નાયુનો જથ્થો ઘટે છે અને કૃષકાયતા (cachexia) થઈ આવે છે. તેને હૃદ્-કૃષકાયતા (cardiac cachexia) કહે છે.

હૃદયની ધમનીના વિકારો, ચેપ, ધબકારાની અનિયમિતતા, દવાઓની આડઅસર અથવા વધુ પડતી કે ઓછી પડતી માત્રા, નસ વાટે વધુ પડતું પ્રવાહી આપવું વગેરે વિવિધ સ્થિતિઓ ક્ષતિપૂરિત હૃદ્-નિષ્ફળતામાંથી પૂર્ણવિકારનું સર્જન કરે છે. પગમાં સોજા આવવાનો વિકાર હૃદ્-નિષ્ફળતા ઉપરાંત પગની શિરાઓના વિકારમાં, શરીરમાં આલ્બ્યૂમિન ઘટે તેવી સ્થિતિમાં, કેટલીક દવાઓની આડઅસરમાં, યકૃત અને મૂત્રપિંડના વિકારોમાં, લસિકાવાહિનીઓ(lymphatics)માં અંતર્રોધ થાય ત્યારે થઈ આવે છે. માટે આ બધી સ્થિતિઓને હૃદ્-નિષ્ફળતાથી અલગ પાડીને નિદાન કરાય છે.

હૃદ્-નિષ્ફળતાની સ્થિતિમાં કેટલીક આનુષંગિક તકલીફો અથવા અનુસંકુલતાઓ (complications) થઈ આવે છે. જેમ કે મૂત્રપિંડની નિષ્ફળતા, લોહીમાં પોટૅશિયમનો વધારો કે ઘટાડો, સોડિયમનો ઘટાડો, યકૃતના કાર્યમાં ઘટાડો, નસોમાં લોહીનો ગઠ્ઠો જામી જવો, હૃદયના ધબકારાની અનિયમિતતા થવી વગેરે.

નિદાનપરીક્ષણો (investigations) : હૃદ્-નિષ્ફળતાના કારણરૂપ રોગ કે વિકાર નિશ્ચિત કરવા લોહીમાં યુરિયા, હીમોગ્લોબિન તથા રુધિરરસ(serum)માં વીજવિભાજ્યો (electrolytes) અને ક્રિયેટિનિનનું પ્રમાણ જાણવામાં આવે છે. આ ઉપરાંત છાતીનું એક્સ-રે-ચિત્રણ, હૃદ્ વીજાલેખ (electrocardiogram – ECG, EKG) વગેરે ઉપયોગી છે. બ્રેઇન-નેટ્રિયુરિક પેપ્ટાઇડ (BNP) નામના દ્રવ્યનું લોહીમાં પ્રમાણ જાણવાથી જેમને શ્વાસ ચડતો હોય કે સોજા આવ્યા હોય તેઓને હૃદ્-નિષ્ફળતા થઈ છે કે નહિ તે જાણી શકાય છે. આવા દર્દીઓમાં તેની રુધિરસપાટી ઊંચી જાય છે. હૃદ્-પ્રતિઘોષાલેખ (electrocardiography) કરવાથી દર્દીની હૃદ્-નિષ્ફળતાનું કારણ જાણી શકાય છે. તે હૃદયના કપાટ(વાલ્વ)ની વિકૃતિ/વિકારના નિદાનમાં ઉપયોગી છે અને ACE ઇનહિબિટર (નિગ્રહક) જૂથની દવાઓથી લાભ થશે કે કેમ તે પણ જણાવે છે.

હૃદ્-નિષ્ફળતાના નિદાનમાં છાતીનું એક્સ-રે-ચિત્રણ ઉપયોગી પરીક્ષણ છે. ડાબા ક્ષેપકની નિષ્ફળતામાં ફેફસાંની ઉપરના ભાગમાં ફેફસી શિરાઓ પહોળી થયેલી જોવા મળે છે. ફેફસાંમાંની વાહિનીઓ વધુ સુસ્પષ્ટ (prominant) બને છે અને જમણી અને ડાબી ફેફસી ધમનીઓ પણ પહોળી થઈને સુસ્પષ્ટ બને છે. અંતરાલપેશી(interstial tissue)માં સોજો આવવાથી આંતરખંડિકા પટલો (interlobular septa) જાડા થાય છે અને લસિકાવાહિનીઓ પણ પહોળી થાય છે. તેથી ઊરોદરપટલ અને પાંસળીઓ વચ્ચેના ખૂણામાં સમક્ષિતિજ રેખાઓ જોવા મળે છે. તેને કર્લિ-બી (Kerley-B) રેખાઓ કહે છે. વધુ તીવ્ર વિકારમાં ફેફસાંના પ્રવેશમુખ(hilum)માંથી ફેલાતી ઝાંખપકારી અપારદર્શકતા વાયુ પોટાઓમાંનો જલશોફ (oedema) સૂચવે છે. તેવે સમયે ફેફસાંની આસપાસના આવરણ(પરિફેફસી કલા)માં પ્રવાહી ભરાય છે.

