હુસેર્લ, એડમન્ડ (જ. 8 એપ્રિલ 1859, પ્રૉસનિત્ઝ, મૉરેવિયા; અ. 27 એપ્રિલ 1938, ફ્રાઇબર્ગ, જર્મની) : વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપમાં પ્રતિભાસનિરૂપક વિચારણા(phenomenology પ્રતિભાસવિચાર)ના સ્થાપક જર્મન યહૂદી ચિન્તક હુસેર્લે બર્લિન, વિયેના અને હાલે(Halle)માં ગણિત અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. હુસેર્લે 1887થી 1901 સુધી હાલે યુનિવર્સિટીમાં 1901થી 1916 સુધી ગૉટિન્ગન યુનિવર્સિટીમાં અને 1916થી 1928 સુધી ફ્રાઇબર્ગ યુનિવર્સિટીમાં અધ્યાપન-સંશોધન કર્યું હતું. તેમના મુખ્ય ગ્રંથોમાં ‘ફિલૉસૉફી ઑવ્ ઍરિથમૅટિક’ (1891, જર્મનમાં), ‘લૉજિકલ ઇન્વેસ્ટિગેશન્સ’ (1901–09) અને ‘આઇડિયાઝ’(1913 – પ્રથમ ભાગ)નો સમાવેશ થાય છે.
એડમન્ડ હુસેર્લ
ફિનૉમિનૉલૉજી એટલે શું ? હુસેર્લ પ્રમાણે ફિનૉમિનૉલૉજી (પ્રતિભાસવિચાર) એટલે મનુષ્યની સભાનતા સમક્ષ વસ્તુઓ કેવી રીતે ભાસે છે (appears) તેનો અભ્યાસ. અનુભવની બાબતોનો, અનુભવાતી બાબતો તરીકેનો અભ્યાસ એટલે પ્રતિભાસવિચાર. તેમાં વસ્તુઓનો નહિ, પણ વસ્તુઓનો પ્રતિભાસરૂપ બાબતો (appearances) તરીકેનો અભ્યાસ થાય છે. ‘પ્રતિભાસ’નો અર્થ અહીં ‘માયાવી’ કે ‘મિથ્યા’ એવો થતો નથી. પ્રતિભાસ વાસ્તવિક વૃક્ષનો પણ હોય અને દોરડામાં સાપનો પ્રતિભાસ પણ હોઈ શકે છે.
જે જ્ઞાતાના પોતાના અનુભવમાં પ્રસ્તુત થાય છે, ઉપસ્થિત થાય છે, પ્રકાશિત થાય છે. જે અવ્યવહિત રીતે (immdiately) જ્ઞાતા વ્યક્તિના પોતાના અનુભવ તરીકે (first-person experience) પ્રવર્તે છે તેનો અભ્યાસ એટલે હુસેર્લ મુજબ phenomenology. પ્રતિભાસવિચારમાં જ્ઞાતા વ્યક્તિ સમક્ષ જે અવ્યવહિત રીતે ઉપસ્થિત થાય છે તેની મૂળભૂત સંરચનાઓનો અભ્યાસ થાય છે. આ અભ્યાસ વર્ણનાત્મક અભ્યાસ હોય છે. તેમાં ચેતનાની શુદ્ધ સામગ્રી (pure data of consciousness) ઉપર જ ધ્યાન આપવામાં આવે છે.
ચેતનાનાં કાર્યો દ્વારા ચેતનાની સામગ્રી પ્રસ્તુત થાય છે; દા. ત., પ્રત્યક્ષાનુભવમાં ઇન્દ્રિયગમ્ય સામગ્રી સીધી રીતે પ્રસ્તુત થાય છે, વિચાર કે કલ્પનામાં મનોગત સામગ્રી પ્રસ્તુત થાય છે. સભાનતાનાં કાર્યો (acts) અને તેનાં કાર્યો દ્વારા પ્રસ્તુત થતી સામગ્રી (content; વિષયસંભાર) – એ બંનેનાં સ્વરૂપનો વિચાર એટલે ‘ફિનૉમિનૉલૉજી’. તેમાં અનુભવનાં સત્વો(essences)નો અને અર્થો(meanings)નો વિચાર થાય છે. અવલોકનાશ્રિત મનોવિજ્ઞાનમાં ચેતનાનો અભ્યાસ થાય છે, પણ હુસેર્લની પ્રતિભાસવિચારણાની પદ્ધતિ અવલોકનાશ્રિત મનોવિજ્ઞાનની પદ્ધતિ નથી; તે પ્રાગનુભવાત્મક (a-priori) અને શુદ્ધ મનન-ચિંતન(reflection)ની પદ્ધતિ છે.
