હુર્રીયત કૉન્ફરન્સ (ઑલ પાર્ટી હુર્રીયત કૉન્ફરન્સ) : સ્થાપના : 9 માર્ચ, 1993. જમ્મુ-કાશ્મીર રાજ્યનાં કુલ 26 રાજકીય, સામાજિક અને ધાર્મિક સંગઠનોથી રચાયેલી સંસ્થા. ભારતની સ્વતંત્રતાના કાળથી જ જમ્મુ-કાશ્મીર રાજ્ય વિવાદાસ્પદ બન્યું. તેને ભારતના બંધારણમાં વિશેષ દરજ્જો આપવામાં આવ્યો. ભૌગોલિક રીતે તેના વિસ્તારનો મોટો ભાગ ભારત સાથે જોડાયેલો છે, તેની બહુમતી પ્રજા મુસ્લિમ છે. આઝાદી પૂર્વે તેના શાસકો હિંદુ હતા. આથી હિંદુ-મુસ્લિમ વિવાદ તથા તેનું રાજકીય જોડાણ સમગ્ર સમસ્યાનાં પ્રધાન પાસાં છે. આ બે કારણોથી અલગ કાશ્મીર રાજ્યની માગણી વિવિધ સ્વરૂપે ત્યાં વિકસી. આ કાશ્મીરી અલગતાવાદમાંથી હુર્રીયત કૉન્ફરન્સની રચનાને વ્યાપક સ્વરૂપ સાંપડ્યું છે.
ઉર્દૂમાં હુર્રીયત એટલે સ્વતંત્રતા. તેમાં અલગતાવાદી પક્ષો, નેતાઓ અને સંસ્થાઓ જોડાયેલાં છે. 1989માંના ‘તહેરીકી હુર્રીયત કૉન્ફરન્સ’ નામના સંગઠનમાંથી તેનું વર્તમાન સ્વરૂપ ઘડાયું છે. તે સમયે તેના વડા મીરવાયેઝ ક્યૂમ હતા. તેમાં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ, પીપલ્સ ડેમૉક્રૅટિક ફ્રન્ટ, મુસ્લિમ કૉન્ફરન્સ જેવાં સંગઠનો જોડાયાં, પણ એ જોડાણનો કોઈ પ્રભાવ કાશ્મીરના રાજકારણ પર પડ્યો નહિ. જમ્મુ-કાશ્મીર અવામી એક્શન કમિટીના અધ્યક્ષ મીરવાયેઝ મૌલવી ઉમર ફારુકે આ નવી કૉન્ફરન્સની ભૂમિકા ઘડી અને તેમાં અન્ય રાજકીય, સામાજિક તથા ધાર્મિક સંગઠનોને જોડ્યાં. પછી આ તબક્કે ઉપર્યુક્ત ત્રણ સંગઠનો ઉપરાંત જમાતે ઇસ્લામી, પીપલ્સ લીગ વગેરે કુલ 26 સંગઠનો જોડાયાં.
પ્રારંભે આ સંગઠન સશસ્ત્ર લડતનું હિમાયતી હતું; પરંતુ ભારતનાં સલામતી દળોને હાથે પછડાટ ખાધા પછી તેની સશસ્ત્રતા લગભગ આપોઆપ નાબૂદ થઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ(JKLF)ની ભારતીય સ્વાતંત્ર્ય પૂર્વેના સમયની વિચારધારા સમયાતીત જેવી બની ગઈ હોવાથી તેનું સ્થાન લેવા કોઈ નવા સંગઠનની જરૂર હોવાથી આ સંગઠન હુર્રીયત કૉન્ફરન્સ રચાયું અને વિકસ્યું. પાકિસ્તાન ભારત વિરુદ્ધના પરોક્ષ (પ્રૉક્સી) યુદ્ધને સતત ભડકાવતું રહ્યું હતું. આથી હુર્રીયત જેવાં અન્ય સંગઠનોને તેનામાં સમાવી લેતાં છત્રી જેવું સ્વરૂપ ધરાવતા જૂથને વ્યાપક માન્યતા સાંપડી.
હુર્રીયત કૉન્ફરન્સ જમ્મુ-કાશ્મીરને વિવાદાસ્પદ (disputed) વિસ્તાર ગણાવી તેના પરના ભારતીય સાર્વભૌમત્વને અન્યાયી માને છે. આ વિચારમાં પાકિસ્તાન તેનો સૂર ભેળવે છે અને જમ્મુ-કાશ્મીરને અધૂરો રહેલો (unfinished) એજન્ડા ગણાવી દરમિયાનગીરી ચાહે છે. હુર્રીયતના મતે આ પ્રશ્નનો ઉકેલ જમ્મુ-કાશ્મીરની પ્રજાની અપેક્ષા મુજબ આવવો જોઈએ. અલબત્ત, અહીં પ્રાણપ્રશ્ન એ છે કે પ્રજાની અપેક્ષાને કેવી રીતે ઓળખવી યા સ્પષ્ટ કરવી. વળી પ્રજાની અપેક્ષાને નામે હુર્રીયત તેની ઇચ્છા જમ્મુ-કાશ્મીરની પ્રજા પર લાદે છે કે કેમ તે પણ સ્પષ્ટ થવું જોઈએ.
