હૂક રૉબર્ટ

February, 2009

હૂક, રૉબર્ટ (જ. 18 જુલાઈ 1635, ઇંગ્લૅન્ડ; અ. 3 માર્ચ 1703, લંડન) : આજે પણ જેનો સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત સ્વીકાર્ય છે તેવા અંગ્રેજ પ્રાયોગિક વિજ્ઞાની. 13 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં જાણીતા ચિત્રકાર સર પીટર લેલીને ત્યાં ચિત્રકામ શીખવા માટે રહ્યા. એક તરફ તેમનું સ્વાસ્થ્ય બરાબર ન હતું અને તેમાંય તેલ અને રંગોની એલર્જી રહ્યા કરતી હતી. આથી આવું ચિત્રકામ તે સમયે તો છોડવું પડ્યું, પણ જે કંઈ શીખવા મળ્યું હતું તે પાછલી જિંદગીમાં કામ લાગ્યું.

પિતાએ વારસામાં મૂકેલા 100 પાઉન્ડને આધારે વેસ્ટમિન્સ્ટર શાળામાં જોડાવાનું શક્ય બન્યું. 18 વર્ષની ઉંમરે ઑક્સફર્ડમાં પ્રવેશ લીધો. આ દરમિયાન તેમણે ઘણાં કૌશલ્ય મેળવી લીધાં હતાં. હોશિયાર વિદ્યાર્થી હોવા ઉપરાંત લાકડા તથા ધાતુકામ સારી રીતે કરી શકતા હતા.

રૉબર્ટ હૂક

તે ઑક્સફર્ડમાં હતા ત્યારે ક્રિસ્ટોફર રેત અને રૉબર્ટ બૉઇલને મળવાનું થયું. ત્યાં રૉબર્ટ બૉઇલે તેમને સંશોધક અને પ્રયોગશાળાના મદદનીશ તરીકે રાખ્યા. એવું મનાય છે કે વાયુ માટે બૉઇલના નિયમ સહિત કેટલુંક કામ તો હૂકની બુદ્ધિ અને યાંત્રિક કૌશલ્યનું પરિણામ હતું. જ્યારે શૂન્યાવકાશ પંપ (vacuum pump) બૉઇલની પ્રયોગશાળામાં વિકસાવવામાં આવ્યો હતો ત્યારે સાત્વિક માનસ ધરાવતા બૉઇલે તેનો યશ હૂકને આપ્યો હતો. જો કે પાછળથી તે બૉઇલના એન્જિન તરીકે ઓળખાયો.

રૉયલ સોસાયટીમાં હૂકે રસપ્રદ નોકરી અવેતને કરી. આના અનુભવથી તેમને વિજ્ઞાનની બીજી શાખાઓની સારી એવી જાણકારી મળી. જેને લીધે તેમની પ્રાયોગિક આવડત અને ક્ષમતામાં ઓર વધારો થયો. રૉબર્ટ હૂકે રૉયલ સોસાયટીના ઉપક્રમે સંયુક્ત સૂક્ષ્મદર્શકની રચના અને નિર્માણ કર્યું. આ સૂક્ષ્મદર્શકને આધારે આશરે 60 ચિત્રકૃતિઓ ચોકસાઈપૂર્વક તૈયાર કરી.

માઇક્રોગ્રાફ્રિયા(1665)માં ઝીણાં ચિત્રોનું વર્ણન કર્યું છે. તેમણે સૂક્ષ્મદર્શક યંત્રમાં બૂચના છેદનું નિરીક્ષણ કર્યું અને તેમાં દેખાતાં સૂક્ષ્મ ખાનાંઓ માટે ‘cell’ શબ્દ આપ્યો. તેમણે સૂક્ષ્મ અશ્મિઓનો માઇક્રો-સ્કોપિક અભ્યાસ કર્યો.  એ ઉત્ક્રાંતિના સિદ્ધાંતોના પ્રથમ દ્રષ્ટા હતા.

તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર ભૌતિકશાસ્ત્ર હોવા છતાં સૂક્ષ્મદર્શક યંત્ર અને તેના દ્વારા સૂક્ષ્મ જીવોનો અભ્યાસ તેમનું જીવશાસ્ત્રમાં અગત્યનું પ્રદાન છે.

1666ની ભયંકર આગને લીધે 80 % લંડન બળીને ભસ્મીભૂત થયેલું. આ શહેરની પુન:રચનાનો નકશો હૂકે તૈયાર કરેલો, જેમાં રસ્તા સીધા અને ગલીઓ કાટખૂણે રાખવામાં આવી હતી; પણ મકાન-માલિકોના વિરોધથી આ નકશાનો અમલ થઈ શક્યો નહીં. પરિણામે આજે પણ લંડનની ગલીઓ સાંકડી અને વાંકીચૂકી છે.