તેવા ચિન્તનથી શુદ્ધ અહમ્ સુધી પહોંચી શકાય.
તર્કશાસ્ત્રના નિયમોની સમજૂતી મનોવૈજ્ઞાનિક નિયમોને આધારે આપી શકાય તેવો મત એટલે મનોવિજ્ઞાનવાદ (psychologism). ફ્રેગે અને હુસેર્લે મનોવિજ્ઞાનવાદનો વિરોધ કર્યો છે. તર્કશાસ્ત્રના નિયમો સર્વદેશી (universal), પ્રાગાનુભવિક (a-priori) અને અનિવાર્ય રીતે સત્ય (necessarily true) હોય છે. મનોવિજ્ઞાનના નિયમો તો મનોવ્યાપારોને લગતાં અવલોકનાશ્રિત વિધાનો ઉપરથી તારવેલા હોવાથી તે તે અર્થમાં સર્વદેશી અને અનિવાર્ય હોતા નથી. વ્યાપ્તિલક્ષી (inductive) સામાન્યીકરણો રૂપે મનોવિજ્ઞાનના નિયમોને સમજી શકાય છે. તર્કશાસ્ત્ર એ મનોવ્યાપારોનો હકીકતલક્ષી અભ્યાસ નથી, તેથી તર્કશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એ સ્વતંત્ર વિદ્યાશાખાઓ છે. ‘બે વિરોધી વિધાનો એક સાથે સત્ય તરીકે ન સ્વીકારી શકાય’ એ તાર્કિક સત્ય છે; વિચારો કરવાની કોઈની માનસિક અશક્તિ વિશેનું તે મનોવૈજ્ઞાનિક વિધાન નથી; અનુમાનના પ્રામાણ્ય(validity)ને લગતા તાર્કિક નિયમો મનોવિજ્ઞાનથી સ્વતંત્ર અને સ્વાયત્ત છે અને મનોવિજ્ઞાનની કોઈ પદ્ધતિથી તે શોધાયા હોતા નથી. હુસેર્લ મનોવિજ્ઞાનવાદ અને તેથી પ્રાકૃતિકતાવાદ-(naturalism)નો ગણિત, તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનના ક્ષેત્રે અસ્વીકાર કરે છે.
મનોવિજ્ઞાનવાદ અને પ્રાકૃતિકતાવાદનો અસ્વીકાર કરવા છતાં હુસેર્લ માને છે કે તત્વજ્ઞાન એક શુદ્ધ વિજ્ઞાન બની શકે છે; પરંતુ તેવું વિજ્ઞાન ચેતનાના શુદ્ધ સ્વરૂપનું જ હોઈ શકે.
હુસેર્લના મતે તત્વજ્ઞાન દ્વારા નિરપેક્ષ રીતે નિશ્ચિત જ્ઞાન સ્થપાવું જોઈએ અને આવું જ્ઞાન પ્રતિભાસવિચારાત્મક (phenomeno-logical) પદ્ધતિથી જ પ્રાપ્ત થઈ શકે છે. જે અનુભવો જ્ઞાતાની ચેતનામાં થાય છે તે અનુભવોની સામગ્રીનો વર્ણનાત્મક અભ્યાસ એટલે ‘ફિનૉમિનૉલૉજી’ [Phenomenology એટલે અનુભવગત વિષયો(experienced objects)નો અભ્યાસ].
