હીંચ-હમચી : તિસ્ર જાતિના તાલ અને તેમાં થતાં લોકનૃત્યનો પ્રકાર. હીંચ ત્રણ-ત્રણ માત્રાના બે ખંડ ધરાવતો કુલ છ માત્રાઓના એકમનો તાલ છે. એની માત્રા તથા તબલા કે ઢોલ પરના બોલ આ પ્રમાણે હોય છે :

+ 0
1 2 3 4 5 6
ધા નાગી ના તી નાક તા

આ તાલની સાથે ‘ઢોલીડા ઢોલ વગાડ, મારે હીંચ લેવી છે’ જેવાં ગીતો સાથે લોકનૃત્ય થાય છે. આ નૃત્ય સ્ત્રીના વૃંદ દ્વારા થાય છે. એ મંડલાકાર તેમજ પંક્તિમાં, એમ બંને રીતે લેવાય છે. કેડથી વળીને શરીરનો આગલો ભાગ ભૂમિ તરફ રાખી, બે હાથે તાળી પાડી, કોઈ એક સ્થળે કૂદતા રહી કે મંડલાકારે ફરતા રહી હીંચ લેવાય છે. વૃંદને બદલે કોઈ એક વ્યક્તિ પણ ઢોલ અને તાલીના નાદ-લયમાં હીંચ લઈ શકે છે. જાગરણ કે એવાં કોઈ અન્ય નિમિત્તે મનોરંજન માટે હીંચ લેવાય છે. મેળા જેવા ઉત્સવ-પર્વમાં પણ હીંચ લેવાય છે. હીંચ જ્યારે પરાકાષ્ઠા પર પહોંચે છે ત્યારે એનો લય દ્વિગુણિત બને છે.

 માત્રાનો અર્વ, હીંચ વાગે છે. એના બોલ

+    
1 2 3
ધીં તાકે ધા

‘હમચી’ પણ તિસ્ર જાતિનું ધર્મસંલગ્ન એવું સ્ત્રીઓ દ્વારા લેવામાં આવતું લોકનૃત્ય છે. આ નૃત્યમાં પણ શરીરને આગળથી ભૂમિ બાજુ વાળી, હાથને ઝૂલતા રાખી, તાળી અપાય છે. અહીં બંને પગ એકદમ નજીક અને કૂદકામાં સાથે સાથે જ ઊપડે છે. આથી ‘હીંચ લેવી’ અને ‘હમચી ખૂંદવી’ એવા, બંને માટે અલગ ક્રિયાસૂચક શબ્દો વપરાય છે. રાંદલ માતાનો ઘોડો ખૂંદાય છે. તેને મળતો આ લોકનૃત્યપ્રકાર છે. રાંદલ સૂર્યપત્ની મનાય છે અને ‘ઘોડો’ સૂર્યનો રથ ખેંચે છે, તેથી રાંદલમા અશ્વની ચાલનું અનુકરણ કરતું ધર્મવિધિસંલગ્ન એવું લોકનૃત્ય ઊતરી આવ્યું અને અન્ય માતૃસ્તવન તથા મનોરંજનમાં તેના પેટાપ્રકાર જેવું ‘હમચી’ નૃત્ય ઊતરી આવ્યું.

‘હીંચ’ કે ‘હમચી’ જેવાં લોકનૃત્યોમાં જે વિવિધ રચનાઓ ગવાતી હોય છે, તેમાં કોઈ એક ગીત-ઢાળ મુખ્ય અને સર્વવ્યાપક હોય છે. હીંચમાં જેમ ‘ઢોલીડા ઢોલ વગાડ, મારે હીંચ લેવી છે’ આવો મુખ્ય ગીત-ઢાળ છે, તેમ ‘હમચી’નો મુખ્ય અને બહુપ્રચલિત ગીત-ઢાળ ‘હમચી ખૂંદું છું વાળી વાળી’ છે. ‘હમચી’ પણ ગુજરાતનો મધ્યકાળમાં પણ પ્રચલિત એવો ગીત-ઢાળ અને નૃત્યપ્રકાર છે. મધ્યકાલીન કેટલીક કૃતિઓની હસ્તપ્રતોમાં, કૃતિના આરંભે ‘હમચડી’ કે ‘હમચી’ એવી ઢાળ-રાગસૂચક નોંધ પણ જોવા મળે છે.

હસુ યાજ્ઞિક