સારવાર : તેને 2 વિભાગમાં વહેંચાય છે : ઉગ્ર હૃદ્-નિષ્ફળતાને કારણે થતા ઉગ્ર ફેફસી જલશોફ(acute pulmonary oedema)ની સારવાર અને દીર્ઘકાલી હૃદ્-નિષ્ફળતાથી થતી જલભારી હૃદ્-નિષ્ફળતા(congestive cardiac failure, CCF)ની સારવાર.

(અ) ડાબા ક્ષેપકની ઉગ્ર નિષ્ફળતામાં ફેફસાંમાં પ્રવાહી ભરાય છે, જેને ઉગ્ર ફેફસી જલશોફ (acute pulmonary oedema) કહે છે, જે જીવનને જોખમી સંકટ કરે છે. ફેફસાંમાંનો જલભાર (congestion) ઘટાડવા દર્દીને બેસાડવામાં આવે છે અને વધુ સાંદ્રતા(concentration)વાળો ઑક્સિજન વાયુ ઊંચા દરે આપવામાં આવે છે. તેને અનાક્રમક (noninvasive) છતાં સતત વર્ધિત શ્વસનમાર્ગદાબ (continuous positive airpassage pressure, CPAP) કહે છે. CPAPનું સ્તર 5થી 10 મિમિ. પારો રખાય છે. તે દર્દીની સ્થિતિમાં તરત સુધારો લાવે છે. ગ્લિસરાયલ ટ્રાયનાઇટ્રેટને નસ માર્ગે કે ગલોફામાં મૂકીને અપાય છે. લોહીનું દબાણ 110 મિમિ. પારા સુધી ઘટે ત્યાં સુધી તે અપાય છે. તે સાથે નસ વાટે ભારે માત્રામાં ફ્યુરોસેમાઇડ (મૂત્રવર્ધક ઔષધ) અપાય છે. દર્દીને પથારીમાં સતત આરામ અપાય છે અને તેના હૃદયના ધબકારાનો દર અને તાલ તથા લોહીનું દબાણ અને નાડીનો દર સતત માપ્યા કરાય છે. આવા સતતમાપન(monitoring)થી દર્દીની હાલત વિશે ક્ષણેક્ષણની માહિતી મળે છે. અતિશય કટોકટીની સ્થિતિમાં સાવચેતીપૂર્વક નસ વાટે મૉર્ફિન કે પેથિડિન અપાય છે. જો લોહીનું દબાણ નીચું જ રહે અને સુધરે નહિ તો ડોપામિન, ડોબ્યુટામિન જેવાં ઔષધોનું નસ વાટે સતત અંત:સરણ (infusion) કરાય છે તથા જરૂર પડ્યે મહાધમનીમાં બલૂન-પંપ (પ્રણોદ પ્રફુલ્લક, baloon pump) મૂકવામાં આવે છે.

(આ) દીર્ઘકાલી હૃદ્-નિષ્ફળતાના દર્દીની સારવારમાં તેના કારણની સારવારને મહત્વ અપાય છે. તે માટે દર્દીને તેના રોગ અને તેની સારવાર વિશે માહિતી આપવી, વજન જાળવે એવો ઓછા ક્ષારવાળો ખોરાક આપવો, મદ્યપાનમાં ઘટાડો કરવો અથવા બંધ કરાવવું, ધૂમ્રપાનનો નિષેધ કરવો. તકલીફો વધે નહિ તેટલી મર્યાદામાં નિયમિત કસરત કરાવવી તથા ઇન્ફ્લુએન્ઝા અને ન્યૂમોકોકલ જીવાણુઓનો ચેપ ન લાગે તે માટે રસી મૂકવી વગેરે વિવિધ સર્વસામાન્ય બાબતોનો સારવારમાં સમાવેશ થાય છે.