હુસેર્લના પુરોગામી બ્રેન્ટાનોની મુખ્ય રજૂઆત એ હતી કે તમામ સભાનતા કે ચેતના કોઈ ને કોઈ વિષયને લક્ષ્ય બનાવે છે; તે કોઈ ને કોઈ વિષય સાથે સંલગ્ન હોય છે. તમામ ચેતના કશાકને વિશેની ચેતના છે. ચેતનાની મૂળભૂત સવિષયકતા(intentionality)નો સિદ્ધાંત હુસેર્લે સ્વીકાર્યો છે. બ્રેન્ટાનોને મતે માનસિક અને માત્ર માનસિક ક્રિયાઓ જ સવિષયક હોય છે. કોઈ પણ ભૌતિક ક્રિયા સવિષયક (intentional) હોતી નથી; દા. ત., ખુરશી ખુરશી જ છે. તે ટેબલ વિશેની હોતી નથી; જ્યારે ખુરશી અંગેની સભાનતા સવિષયક છે; કારણ કે ખુરશી એ તેનો અનુભવગમ્ય વિષય છે. ખુરશીને લાત મારવા માટે ખુરશી વાસ્તવિક રીતે અસ્તિત્વમાં હોવી જોઈએ. તેનો વિચાર કરવા માટે ખુરશી મારી સમક્ષ હાજર હોવી જોઈએ તેવું જરૂરી નથી.
ચેતના કશાકને વિશેની જ હોય છે તેવા ચેતનાના ‘aboutness’ના લક્ષણને સ્વીકારીને કહી શકાય કે તમે વિચારો ત્યારે તમે કશાકને વિશે વિચારો છો, તમે યાદ કરો ત્યારે તમે કોઈક બાબતને યાદ કરો છો અને તમે કલ્પના કરો કે તિરસ્કાર કરો કે પ્રેમ કરો ત્યારે તે દરેકના કોઈક ને કોઈક વિષય તો જરૂર હોય છે. તેથી ‘હું વિચારું છું, પણ હું કશાને વિશે વિચારતો નથી’, તેવું કોઈ કહે તો એ આપણને વિચિત્ર લાગે છે. અલબત્ત, સભાનતાનો વિષય તમારી ચેતનાની બહાર અસ્તિત્વ ન પણ ધરાવતો હોય; જેમ કે ભૂત વિશે તમે વિચારો કે રાક્ષસ વિશે વિચારો કે તમે સુવર્ણ-પર્વત વિશે વિચારો ત્યારે તમારી સભાનતાના આંતરિક વિષયો તરીકે, પ્રતિભાસો (appearances) તરીકે, તે તે વિષયો જરૂર તમારી ચેતનાની અંદરની સામગ્રી (content) તરીકે પ્રવર્તે છે; ભલે તેનું મનોબાહ્ય વાસ્તવિક અસ્તિત્વ ન હોય. તમારી સભાનતા સમક્ષ કોઈ વિષય કઈ રીતે ભાસે છે તે જ ફિનૉમિનૉલૉજીનો મુખ્ય વિષય છે. પ્રત્યક્ષીકરણ, કલ્પના, સ્મૃતિ વગેરે સભાનતાયુક્ત કાર્યો (acts) છે અને તેની અંદર તે કાર્યોની સામગ્રી (content) કે અર્થ છે, જેના વડે તેવી સભાનતા તેના વિષયને લક્ષ્ય બનાવે છે (intends). ફિનૉમિનૉલૉજી અનુભવાત્મક કાર્યો અને તેના વિષયોનો સત્વલક્ષી અભ્યાસ કરે છે અને તેના અભ્યાસમાં ચેતના સંલગ્ન પ્રતિભાસોના જુદા જુદા profiles(પરિપ્રેક્ષ્યો)ને અનુભવે છે. વસ્તુ તેના સમગ્ર રૂપે પ્રત્યક્ષાનુભવમાં એક જ પ્રતિભાસમાં ઉપસ્થિત થતી નથી.
