હૃદ્-પ્રતિઘોષાલેખન (echocardiography – ECHO)

February, 2009

હૃદ્-પ્રતિઘોષાલેખન (echocardiography – ECHO) : હૃદયનું અશ્રાવ્ય ધ્વનિચિત્રણ (ultrasonography). તેની મદદથી હૃદયના ભાગોને દ્વિપરિમાણી ચિત્રો રૂપે જોઈ શકાય છે. છાતી પર પ્રનિવેશક (probe) મૂકીને અશ્રાવ્ય ધ્વનિ(ultrasound)ના તરંગોને હૃદય તરફ મોકલવામાં આવે છે, જે ત્યાંથી પરાવર્તિત થઈને પ્રતિઘોષ(પડઘા)ના રૂપે પાછા આવે છે. તેમને પ્રનિવેશક વડે ઝીલીને કમ્પ્યૂટર વડે ચિત્રશ્રેણીમાં મૂકવામાં આવે છે અને તેને આધારે નિદાન કરી શકાય છે. આ પદ્ધતિમાં શરીરમાં કશું પણ પ્રવેશાવાતું નથી માટે તેને અનાક્રમક ક્રિયાકલા (noninvasive technique) કહે છે. ક્ષેપકનાં સંકોચનો, હૃદ્-કપાટો(heart valves)ના ખોલબંધ થવાની ક્રિયા વગેરે જે તે સમયે જ જોઈ શકાતાં હોવાથી તેને યથાર્થકાલી (real time) કસોટી ગણવામાં આવે છે. તેની મદદથી ડાબા ક્ષેપકના કાર્ય તથા કાર્યક્ષમતા વિષે માહિતી મળે છે તેમજ હૃદ્-કપાટોના વિકારો/વિકૃતિઓનું નિદાન પણ થઈ શકે છે. હૃદયની આસપાસ પરિહૃદ્-કલા(pericardium)માં પ્રવાહી ભરાયું હોય તો તેને પરિહૃદ્-ઉદ્સરણ (pericardial effusion) કહે છે. તેનું પણ નિદાન થઈ શકે છે. પરિહૃદ્-કલાના અન્ય રોગોનું નિદાન પણ શક્ય બને છે. હૃદંત:કલાશોથ (endocarditis) નામના રોગમાં હૃદ્-કપાટો પર વિગુલ્મો (vegetations) બને છે તેનું પણ નિદાન કરી શકાય છે. તેનો સૌથી મહત્વનો ઉપયોગ મુકુટધમનીરોગ (coronary artery disease) અથવા હૃદ્-સ્નાયુરુગ્ણતા (cardiomyopathy) નામના રોગમાં હૃદ્-સ્નાયુની સ્થિતિ, સંકોચનશીલતા તથા લોહીને ધમનીતંત્રમાં ધકેલવાની ક્ષમતા જાણવા માટે થાય છે.

હૃદ્પ્રતિઘોષાલેખ (echocardiograph) : (અ) સામાન્ય અને (આ) સંકીર્ણ (stenosed) મહાધમની કપાટ (aortic valve), (અ અને આ-1) બંધ કપાટ, (અ અને આ-2) ખુલ્લો કપાટ. તીર કપાટની ખુલ્લી અને બંધ પાંખડીઓ (દલ) દર્શાવે છે.

હલનચલન કરતી વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા ધ્વનિતરંગોની આવૃત્તિ(frequency)માં તફાવત હોય છે. તેથી તેમની મદદથી નસ કે હૃદયના ખંડોમાંના લોહીના પ્રવાહની દિશા અને કદ જાણવા માટે લોહીમાંના રક્તકોષો પરથી પરાવર્તિત થતા ધ્વનિતરંગોનો અભ્યાસ ઉપયોગી રહે છે. તેને પ્રવાહદ્યોતક હૃદ્-પ્રતિઘોષાલેખન (doppler echocardiography) કહે છે. તેની મદદથી હૃદ્-કપાટોમાંથી વિપરીત માર્ગે લોહી વહેતું હોય કે હૃદ્-સ્નાયુના વિકારને કારણે હૃદયમાંથી ધકેલાતું લોહીનું પ્રમાણ ઘટ્યું હોય તો તે જાણી શકાય છે. પ્રવાહની દિશા અને કદને આધારે પ્રવાહનો વેગ/સમયનો આલેખ દોરી શકાય છે અને તેમાં રંગપૂરણ (colour overlay) કરવાથી રુધિરવહનની દિશા સુસ્પષ્ટ કરી શકાય છે. તેથી તે ક્યારે અને કેટલા પ્રમાણમાં યથોચિત (normal direction) કે વિપરીત માર્ગે (regurgitation) વહી રહ્યું છે તે જાણી શકાય છે.

હાલ ત્રિ-પરિમાણી (three dimensional) હૃદ્-પ્રતિઘોષાલેખન, અંતર્વાહિની ધ્વનિચિત્રણ (intravascular ultrasound), અંત:હૃદ્-ધ્વનિચિત્રણ (intracardiac ultrasound) વગેરે વિવિધ નવી શોધોએ નિદાનપ્રક્રિયાને વધુ વિશ્વસનીય બનાવી છે.

શિલીન નં. શુક્લ