હૃદ્-નલિકાનિવેશ (cardiac catheterisation) : હૃદયના ખંડોમાં પોલી નળી નાંખીને નિદાન તથા ચિકિત્સા કરવી તે. આ પોલી નળીને નિવેશિકા (catheter) કહે છે અને તે પ્રક્રિયાને નલિકાનિવેશ (catheterisation) કહે છે.

નિદાન કરવા માટે એક્સ-રેની દોરવણી હેઠળ હૃદયના દરેક ખંડમાં પ્રવેશાવાયેલી નિવેશિકા વડે દબાણ નોંધી શકાય છે. ત્યાંથી લોહીનો નમૂનો લઈ શકાય છે તથા તેમાં એક્સ-રે-રોધી દ્રવ્ય (contrast medium) નાંખીને હૃદયના ખંડોનાં ચિત્રણો મેળવી શકાય છે. આ પ્રક્રિયા વડે ડાબા કર્ણક અને ક્ષેપક વચ્ચેના દ્વિદલ કપાટ (mitral valve), ડાબા ક્ષેપક અને મહાધમની (aorta) વચ્ચેના મહાધમની કપાટ (aortic valve) તથા મહાધમની વિષે પણ માહિતી મળે છે. તેની મદદથી વામ ક્ષેપક ચિત્રણ (left ventriculography) કરવા ડાબા ક્ષેપકમાં એક્સ-રે-રોધી દ્રવ્ય નંખાય છે. હૃદયના ડાબા ભાગો(દ્વિદલ કપાટ, ડાબું ક્ષેપક, મહાધમની કપાટ વગેરે)ની માહિતી મેળવવા સામાન્ય રીતે જાંઘમાં આવેલી જંઘાધમની(femoral artery)માં છિદ્ર કરીને નિવેશિકાને તે ધમની દ્વારા છેક હૃદયના ડાબા ક્ષેપક સુધી પરોવાય છે. ઉષ્મામંદન ક્રિયાકલાઓ (thermo-dilution techniques) વડે હૃદયના ડાબા ક્ષેપકમાંથી કેટલું લોહી દર મિનિટે બહાર ધકેલાય છે તે માપી શકાય છે. હૃદયમાંથી દર મિનિટે શરીરમાં ધકેલાતા લોહીના જથ્થાને હૃદ્-બહિ:ક્ષેપ (cardiac output) કહે છે.

હૃદયના જમણા ભાગો(જમણું કર્ણક, જમણું ક્ષેપક, ફુપ્ફુસ અથવા ફેફસી પ્રધમની)ના નિદાન માટે સામાન્ય રીતે ડોકમાં આવેલી ધોરી શિરા(અવજત્રુક શિરા, subclavian vein)નો ઉપયોગ કરાય છે. તેની મદદથી ફુપ્ફુસીય (ફેફસી) પ્રધમની(pulmonary artery)માંનું લોહીનું દબાણ માપી શકાય છે તથા હૃદયના ખંડો વચ્ચેના પડદામાં કાણું હોય (પટલછિદ્ર, septal defect) તો તે જાણી શકાય છે. તે જુદા જુદા ખંડોમાંના લોહીમાં ઑક્સિજનનું કેટલું પ્રમાણ છે તેની માહિતી મળી શકે છે. ડાબા કર્ણકમાંનું દબાણ જાણવા માટે 2 પ્રકારની પદ્ધતિઓ ઉપલબ્ધ છે : એક પદ્ધતિ પ્રમાણે વિશિષ્ટ નિવેશિકા વડે બે કર્ણક વચ્ચેના પડદામાં કાણું પાડીને ડાબા કર્ણકમાં પ્રવેશ કરી શકાય છે અથવા બીજી પદ્ધતિ પ્રમાણે જમણા ક્ષેપકમાં થઈને ફુપ્ફુસીય (ફેફસી) પ્રધમની(pulmonary trunk)માં ફુગ્ગો મૂકવામાં આવે છે. તેનાથી મપાતા દબાણને કીલકશંકુ-દાબ (wedge pressure) કહે છે.

શિલીન નં. શુક્લ