હુસેર્લ મુજબ કોઈ પણ પૂર્વધારણા વગરનું ચેતનાની સામગ્રીનું શુદ્ધ વર્ણન એટલે પ્રતિભાસ નિરૂપણ (phenomenology). ચેતના હમેશાં સવિષયક હોવાથી તે કોઈ ને કોઈ વિષયનો નિર્દેશ કરનારી વિષયસંબદ્ધ સભાનતા તરીકે જ પ્રવર્તે છે. ચેતનાનાં વિવિધ પ્રકારનાં વિષયલક્ષી (intentional) કાર્યો અને તે તે કાર્યોના વિષયરૂપ બનેલી મનોગત વિગતો(intentional objects)નો વિચાર એટલે phenomenology. આવો અભ્યાસ પ્રાકૃતિક વિજ્ઞાનો કે મનોવિજ્ઞાનના અભ્યાસ કરતાં જુદો છે; કારણ કે પ્રાકૃતિક વિજ્ઞાનોની અવલોકનાશ્રિત પદ્ધતિઓનો કે મનોવિજ્ઞાનની અન્તર્નિરીક્ષણ પદ્ધતિનો તેમાં ઉપયોગ થતો નથી. પ્રતિભાસ વર્ણન અને પ્રાકૃતિક વિજ્ઞાનો વચ્ચે માત્ર પદ્ધતિનો જ ભેદ નથી. પ્રાકૃતિક વિજ્ઞાનના અને મનોવિજ્ઞાનનાં તારણો અવલોકનાશ્રિત (empirical) છે, તેથી તેમાં નિરપેક્ષ નિશ્ચિતતા હોતી નથી. ગણિતના અને તર્કશાસ્ત્રનાં વિધાનો અવલોકનાશ્રિત વિધાનોથી જુદાં પડે છે અને તત્વજ્ઞાન પણ અનુભવનિરપેક્ષ (a-priori – પ્રાગનુભવાત્મક) વિધાનો સ્થાપે છે. પ્રતિભાસાત્મક અભિગમ વર્ણનાત્મક અને સત્વસ્થાપક અભિગમ છે. તે સ્પષ્ટીકરણાત્મક અને અવલોકનાશ્રિત અભિગમ નથી.
અનુભવગત વિષયોની, અનુભવગત વિષયો તરીકેની સભાનતા કેળવવા માટે હુસેર્લ વિગલન(reduction – ન્યૂનીકરણ)ની પ્રવિધિ રજૂ કરે છે. પ્રતિભાસલક્ષી વિગલનની પ્રવિધિ પ્રમાણે તમારે કેવળ અનુભવાતી બાબતો ઉપર જ ધ્યાન આપવાનું છે. ચેતનાથી તેનાં કારણો રૂપે બાહ્ય જગતની વસ્તુઓ ચેતનાથી સ્વતંત્ર પદાર્થો હોય છે તેવું આપણે પ્રાકૃતિક દૃષ્ટિબિંદુથી માનતા હોઈએ છીએ, પણ કેવળ અનુભવાતી બાબતોનું જ સ્વરૂપ સમજવા માટે જગતના બાહ્ય પદાર્થોના વાસ્તવિક અસ્તિત્વની ધારણાને પહેલાં મોકૂફ રાખવી પડે તેવું હુસેર્લ માને છે. આ જાતની વાસ્તવિક ધારણાની મોકૂફીને (ગ્રીક શબ્દ ‘epoche’) લીધે ચેતનાના જ વિષયો તરીકે પ્રકાશિત થતા પ્રતિભાસો(phenomena)નો અભ્યાસ થઈ શકે છે. આમ પ્રાકૃતિક/વાસ્તવિક દૃષ્ટિબિંદુને મોકૂફ રાખીને, બાહ્ય પદાર્થના અસ્તિત્વને કે તેના અનુસંધાનમાં પ્રવર્તતા કાર્યકારણ સંબંધોને બાજુએ મૂકી(bracketing)ને અનુભવગત બાબતોનો અભ્યાસ થઈ શકે છે. આ પ્રવિધિને (procedure) હુસેર્લ પ્રતિભાસનિષ્ઠ વિગલન (phenomenological reduction) કહે છે.
અનુભવાતી બાબતોને તેના વાસ્તવિક સંદર્ભોથી છૂટી કરીને તેનો શુદ્ધ પ્રતિભાસરૂપમાં અભ્યાસ કરવો એટલે પ્રતિભાસાત્મક વિગલન; પરંતુ આવું વિગલન કર્યા પછી તે જ અનુભવગમ્ય વિશેષ બાબતોની પ્રતિભાસો તરીકેની વિશેષતાઓને બાજુએ મૂકીને તેમના કેવળ સત્વ(essence)નો, તેના હાર્દનો અને કેવળ તેમના સામાન્ય સ્વરૂપનો જ અભ્યાસ કરવો એ બીજા તબક્કાનું વિગલન છે. તેને હુસેર્લ ‘સત્વગામી વિગલન’ (eidetic reduction) કહે છે. (ગ્રીક ભાષામાં ‘eidos’ એટલે સત્વ ‘essence’.)