વિવિધ પ્રકારનાં ઔષધો ઉપયોગી છે – મૂત્રવર્ધકો (diuretics), વાહિનીવિસ્ફારકો (vasodilators), એસીઈ નિગ્રહકો (ACE inhibitors), બીટા રોધકો (beta-blockers), ડિગોક્સિન, ઍમિડૅરોન વગેરે. આ ઉપરાંત નિર્વિસ્પંદકો (defibrillators), ક્ષેપક સહાયક સંયોજનાનો (ventricular assisting devices), મુકુટ-ધમનીમાંના અંતર્રોધને બાજુ પર રાખતી ઉપમાર્ગવાહિની (bypass) મૂકવાની શસ્ત્રક્રિયા તે અંતર્રોધમાંથી પસાર થઈને લોહીનું વહન જાળવી રાખતી પસારનલિકા (stent) મૂકવાની ક્રિયા, હૃદ્-પ્રત્યારોપણ (heart transplantation) વગેરે પણ કેટલાક કિસ્સામાં ઉપયોગી રહે છે.

ઔષધીય સારવાર : (અ) મૂત્રવર્ધકોનો ઉપયોગ પ્રથમ હરોળનાં ઔષધોમાં થાય છે. તેઓ પેશાબમાં પાણી અને સોડિયમનો ઉત્સર્ગ વધારે છે અને તે રીતે લોહી પરિભ્રમણ કરતા લોહીનું કદ ઘટાડે છે. તેઓ અમુક અંશે ધમનીઓ અને શિરાઓને પહોળી કરે છે (વિસ્ફારણ, dilatation). તેને કારણે રુધિરાભિસરણમાં પરિઘીય અવરોધ (peripheral resistance) ઘટે છે. આમ તે હૃદય પરનો પૂર્વભાર (પરત આવતા લોહીનું કદ) તથા ઉત્તરભાર (પરિઘીય અવરોધ સામે લોહી ધકેલવા માટે કરવું પડતું કાર્ય) તેમજ શારીરિક તેમજ ફુપ્ફુસીય રુધિરાભિસરણની શિરાઓમાંની રુધિરભારિતા (venous congestion) ઘટાડે છે. તેનો વધુ પડતો ઉપયોગ હૃદયનો બહિ:ક્ષેપ (output) અને લોહીનું દબાણ ઘટાડે છે. સામાન્ય રીતે મુખમાર્ગી ફ્યુરોસેમાઇડ અપાય છે. તીવ્ર દીર્ઘકાલી હૃદ્-નિષ્ફળતામાં મૂત્રપિંડી નિષ્ફળતા પણ હોય છે, ત્યારે તેને શિરામાર્ગે ઇન્જેક્શન દ્વારા અપાય છે. ક્યારેક તેની સાથે થાયૅઝાઇડ કે તેના જેવી મેટોલેઝોન નામની દવાઓ અપાય છે. તે ક્યારેક અતિશય મૂત્રવર્ધન (diuresis) કરે છે. પોટૅશિયમ-સંગ્રાહી મૂત્રવર્ધકો-સ્પાયરોનોલૅક્ટોન અને એપ્લિરેનોનને ACE નિગ્રહકો સાથે આપવાથી ક્યારેક લોહીમાં પોટૅશિયમ વધી જાય છે. તે ઉગ્ર હૃદ્-સ્નાયુપ્રણાશ (myocardial infarction) અને હૃદ્-નિષ્ફળતાનો તીવ્ર વિકાર હોય ત્યારે ખાસ લાભકારક છે.

() વાહિની વિસ્ફારકો (vasodilators) : તેઓ દીર્ઘકાલી હૃદ્-નિષ્ફળતાની સારવારમાં ઉપયોગી છે. નાઇટ્રેટ્સ શિરાવિસ્ફારક (venodilator) છે અને તે શિરાઓને પહોળી કરીને હૃદય પરનો પૂર્વભાર (pre-load) ઘટાડે છે. હોયડ્રેલેઝિન ધમનીવિસ્ફારક (arterial dilator) છે અને તે ધમનીઓને પહોળી કરીને હૃદય પરનો ઉત્તરભાર (after load) ઘટાડે છે. વધુ જથ્થામાં લોહી પરત આવે તેને આગળ ધકેલવા માટે હૃદયને કાર્ય કરવું પડે તેને પૂર્વભાર (pre-load) અને પરિઘીય અવરોધ સામે લોહીને ધકેલવા હૃદયને જે કાર્ય કરવું પડે તેને ઉત્તર ભાર (after load) કહે છે. વાહિનીવિસ્ફારકો તે કાર્યને ઘટાડે છે. હાયડ્રેલેઝિનનો ઉપયોગ સીમિત છે.

