હૂણ : ઈસવી સન પૂર્વે 2જી સદીમાં મધ્ય એશિયામાં ચીનની સરહદે વસતી જંગલી તથા ઝનૂની જાતિના લોકો. તેઓ બળવાન, હિંસક અને યુદ્ધપ્રિય હતા. ચાલતાં કે દોડતાં તેઓ વિચિત્ર અવાજ કરતા તથા પોતાના ચહેરા રંગીને બિહામણા દેખાતા. તેઓ હિંસા અને વિનાશ કરવામાં તલ્લીન રહેતા. તેમણે યૂએ ચી લોકોને વાયવ્ય ચીનમાંથી હાંકી કાઢ્યા. વધુ વસ્તી તથા આવશ્યક વસ્તુઓની અછતને લીધે તેમણે પશ્ચિમ તરફ સ્થળાંતર કર્યું. તેઓની એક શાખા વૉલ્ગા નદી તરફ ગઈ અને યુરોપના દેશો પર આક્રમણ કરી, ત્યાં રોમન સામ્રાજ્યનો નાશ કર્યો. હૂણોની ‘ગોરા હૂણ’ તરીકે ઓળખાતી શાખાએ દક્ષિણમાં ઑક્સસ નદીના ખીણ પ્રદેશમાં વસવાટ કરીને ઈરાન, અફઘાનિસ્તાન તથા સિંધુ નદીની ખીણમાં ગંધાર સુધી સત્તા જમાવવા માંડી.

ભારતમાં હૂણોનાં આક્રમણો તથા સત્તા વિશે કેટલાક અભિલેખો, સિક્કાઓ વગેરે પરથી કેટલીક માહિતી મળે છે. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના રાજ્ય અમલ(ઈ. સ. 455–467)ના આરંભમાં હૂણોએ ભારતની વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) સરહદે ચડાઈ કરી. સ્કંદગુપ્તે હૂણોને સખત હાર આપીને ભારત દેશને ક્રૂર અને ઘાતકી પરદેશીઓના ત્રાસમાંથી બચાવી લીધો. પરાજિત હૂણોએ ઈરાન પર ચડાઈ કરી, ત્યાંના સમ્રાટની હત્યા કરીને બલ્ખની આસપાસના પ્રદેશમાં સામ્રાજ્ય સ્થાપ્યું. 5મી સદીની આખરે, ગુપ્ત સામ્રાજ્ય નબળું પડતાં, હૂણો તીડની જેમ વાયવ્ય તથા મધ્ય ભારતમાં માળવા સુધી ફેલાઈ ગયા. હૂણોના સરદાર તોરમાણે મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું (ઈ. સ. 510). તેની સરદારી હેઠળ હૂણોએ ઉત્તર ભારતમાં મઠો-મંદિરો લૂંટીને ધરાશાયી કર્યાં, ખેતરો ઉજ્જડ કર્યાં અને લોકો પર બેહદ જુલમ ગુજાર્યો. મધ્ય પ્રદેશના એરણ અભિલેખમાં તે પ્રદેશ પર એનું આધિપત્ય હોવાનો ઉલ્લેખ છે. તોરમાણ પછી તેનો પુત્ર મિહિરકુલ આશરે ઈ. સ. 515માં સત્તા પર આવ્યો. તેનું પાટનગર શાકલ(સિયાલકોટ)માં હતું. તેની સત્તા ગંધાર–કાશ્મીરથી ગ્વાલિયર સુધી હતી. તે શરૂમાં બૌદ્ધ ધર્મ પ્રત્યે સદભાવ રાખતો હતો. પાછળથી બૌદ્ધ ધર્મનો વિરોધી અને પશુપતિ શિવનો ભક્ત બન્યો હતો. તે દયાહીન અને ઘાતકી હતો. સંભવત: ઈ. સ. 542માં તે મરણ પામ્યો. ત્યાર બાદ હૂણોની સત્તા નબળી પડી. ઈ. સ. 563થી 567 દરમિયાન તુર્કો અને ઈરાનીઓએ પશ્ચિમ એશિયામાં ઑક્સસ નદીના કિનારે હૂણોને હરાવી તેમની સત્તાનો અંત આણ્યો. ભારતમાં વસતા હૂણોનું સમય જતાં ભારતીયીકરણ થયું અને તેમણે પોતાની અલગતા ગુમાવી.

હૂણોએ ગુપ્ત સામ્રાજ્યને મરણતોલ ફટકો મારીને તેને નબળું પાડ્યું તથા રાજકીય ક્ષેત્રે અરાજકતા પેદા કરી હતી. રાજકીય એકતાનો નાશ થતાં ભારત નિર્બળ બન્યું. હૂણો ઉત્તર–પશ્ચિમ ભારતના વિશાળ પ્રદેશ પર અંકુશ મેળવી શક્યા; પરંતુ ગુપ્ત સામ્રાજ્યના અસ્ત બાદ રાજકીય ક્ષેત્રે સર્જાયેલા શૂન્યાવકાશને ભરી શક્યા નહિ. તેમણે સમય જતાં ભારતીય જીવનપદ્ધતિ, વેશભૂષા, રીતરિવાજો, ભાષા ઇત્યાદિ અપનાવ્યાં. ઘણાખરા હૂણોએ શૈવ ધર્મ અપનાવ્યો. ભારતીય ધર્મ તથા સંસ્કૃતિ અપનાવીને હૂણો સમય જતાં હિંદુ સમાજમાં ભળી ગયા. હૂણ સરદારો અને યોદ્ધાઓ ક્ષત્રિયોમાં ભળ્યા, જ્યારે અન્ય હૂણોમાંના કેટલાક ખેડૂતો બન્યા. હિંદુ આહીર તથા જાટ કોમો મુખ્યત્વે હૂણોની બનેલી મનાય છે.

આક્રમણ કરનારા અવિચારી હૂણોએ કલાના ઉત્તમ નમૂનાઓનો નાશ કર્યો અને કેટલાક કલાકારો તથા વિદ્વાનોની હિંસા કરી. તેમણે નાશ કરેલ અસંખ્ય મંદિરો, વિહારો, સ્તૂપો તથા કલાત્મક મૂર્તિઓ સમગ્ર ભારતીય સંસ્કૃતિના ઇતિહાસની અમૂલ્ય અને અપ્રાપ્ય સાધન-સામગ્રીરૂપ હતાં. આમ તેમનાં કૃત્યોથી ભારતને અવર્ણનીય નુકસાન થયું છે.

જયકુમાર ર. શુક્લ