હૂડ, રૅમન્ડ (જ. 21 માર્ચ 1881, પૉટકર, રહોડ આઇલૅન્ડ; અ. 14 ઑગસ્ટ 1934) : અમેરિકાના સ્થપતિ. તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી ખાતે અભ્યાસ કર્યો હતો. ત્યારપછી 1905માં પૅરિસ ખાતે ઇકૉલ બ્યૂઝારમાં અભ્યાસ માટે જોડાયા. 1922માં તે જૉન મીડ હૉવેલ્સના સહયોગ(1868–1959)માં શિકાગો ટર્બાઇન ટાવર માટેની સ્પર્ધામાં વિજેતા બન્યા. આ ડિઝાઇન ગૉથિક શૈલીમાં વિસ્તૃત રીતે તૈયાર કરવામાં આવી હતી.
રૅમન્ડ હૂડ
પછીના દશકામાં તે ઉત્તર અમેરિકામાં ગગનચુંબી ઇમારતોના અગ્રણી ડિઝાઇનર બની રહ્યા. ન્યૂયૉર્ક સિટીમાંની તાજેતરની ઇમારતો અત્યાધુનિક તર્કસંગત શૈલી મુજબ તેમના દ્વારા ડિઝાઇનો કરાયેલી હતી. તેમાં ઉલ્લેખનીય તે ડેલીન્યૂઝ બિલ્ડિંગ (1929–30), રૉકફેલર સેન્ટર (1930–40) અને મૅક ગૉ-હિલ બિલ્ડિંગ છે.
મહેશ ચોકસી