() એન્જિયોટેન્સિનકનવર્ટિગ એન્ઝાઇમ(ACE)ના નિગ્રાહકો (inhibitors) : આ ઔષધજૂથે હૃદ્-નિષ્ફળતાની સારવારમાં મહત્વનો વિકાસ આણ્યો છે. તેઓ સોડિયમ અને પાણીનો ભરાવો અટકાવે છે, પરિઘીય વાહિનીસંકોચન તથા અનુકંપી ચેતાતંત્રનું ઉત્તેજન ઘટાડે છે. તે મૂત્રવર્ધકો દ્વારા રેનિન-એન્જિયોટેન્સિન પ્રણાલીનું ઉત્તેજન ઘટાડે છે. આ બધાને લીધે તે હૃદય પરનો ઉત્તર ભાર ઘટાડે છે. તે અમુક અંશે પૂર્વભાર પણ ઘટાડે છે અને રુધિર પ્રરસ(plasma)માં પોટૅશિયમનું પ્રમાણ વધારે છે. તેથી ફ્યૂરોસેમાઇડ જેવા મૂત્રવર્ધક સાથે તેને વાપરવાથી વધુ લાભ રહે છે. તે હૃદ્-નિષ્ફળતાનો હુમલો થતો અટકાવે છે તથા તેના દર્દીમાં શ્રમસહ્યતા (effort tolerance) વધારીને મૃત્યુદર ઘટાડે છે; પરંતુ તે ઊઠતાં-બેસતાં (અંગવિન્યાસી, postural) તકલીફો કરે તથા મૂત્રપિંડનો રોગ હોય તો તેની નિષ્ફળતાની તીવ્રતા વધારે છે. તેની પ્રથમ માત્રા(dose)થી ક્યારેક લોહીનું દબાણ અતિશય ઘટી જાય છે. આવું ખાસ કરીને એવા દર્દીમાં થાય છે, જેમાં અગાઉ મૂત્રવર્ધકોની સારવારને કારણે લોહીનું કદ, દબાણ તથા સોડિયમનું પ્રમાણ ઘટેલું હોય. તેવી સ્થિતિઓને અનુક્રમે અલ્પરુધિરસંહતિ (hypovolaemia), અલ્પરુધિરદાબ (hypotension) અને અલ્પ-સોડિયમરુધિરતા (hyponatraemia) કહે છે. તેથી ACE-નિગ્રહક વડે સારવાર શરૂ કરવામાં આવે ત્યારે જરૂર હોય તેવા કિસ્સામાં મૂત્રવર્ધકની સારવાર 12 દિવસ બંધ રખાય છે, ઓછી માત્રામાં શરૂ કરાય છે, દર્દીને નિરીક્ષણ હેઠળ રખાય છે અને 12 અઠવાડિયે મૂત્રપિંડની કાર્ય-કસોટીઓ કરી લેવાય છે. જો લોહીનું દબાણ ઘટે તો દર્દીને માથું નીચે રહે તેમ સુવાડીને નસ વાટે પ્રવાહી અપાય છે. હાલ એનાલેપ્રિલ, સિસિનોપ્રિલ તથા રૅમિપ્રિલ નામનાં ઔષધો વપરાશમાં છે.

() એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લૉકર્સ (એન્જિયોટેન્સિન સ્વીકારકરોધકો) : લોસાર્ટેન, કૅન્ડેસૅર્ટાન તથા વૅલ્સેટાન નામનાં આ જૂથનાં ઔષધો એન્જિયોટેન્સિન-II નામના દ્રવ્યની હૃદય, શરીરમાં ફેલાયેલી નસો તથા મૂત્રપિંડ પરની અસરને અટકાવે છે. તેથી હૃદ્-નિષ્ફળતાના દર્દીમાં તે ACE-નિગ્રહક જેવો ફાયદો કરે છે. તેથી જેઓ ACE-નિગ્રાહકને કારણે તકલીફ અનુભવતા હોય તેમને માટે તે ઉપયોગી છે. જોકે આ બંને ઔષધજૂથોની આડઅસરો સમાન છે.

() બીટારોધકો (beta-blockers) : તેઓ અનુકંપી ચેતાતંત્રીય (sympathetic nervous system related) અસરોને નાબૂદ કરે છે. બિસોપ્રોલોલ નામની દવાને ઓછી માત્રાથી શરૂ કરીને ધીરે ધીરે માત્રા વધારવામાં આવે તો તે હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત તથા મૃત્યુદરને ઘટાડે છે. ભારે માત્રામાં તેઓ હૃદ્-નિષ્ફળતાનો હુમલો લાવે છે.

() ડિગોક્સિન : કર્ણક-વિસ્પંદન (atrial fibrillation) નામની હૃદયના ધબકારાની અનિયમિતતા સાથે હૃદ્-નિષ્ફળતા હોય તો ડિગોક્સિન પ્રથમ હરોળનું ઔષધ છે. સામાન્ય હૃદ્-તાલ(cardiac rythm)વાળા દર્દીમાં તેનો ખાસ લાભ સાબિત થયેલો નથી; પરંતુ તે હૉસ્પિટલમાં દાખલ થવાનો દર ઘટાડે છે.