હુર્રીયત કૉન્ફરન્સ તેને પ્રજાની એકમાત્ર પ્રતિનિધિ સંસ્થા હોવાની રજૂઆત અને દાવો કરે છે. પાકિસ્તાન તેના આવા દાવાને ખુલ્લંખુલ્લા ટેકો આપી તેને બહેકાવે છે. આ જૂથ ભારતનાં સશસ્ત્ર દળો વિરુદ્ધ લોકમતનું ઘડતર કરવા ઉત્સુક છે. આ અંગે સાચા-ખોટા આરોપો અને પુરાવાઓ એકત્ર કરી તે ભારતીય દળો વિરુદ્ધ રજૂઆત કરે છે. તે ભારતીય બંધારણને માન્ય રાખતું નથી. જમ્મુ-કાશ્મીર રાજ્યમાં યોજાતી ચૂંટણીઓથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેનો આક્ષેપ છે કે ભારત કાશ્મીર સમસ્યાનો ઉકેલ શોધવા તત્પર નથી. આ પ્રકારના આક્ષેપો દ્વારા તેનો એક મુખ્ય ઉદ્દેશ સ્વનિર્ણયનો અધિકાર પ્રાપ્ત કરવાનો છે. આથી તે જમ્મુ-કાશ્મીરની બહુમતી પ્રજાના ઇસ્લામિક મૂલ્યોને પ્રોત્સાહન પૂરું પાડે છે.
જોકે હુર્રીયતમાં બે જૂથો છે. એક મીરવાયેઝ ઉમર ફારુકનું જૂથ, જે જમ્મુ-કાશ્મીર રાજ્યના સ્વાતંત્ર્યની તરફેણ કરે છે. બીજું જૂથ તહેરીક-એ-હુર્રીયત છે, જે કાશ્મીરનાં પાકતરફી વલણોને સમર્થન આપે છે. આ જૂથના નેતા સૈયદ અલી શાહ ગિલાની છે. મીરવાયેઝ ઉમર ફારુક જૂથે ભારત સરકાર સાથે ત્રણ વાર બેઠકો યોજી આ દિશામાં કામ શરૂ કર્યું; પરંતુ કોઈ નક્કર પરિણામ પર પહોંચી શકાયું નથી.
મે 2006માં શ્રીનગર ખાતે ગોળમેજી પરિષદ યોજાયેલી, તેમાં ભારતના વડાપ્રધાન હાજર રહેલા, પણ હુર્રીયતે આ મંત્રણાનો બહિષ્કાર કર્યો અને નવી દિલ્હી સાથે વાર્તાલાપ કરવાની તક ગુમાવી. કાશ્મીરનાં અન્ય જૂથો માને છે કે હુર્રીયત સંગઠન મંત્રણાઓ વેળા આવશ્યક રજૂઆત કરતું નથી.
હુર્રીયત એક સહકારી સંગઠન છે. તેની કારોબારી સમિતિ સાત સભ્યોની હોય છે અને તે નિર્ણયો લેનાર સર્વોચ્ચ ઘટક છે. વિવિધ ઘટક એકમોમાંથી સાત સભ્યો કારોબારીમાં લેવાય છે. કારોબારીમાં ચાર સભ્યોની કાર્યસાધક સંખ્યા (કૉરમ) હોય છે. સાત સભ્યોમાંથી એક સભ્ય અધ્યક્ષ બને છે, અધ્યક્ષનો કાર્યકાળ બે વર્ષનો હોય છે. તેની કારોબારી સમિતિ નાણાકીય સમિતિ તરીકે પણ કામ કરે છે. મીરવાયેઝ ઉમર ફારુક 2008–2009માં તેના અધ્યક્ષ છે. જરૂર જણાય ત્યારે વખતોવખત ‘અધિકૃત પ્રવક્તા’ નીમીને તેના દ્વારા હુર્રીયત તેનું દૃષ્ટિબિંદુ રજૂ કરે છે.
2008–09નાં વર્ષો દરમિયાન હુર્રીયતનો સામૂહિક સંગઠનને બદલે એકમાત્ર પક્ષ (સિંગલ પાર્ટી) બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એથી હુર્રીયતની નવરચના થશે અને તે મજબૂત બનશે એમ તેના નેતા મીરવાયેઝ ઉમર ફારુક માને છે. એકમાત્ર પક્ષ બનીને હુર્રીયત પાંચ પ્રદેશો જમ્મુ, લડાખ, કાશ્મીર, આઝાદ કાશ્મીર અને ઉત્તરીય ક્ષેત્રો(નૉર્ધર્ન એરીયાઝ)માં છેક તળ કક્ષાએ જઈ મજબૂત બનવા તાકે છે.
રક્ષા મ. વ્યાસ