હુઆ-કુઓ ફેંગ (જ. 16 ફેબ્રુઆરી 1918, શાન્સી પ્રાંત, ચીન; અ. 20 ઑગસ્ટ 2008) : ચીનના સામ્યવાદી પક્ષના અધ્યક્ષ. 1949માં ચીનનું ગૃહયુદ્ધ પૂરું થયું ત્યારે તેઓ શાન્સી પ્રાંતના સામ્યવાદી પક્ષના સ્થાનિક મંત્રી હતા. 1955માં તેઓ હુનાન પ્રાંતના સામ્યવાદી પક્ષના મંત્રી બન્યા. 1958-66 દરમિયાન તેઓ હુનાન પ્રાંતના રાજ્યપાલ બન્યા.

હુઆ-કુઓ ફેંગ

 1966-69ના ચીનની સાંસ્કૃતિક ક્રાંતિના ગાળામાં તેઓ હુનાન પ્રાંતના પક્ષીય અધિકારી રહ્યા હતા ત્યારે ઘણા ચીની નેતાઓની પક્ષમાંથી સાફસૂફી-હકાલપટ્ટી કરવામાં આવી હતી. 1970માં તેમણે પક્ષમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું ત્યારે ચીન-અમેરિકા વચ્ચે રાજકીય સંબંધો શરૂ થયા હતા. હુનાન પ્રાંત માઓના વતનનો પ્રાંત હતો ત્યાં તેઓ માઓના મજબૂત ટેકેદાર તરીકે વર્તતા હોવાથી 1972માં હુનાન પ્રાંતના સર્વોચ્ચ વડા બન્યા. ઑગસ્ટ, 1973માં તેઓ પક્ષના પૉલિટ બ્યૂરોના સભ્ય બન્યા. સરકારની સર્વોચ્ચ વહીવટી શાખા ગણાતી રાજ્યકક્ષાની કાઉન્સિલના તેઓ 1975માં પ્રિમિયર અને જાહેર સલામતી મંત્રાલયના મંત્રી રહ્યા. વર્ષો સુધી તેઓ ચીનના સૌથી શક્તિશાળી નેતા હતા, પણ તે પછીનાં વર્ષોમાં તેમણે મોટા ભાગની સત્તાઓ અને નેતૃત્વ બંને ગુમાવ્યાં.

સપ્ટેમ્બર, 1980માં પ્રિમિયરના અને જૂન, 1981માં ચીનના સામ્યવાદી પક્ષના હોદ્દાઓ પરથી તેમણે રાજીનામાં આપ્યાં. 1982માં તેમને પક્ષના પૉલિટ બ્યૂરોમાંથી પડતા મુકાયા. તેઓ પક્ષના વૈચારિક લચીલાપણું ધરાવતા વ્યાવહારિક નેતા હતા; પરંતુ ક્રમશ: તેમની અસરકારકતા ઘટી ગઈ અને તેમને સ્થાને ડેંગ ઝિયાઓપિંગ સૌથી શક્તિશાળી નેતા તરીકે ઊભર્યા.

રક્ષા મ. વ્યાસ