હીનયાન : બૌદ્ધ ધર્મની એક શાખા. બૌદ્ધ ધર્મની બે પ્રધાન શાખાઓ છે – હીનયાન અને મહાયાન. આ નામો મહાયાનીઓએ આપ્યાં છે. પોતાના માર્ગની (પંથની) શ્રેષ્ઠતા દર્શાવવા તેમણે પોતાના માર્ગને મહાયાન નામ આપ્યું અને પ્રાચીન બૌદ્ધ ધર્મ યા થેરવાદને ઊતરતો માર્ગ દર્શાવવા હીનયાન નામ આપ્યું. હીનયાન પ્રાચીન ત્રિપિટકો ઉપર આધારિત વ્યવસ્થિત ધર્મ છે. આજકાલ શ્રીલંકા, થાઇલૅન્ડ, બર્મા (હવે મ્યાનમાર) આદિ ભારતની દક્ષિણે આવેલા દેશોમાં તેનો પ્રચાર છે. હીનયાનની પ્રબળતાનો સમય ઈ. પૂ. 520થી ઈ. સ. 100 છે. ઈ. સ.ની પ્રથમ શતાબ્દીમાં મહાયાનનો ઉદય મનાય છે.

હીનયાનના તાત્વિક સિદ્ધાન્તોની વાત કરીએ. તે પાંચ સ્કન્ધો (રૂપ, વિજ્ઞાન, સંજ્ઞા, વેદના અને સંસ્કાર), બાર આયતનો (મન સહિત છ ઇન્દ્રિયો અને તેમના છ વિષયો) અને અઢાર ધાતુઓમાં (જે શક્તિઓના એકીકરણથી આંતરજગતની ઘટનાઓનો પ્રવાહ નિષ્પન્ન થાય છે તે ધાતુઓ છે.) માને છે. હીનયાનીઓના મતે વસ્તુ ક્ષણિક છે. પ્રતીત્યસમુત્પાદવાદ તેમનો મહત્વનો સિદ્ધાન્ત છે. પ્રતીત્યસમુત્પાદવાદ એ કારણો(પ્રત્યયો)ના આધારે કાર્યની ઉત્પત્તિનો નિયમ છે. શાશ્વતવાદ અને ઉચ્છેદવાદનો વચલો માર્ગ પ્રતીત્યસમુત્પાદવાદ છે. શાશ્વતવાદ અને ઉચ્છેદવાદ બન્ને આત્યન્તિક વાદો છે અને બન્નેમાં એક વસ્તુ (કારણ) બીજી વસ્તુને (કાર્યને) જન્મ આપે એ શક્ય જ નથી. એથી ઊલટું પ્રતીત્યસમુત્પાદવાદમાં એક વસ્તુ બીજી વસ્તુને જન્મ આપે છે, કોઈ ક્ષણિક વસ્તુ નિ:સંતાન નથી. કર્મસિદ્ધાન્તને અનુલક્ષી પ્રતીત્યસમુત્પાદવાદ જણાવે છે કે ફળ ભોગવનારો કર્મ કરનારથી સાક્ષાત્ યા પરંપરાથી પ્રતીત્યસમુત્પન્ન છે, તે બન્ને એક પ્રવાહના (સંતાનના) સભ્યો છે. ભવચક્રના સંદર્ભમાં પ્રતીત્યસમુત્પાદવાદ બાર અંગોવાળો છે. આ બાર અંગો કાર્યકારણની શૃંખલાની કડીઓ છે. તેમને બાર નિદાનો પણ કહે છે. તે છે – અવિદ્યા (ચાર આર્યસત્યોનું અજ્ઞાન), સંસ્કાર (કર્મો), વિજ્ઞાન (માતાની કૂખે અવતરેલું ચિત્ત), નામરૂપ (ચેતનાયુક્ત પ્રાથમિક ગર્ભશરીર), ષડાયતન (પાંચ ઇન્દ્રિયો અને મન), સ્પર્શ (ઇન્દ્રિયનો વિષય સાથે સંપર્ક), વેદના, તૃષ્ણા, ઉપાદાન (આસક્તિ), ભવ (પુનર્જન્મોત્પાદક કર્મ), જાતિ (જન્મ) અને જરા-મરણ આદિ દુ:ખ.