હૂક હોશિયાર ઉપકરણ-નિર્માતા હતા. તેમણે પ્રકાશવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરીને ખગોલીય વૃતપાદ અવલોકન કર્યાં. નૌસંચાલનમાં સર્વેક્ષણની કેટલીક યાંત્રિક પ્રયુક્તિઓ શોધી કાઢી. વિન્ડગેજ, ડાયલ-ટાઇપ-બૅરોમિટર, રેઇનગેજ અને ભેજમાન માપવાની પ્રયુક્તિઓમાં સુધારા કર્યા. રૉયલ સોસાયટીના ઉપક્રમે હવામાનની જાણકારી માટેની વ્યવસ્થા ઊભી કરી. હૂકને હવામાનના પૂર્વાનુમાનના પિતા તરીકે ગણવામાં આવે છે.

ન્યૂટનનું ‘પ્રિન્સિપિયા’ પ્રકાશિત થયું તેની પાંચ વર્ષ પહેલાં રૉયલ સોસાયટી સમક્ષ વૈશ્વિક ગુરુત્વાકર્ષણની પકડ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા. તેમાં તે જણાવે છે કે ખગોળીય પદાર્થો (પિંડો) ગોળાકાર છે અને તેમાંના કેટલાક તો તેમની પોતાની ધરી આસપાસ ભ્રમણ કરે છે. જો તેમનામાં આટલું ગુરુત્વબળ ન હોય, તો ઢીલા ઢીલા ભાગો ગોફણમાંથી ગોળો ફેંકાય તે રીતે ક્યાંય ફેંકાઈ ગયા હોત.

ન્યૂટને પોતાનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત દશ વર્ષ પહેલાં સૂત્રબદ્ધ કર્યો હતો, પણ પ્રકાશિત કર્યો ન હતો. જ્યારે ન્યૂટને ‘પ્રિન્સિપિયા’ લખ્યું ત્યારે હૂકે ભારે વ્યથા અનુભવી હતી અને તેમને લાગ્યું કે ન્યૂટને સૌજન્ય દાખવ્યા સિવાય પોતાના કામનો ઉપયોગ કર્યો હતો. આથી વિજ્ઞાન જગતના આ બે મહારથીઓ વચ્ચે ભારે કડવાશ અને વાદવિવાદ સર્જાયાં હતાં. ‘ut tensio, sic vis’ મતલબ કે ‘તાણ (તનાવ) એ બળને પ્રમાણસર હોય છે’ એ સ્થિતિસ્થાપકતા માટે હૂકના નિયમનું લૅટિન કથન છે.

આ સિદ્ધાંતનો ઉપયોગ હૂકે સ્પ્રિંગ-તુલામાં કર્યો. સ્પ્રિંગના વિશ્લેષણથી ઘડિયાળની શોધ શક્ય બની. જો કે તે સમયે સાદા લોલકવાળી ઘડિયાળ ચલણમાં હતી, પણ તેની કેટલીક મર્યાદા હતી. હૂકે લોલકને બદલે સંતુલન-ચક્ર અને હેરસ્પ્રિંગનો ઉપયોગ કરીને ઘડિયાળની રચના કરી. ફરીથી એક વાર વધુ, હૂકને હતાશ થવાનો વારો આવ્યો. ફ્રાંસમાં ક્રિશ્ચિયન હ્યુજીને આવું જ કામ કરીને 1675માં તેની પેટન્ટ મેળવી લીધી હતી અને તે જ ચાલી. શોધ કર્યા પછી હૂકે જે બેદરકારી દાખવી તેનો તેમને પાછળથી ભારે અફસોસ થયો.

હૂકે રૉયલ સોસાયટીના મંત્રી તરીકે કામગીરી બજાવી હતી. 1682માં નોકરી છોડી દેવા છતાં વિજ્ઞાનના સંશોધન-લેખો પ્રગટ કરવાનું કામ ચાલુ રાખ્યું હતું.

હૂક જિંદગીભર અપરિણીત રહ્યા. તે પોતાની ભત્રીજી સાથે રહેતા હતા. 1687માં ભત્રીજીનું અવસાન થતાં ભારે આઘાત સાથે હૂક ભાંગી પડ્યા હતા. 1703માં તેમના મૃત્યુ બાદ તેમની નોંધો પ્રગટ કરવામાં આવી. આ નોંધો 4 લાખ શબ્દોવાળી હતી. તેમના રસ-વૈવિધ્ય અને તેની માત્રાનું આ નોંધો બયાન રજૂ કરે છે.

જગપ્રસિદ્ધિ અને સફળતા તેમને માટે વરાયેલાં હતાં. સ્ટેથોસ્કોપની શોધની આગાહી તેમણે કરી હતી. તે પછી 150 વર્ષે તે કામ આપતું થયું.

બીજા ઘણા વિજ્ઞાનીઓની જેમ તેમને સમાજ-કલ્યાણમાં સારો એવો રસ હતો. માણસની પરિસ્થિતિ કેવી રીતે સુધારી શકાય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસ કર્યો. ખાણિયા અને ખેડૂતોની સમસ્યાઓનો વ્યાવહારિક ઉકેલ તેમણે આપ્યો હતો.

રૉબર્ટ હૂક એક અદભુત પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતા. ન્યૂટન અને હ્યુજીનની શોધોને તોલે આવે તેવી તેમણે શોધો કરી છે, પણ અત્યારે તો તે સ્થિતિસ્થાપકતાના નિયમના જન્મદાતા તરીકે જ ઓળખાય છે.

આશા પ્ર. પટેલ

રા. ય. ગુપ્તે