ટૂંકમાં, હુસેર્લ મુજબ પ્રતિભાસવિચાર એટલે અનુભવાતા વિષયોનો ચેતના સમક્ષ ભાસતા શુદ્ધ વિષયો તરીકેનો વર્ણનાત્મક અને સત્વવિષયક અભ્યાસ. અહીં વાસ્તવિક જગતનો નિષેધ કરવાનો પ્રશ્ન નથી, પણ તેની ધારણાને બાજુએ મૂકીને ચેતના સમક્ષ જે માત્ર પ્રતિભાસ રૂપે જ ઉપસ્થિત થાય છે તેના સ્વરૂપનો જ વિચાર અને તેની સાથે સંકળાયેલાં ચેતનાનાં કાર્યો(acts)નો જ વિચાર થઈ શકે છે તેવું હુસેર્લે દર્શાવ્યું છે. આ પ્રતિભાસવિચાર અનુભવનિરપેક્ષ કે પ્રાગનુભવાત્મક (a-priori) છે. પ્રતિભાસોનાં સત્વોનો અવ્યવહિત (immediate) માનસપ્રત્યક્ષ (intuition) થાય છે. તે સામાન્ય અવલોકનોનો કે નિરીક્ષણોનો વિષય નથી. જુદી જુદી વિશેષ અનુભવગમ્ય સામગ્રીનું સત્વ નિશ્ચિત થાય તેમ આ કે તે વિશેષ જ્ઞાતા વ્યક્તિને બાજુએ મૂકીને શુદ્ધ અહમનો પણ વિચાર થઈ શકે. હુસેર્લે શુદ્ધ અહમનો વિચાર રજૂ કર્યો અને જગતને તે અહમ્ના ઘડતરરૂપ કાર્યો ઉપર આધારિત ગણ્યું. હાઇડેગરે અને સાર્ગે શુદ્ધ અહમનો વિચાર સ્વીકાર્યો નથી.
પ્રકૃતિવાદ, મનોવિજ્ઞાનવાદ અને અતિવિજ્ઞાનવાદ(scientism)-નો અસ્વીકાર કરનારા હુસેર્લની ફિનૉમિનૉલૉજીનું મુખ્ય લક્ષ્ય જગતની વસ્તુઓ નહિ, પણ તે કયા રૂપે અનુભવમાં પ્રસ્તુત થાય છે તે જાણવાનું રહ્યું છે. પ્રશ્ન અહીં એ જ રહે છે કે પ્રતિભાસનિરૂપક પદ્ધતિના હિતમાં જગતની બાહ્ય વસ્તુઓ વિશેનું પ્રાકૃતિક દૃષ્ટિબિંદુ મોકૂફ રાખીને વિચારવું એ એક વાત છે અને ચેતનાથી તદ્દન સ્વતંત્ર રીતે બાહ્ય પદાર્થનું અસ્તિત્વ જ નથી તેવું માનવું તે જુદી જ બાબત છે. તેમની પાછળના ચિન્તનમાં હુસેર્લ વિશુદ્ધ અહમ્ (transcendental ego) દ્વારા ચેતનાના વિષયોના ઘડતરની વિચારણા કરે છે અને અંતે તેઓ જગત હંમેશાં કોઈ કોઈ સાક્ષીના માટે જ અને તેના સંદર્ભમાં જ અસ્તિત્વમાં છે તેવો idealism-નો, વિજ્ઞાનવાદનો મત રજૂ કરે છે. બાહ્ય વસ્તુની ચેતનાથી સ્વતંત્ર અસ્તિત્વનો ઇનકાર કરનાર બાહ્યાર્થનિષેધવાદી અભિગમનો જર્મનીમાં હાઇડેગરે અને ફ્રાન્સમાં સાર્ત્ર અને મારલૉ પૉન્તીએ અસ્વીકાર કર્યો અને હાઇડેગરે અર્થઘટનાત્મક અને સાર્ત્રે અસ્તિત્વવાદી પ્રતિભાસનિરૂપણ-પદ્ધતિ વિકસાવી છે.
મધુસૂદન બક્ષી