આ પંથ અનાત્મવાદી છે. ક્ષણિક ચિત્તથી ઉપર અને અતિરિક્ત કૂટસ્થ નિત્ય આત્મા નામનું તત્વ તેઓ સ્વીકારતા નથી. તેઓ કર્મ અને પુનર્જન્મને માને છે અને ચિત્તસંતાન (ચિત્તપ્રવાહ) દ્વારા તેમને સમજાવે છે, ઘટાવે છે. ચિત્તસંતાનો અનેક છે. નિર્વાણ એટલે સંપૂર્ણ દુ:ખનિરોધ. નિર્વાણમાં ચિત્તસંતાનમાંથી સઘળા રાગાદિ મળો દૂર થઈ જાય છે, શુદ્ધ ચિત્તપ્રવાહ વહ્યાં કરે છે. નિર્વાણમાં કેવળ શાન્તિ છે. એક વાર નિર્મળ બનેલો ચિત્તસંતાન પુન: મલિન બનતો નથી, નિર્મળતામાંથી ચ્યુત થતો નથી. આ અર્થમાં નિર્વાણ અચ્યુત છે, નિત્ય છે.

ચાર આર્યસત્યોમાં તેમની શ્રદ્ધા છે. તે ચાર છે – દુ:ખ છે, દુ:ખનાં કારણો છે, દુ:ખનિરોધના ઉપાયો છે અને સંપૂર્ણ દુ:ખનિરોધ શક્ય છે.

તેઓ 37 બોધિપક્ષીય ધર્મો સ્વીકારે છે. તે ધર્મો છે – આર્ય અષ્ટાંગિક માર્ગનાં આઠ અંગો (સમ્યક દૃષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવ, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ), પાંચ ઇન્દ્રિયો (શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞા), પાંચ બલ (શ્રદ્ધાબલ, વીર્યબલ, સ્મૃતિબલ, સમાધિબલ અને પ્રજ્ઞાબલ), ચાર ઋદ્ધિપાદ (ચમત્કારી શક્તિઓ), ચાર સમ્યક પ્રધાન (સમ્યક પ્રધાન એટલે નિર્વાણ માટેના પ્રયત્ન. અનુત્પન્ન અકુશલ મનોવૃત્તિઓ ઉત્પન્ન ન થાય એ માટે ચિત્તના નિગ્રહનો પ્રયત્ન, ઉત્પન્ન અકુશલ મનોવૃત્તિઓનો નાશ કરવાનો પ્રયત્ન, અનુત્પન્ન કુશળ મનોવૃત્તિઓને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન અને ઉત્પન્ન કુશળ મનોવૃત્તિઓ જળવાઈ રહે અને વૃદ્ધિ પામે તે માટેનો પ્રયત્ન), ચાર સ્મૃત્યુપસ્થાન (આધ્યાત્મિક જાગૃતિ અર્થાત્ અપ્રમાદના ચાર ભેદો) અને સાત બોધ્યંગ (સ્મૃતિ – આનાપાનસ્મૃતિ, ધર્મવિચય, વીર્ય, પ્રીતિ, પ્રસ્રબ્ધિ, સમાધિ, ઉપેક્ષા). હીનયાનના સઘળા સંપ્રદાયોને આ બોધિપક્ષીય ધર્મો માન્ય છે. બુદ્ધના નિર્વાણ પછી કેટલીક અન્ય બાબતોને લઈ મતભેદો થયા અને પરિણામે હીનયાનના અઢાર નિકાયો (સંપ્રદાયો) અસ્તિત્વમાં આવ્યા. તેમાં ત્રણ મહત્વના છે – સામ્મિતિય (વાત્સીપુત્રીય), સર્વાસ્તિવાદી અને મહાસાંઘિક. વાત્સીપુત્રીઓએ પાંચ સ્કન્ધોથી અતિરિક્ત પુદગલનું અસ્તિત્વ માન્યું. વિરોધીઓએ ટીકા કરી કે વાત્સીપુત્રીઓએ પુદગલના નામે આત્માનો સ્વીકાર કર્યો છે. સર્વાસ્તિવાદીઓએ ધર્મનું (વસ્તુનું) ત્રૈકાલિક અસ્તિત્વ માન્યું. વિરોધીઓએ ટીકા કરી કે તેમણે સર્વાસ્તિવાદના નામે સાંખ્ય પરિણામવાદનો સ્વીકાર કર્યો છે. મહાસાંઘિકોએ બુદ્ધને માનવ મિટાવી લોકોત્તર બનાવી મહાયાનનો માર્ગ મોકળો કરી દીધો. મહાસાંઘિકોએ આદરેલા નૂતન પ્રસ્થાનનું પર્યવસાન મહાયાનમાં થયું. મહાયાનનો ઉદય લગભગ ઈ. સ.ની પ્રથમ શતાબ્દીમાં થયો.

નગીન શાહ