હૂડીની હૅરી

February, 2009

હૂડીની, હૅરી (જ. 24 માર્ચ 1874, બુડાપેસ્ટ, હંગેરી; અ. 31 ઑક્ટોબર 1926, ડેટ્રાઇટ, મિશિગન, અમેરિકા) : નામી જાદુગર અને કોઈ પણ પ્રકારનાં બંધનમાંથી છટકી શકનાર કલાકાર. તે સાવ બાળક હતા ત્યારે તેમના પરિવારે સ્થળાંતર કરીને અમેરિકામાં વસવાટ કર્યો. તે કોઈ પણ જાતની બંધનાવસ્થામાંથી એટલે કે જેલની બંધ કોટડીમાંથી માંડીને પાણીમાં ડુબાડેલી તાળું મારેલી પેટીમાંથી પણ છટકી જઈ હેમખેમ બહાર આવી શકવાની આવડત ધરાવતા હતા. બધી રીતે બંધ કરેલા, દોરડાથી બાંધેલા અને પાણીમાં ડુબાડેલા લોખંડના કરંડિયામાંથી સહીસલામત બહાર નીકળી જવાની તેમની યુક્તિ અચંબો પમાડે તેવી હતી. આ પ્રયોગ સૌથી પહેલી વાર તેમણે 7 જુલાઈ 1912ના રોજ ન્યૂયૉર્ક ખાતેની નદીમાં કરેલો.

હૅરી હૂડીની

પોલીસે તેમને ડક્કાનો ઉપયોગ કરવા ન દીધો એટલે તેમણે એક આગબોટ ભાડે રાખી અને પત્રકારોની હાજરીમાં તે બધી બાજુ બંધ પેટીમાંથી બહાર નીકળી ગયેલા. પેટીમાં ઉતારતા પહેલાં હૂડીનીને હાથકડી પહેરાવવામાં આવેલી અને તેના પગ પણ એ જ રીતે બાંધવામાં આવેલા. તેને કરંડિયામાં ઉતાર્યા બાદ કરંડિયો ચારે બાજુથી લોખંડના ખીલાઓથી સજ્જડ રીતે બંધ કરી દેવામાં આવેલો અને નદીના પાણીમાં ઉતારવામાં આવેલો. તેમ છતાં તે માત્ર સત્તાવન સેકન્માં સૌના આશ્ચર્ય વચ્ચે પાણીમાં તરતા કરંડિયામાંથી સહીસલામત બહાર નીકળી ગયા હતા. આ પ્રયોગ ત્યારપછી તેમણે અનેક વાર કરી બતાવ્યો હતો. કપટી કે બનાવટી પ્રયુક્તિઓ અને સાધનો વગેરેના ઉપયોગની વિરુદ્ધમાં તેમણે જોશીલી જેહાદ જગાવી હતી. તેઓ ‘સોસાયટી ઑવ્ અમેરિકન મૅજિશિયન્સ’ના પ્રમુખ રહ્યા હતા.

મહેશ ચોકસી