હુઆંગ હો (Huang Ho) : ચીનની યાંગત્ઝે નદીથી બીજા ક્રમે આવતી લાંબી નદી. ભૌગોલિક સ્થાન : 36° 00´ ઉ. અ. અને 123° 00´ પૂ. રે.. તે પુષ્કળ પ્રમાણમાં પીળા રંગની સુંવાળી માટી ખેંચી લાવતી હોવાથી તેને હુઆંગ હો (પીળી નદી) કહે છે. વળી તે તેના કાંઠાના વિસ્તારોમાં પૂરથી તારાજી કરી મૂકતી હોવાથી તેને ‘ચીનની દિલગીરી’ પણ કહે છે. તેની લંબાઈ 4,845 કિમી. અને સ્રાવ-વિસ્તાર આશરે 10,36,000 ચોકિમી. જેટલો છે.

લાંઝોઉ ખાતેની પીળી નદી

આ નદી ક્વિન્ઘાઈ પ્રાંતથી નીકળી, પૂર્વ તરફ વહીને પીળા સમુદ્રમાં ઠલવાય છે. નદીજળ સાથે ખેંચાઈ આવતી માટી તળ પર જમા થતી જાય છે, તેથી તળ ઊંચું આવે છે અને પ્રવહન-પથ બદલાઈ જાય છે. ઉપરવાસમાં તેનાં પાણી ઝડપી વેગથી વહે છે. મધ્ય અને છેડાના હેઠવાસનાં તળ માટીની પૂરણીથી છીછરાં બની જાય છે, તેથી તેમાં હોડીઓ ફરી શકતી નથી.

1887માં આ નદીમાં ઘોડાપૂર આવેલું. તેથી આજુબાજુનો આશરે 1.3 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર પૂરનાં પાણીથી છવાઈ ગયેલો. દસ લાખ લોકો મૃત્યુ પામેલાં. છેલ્લાં સેંકડો વર્ષોમાં પૂરનિયંત્રણ માટે અવરોધો કર્યા છતાં પૂરેપૂરું પૂરનિયંત્રણ સાધી શકાયું નથી. આ કારણે કાંપની જમાવટ વધુ થતી જાય છે. જળવિદ્યુતમથકો પણ સ્થાપવામાં આવ્યાં છે.

ગિરીશભાઈ પંડ્યા