() ઍમિડેરોન : હૃદયના ધબકારા અનિયમિત થાય તો તેને હૃદ્-તાલભંગ (cardiac arrhythmia) કહે છે. ઍમિડેરોન પ્રતિ-તાલભંગ (antiarrhythmic) ઔષધ છે અને હૃદ્-તાલભંગ સાથે હૃદ્-નિષ્ફળતા હોય અને તે તકલીફો (લક્ષણો) સર્જતી હોય તો ઉપયોગમાં લેવાય છે.

અનૌષધીય સારવાર : હૃદ્-નિષ્ફળતાના દર્દીઓમાં તકલીફ કરતી ક્ષેપકીય તાલભંગ (ventricular arrhythmia) ક્યારેક મૃત્યુ નિપજાવે છે. તે સમયે ઔષધો ખાસ ઉપયોગી ન પણ નીવડે. ત્યારે હૃદયમાં કૃત્રિમ ગતિપ્રેરક (artificial pacemaker) તથા નિર્વિસ્પંદક (defibrillator) નામની સંયોજનાઓ(devices)ને શરીરમાં મૂકવાથી લાભ થાય છે.

જો મુકુટધમનીમાં અંતર્રોધ થવાથી વિકાર સર્જાયો હોય તો ધમનીમાં તાર પરોવીને તેના દ્વારા મુકુટધમનીમાં અંતર્રોધ થતો હોય તેવા સ્થાનને પહોળું કરવું (મુકુટધમની વિસ્ફારણ, coronary dilatation), તેમાં પસારનળી (stent) મૂકવી કે તેવી નસને કોઈ એક ઉપપથવાહિની (bypass vessel) સાથે જોડવી વગેરે ક્રિયાઓ કરાય છે. મુકુટધમની-વિસ્ફારણ કરવા કે પસારનળી મૂકવા માટે ચામડીમાં નાનો છેદ કરીને આખી પ્રક્રિયા કરી શકાય છે. ઉપપથવાહિની (ઉપમાર્ગવાહિની) મૂકવા માટે શસ્ત્રક્રિયા જરૂરી છે. આ પ્રક્રિયાઓને પુનર્વાહિનીકરણ (revascularisation) પ્રક્રિયાઓ કહે છે.

અન્ય કોઈ સારવારપદ્ધતિથી લાભ ન થાય ત્યારે હૃત્-પ્રત્યારોપણ (heart transplantation) નીવડેલી સારવાર ગણાય છે. તેના પછી સાઇક્લોસ્પોરિન નામના ઔષધ વડે હવે 1 વર્ષનો જીવનકાળ 90 % દર્દીઓમાં શક્ય બન્યો છે. તે મુકુટધમની-રોગ (coronary artery disease) તથા હૃદ્-સ્નાયુરુગ્ણતા(cardiomyopathy)ના દર્દીઓમાં ખાસ ઉપયોગી છે; પરંતુ જેઓમાં ફુપ્ફુસીય વાહિનીતંત્રમાં (ફેફસાંની નસોમાં) વિકાર થઈ ગયો હોય તેમાં તેના ઉપયોગનો નિષેધ છે. તેવે સમયે હૃદય અને ફેફસાં – એમ બંનેનું સહ-પ્રત્યારોપણ કરી શકાય. હૃદ્-પ્રત્યારોપણની પ્રમુખ આનુષંગિક સંકુલતાઓમાં પ્રત્યારોપણનો અસ્વીકાર (rejection), ચેપ તથા મેદતંતુકાઠિન્ય(athero-sclerosis)ના વિકારનો ઝડપી વધારો વગેરે જોવા મળે છે. હૃદ્-પ્રત્યારોપણ માટે અવયવદાતાઓ ઓછા મળે છે. તેથી ક્ષેપક-સહાયક સંયોજનાઓ (ventricular assist devices) વડે વચગાળાનો સમય કાઢી શકાય છે. આ સંયોજનામાં કર્ણક કે ક્ષેપકમાંથી નલિકા દ્વારા લોહી મેળવીને તેને પ્રણોદક (pump) દ્વારા ફેફસીપ્રધમની (pulmonary trunk) કે મહાધમની(aorta)માં ધકેલાય છે. વિવિધ આનુષંગિક તકલીફોએ તેમનો ઉપયોગ સીમિત રાખેલો છે.

શિલીન નં. શુક્લ