હીરાનંદાની ડૉ. નિરંજન  (. 8 માર્ચ, 1950, મુંબઈ) :  હિરાનંદાની ગ્રૂપના સહ-સ્થાપક અને મૅનેજિંગ ડાયરેક્ટર, ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રના ટોચના 10 દિગ્ગજોમાં સામેલ રિયલ એસ્ટેટ ટાયકૂન. હિરાનંદાની કમ્યુનિટીઝના સ્થાપક. નૅશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ(NAREDCO)ના ચૅરમૅન.

મુંબઈમાં ઇએનટી સર્જન અને પદ્મભૂષણ પુરસ્કારવિજેતા ડૉ. લખુમલ હિરાનંદ હિરાનંદાનીના ઘેર જન્મ. પ્રાથમિક શિક્ષણ મુંબઈની કેમ્પિયન સ્કૂલમાં મેળવીને નિરંજને સીડેનહામ કૉલેજમાં વાણિજ્યિક શાખામાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યાર બાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા.

કારકિર્દીની શરૂઆત એકાઉન્ટિંગ શિક્ષક તરીકે શરૂ કરનાર નિરંજને 1981માં મુંબઈના કાંદિવલીમાં અદ્યતન કાપડવણાટ એકમ સ્થાપિત કરીને પ્રથમ વ્યવસાય શરૂ કર્યો. પછી 1985માં ભાઈ સુરેન્દ્ર સાથે પવઈમાં 250 એકર જમીન ખરીદી અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ઉપરાંત ફૅમિલી ઑફિસ નિદાર ગ્રૂપ મારફતે ઊર્જા માળખાગત ક્ષેત્રમાં રોકાણ કર્યું છે. સાથે સાથે, કુદરતી ગૅસની પાઇપલાઇન અને ગૅસ સ્ટોરેજ ટર્મિનલ બનાવવાની શરૂઆત પણ કરી છે.

હાલ હિરાનંદાની કન્સ્ટ્રક્શન્સ બે ટાઉનશિપને નવેસરથી વિકસાવી રહી છે, જે કંપનીએ આશરે રૂ. 1,000 કરોડમાં કોર્ટની હરાજીમાં ખરીદી હતી. થાણેમાં હિરાનંદાની એસ્ટેટ નામની એક ટાઉનશિપનું નિર્માણ પણ થયું છે, જે મુંબઈ મેટ્રોપૉલિટન રિજન(એમએમઆર)નો ભાગ છે.

વેપારવાણિજ્ય ઉપરાંત હિરાનંદાની સમાજસેવા સાથે પણ સંકળાયેલા છે. 2006માં પવઈમાં હિરાનંદાની હૉસ્પિટલની શરૂઆત કરી હતી અને પછી 2011માં થાણેમાં બીજી હૉસ્પિટલ શરૂ કરી હતી. સાથે સાથે, નિરંજન યોટ્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સ્થાપક છે તથા તેમણે વિશ્વનું બીજા સૌથી મોટા ડેટા સેન્ટર એનએમ1 શરૂ કર્યું છે, જે નવી મુંબઈમાં યોટ્ટા ડેટા સેન્ટર પાર્કમાં સામેલ છે.

નિરંજન હિરાનંદાની પવઈ અને થાણેમાં હિરાનંદાની ફાઉન્ડેશન સ્કૂલ સહિત કુલ 17 સ્કૂલના બોર્ડમાં સામેલ છે. તેઓ એસોચેમના પૂર્વપ્રમુખ છે. સાથે સાથે નાથદ્વારાના નાથદ્વારા ટેમ્પલ બોર્ડમાં નિરંજન બોર્ડ ઑફ ટ્રસ્ટીમાં પણ સામેલ છે.

કેયૂર કોટક