હીથ, એડવર્ડ (જ. 9 જુલાઈ 1916, બ્રૉડસ્ટેર્સ કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 17 જુલાઈ, 2005) : બ્રિટનના વડાપ્રધાન અને રાજનીતિજ્ઞ. સુથાર પિતાના પુત્ર. શાલેય અભ્યાસને અંતે શિષ્યવૃત્તિ મેળવીને ઑક્સફર્ડમાં પ્રવેશ મેળવેલો, ત્યાંના અભ્યાસકાળ દરમિયાન તેઓ રૂઢિચુસ્ત પક્ષમાં રસ લેતા થયા. 1937માં ઑક્સફર્ડ યુનિવર્સિટીના કન્ઝર્વેટિવ ઍસોસિયેશનના પ્રમુખ બન્યા. તે સમયે નેવિલ ચેમ્બરલીન બ્રિટનના વડાપ્રધાન હતા. તેમણે નાઝી જર્મની પ્રત્યે બાંધછોડની નીતિ (policy of appeasement) સ્વીકારેલી તેના તેઓ ભારે ટીકાકાર હતા. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન તેઓ લશ્કરમાં જોડાયા અને શાહી શસ્ત્રાગારમાંના નિશાનેબાજ તરીકે ફ્રાંસ, બેલ્જિયમ, હોલૅન્ડ અને જર્મનીમાં કામ કર્યું. તે પછી સનદી સેવામાં તેમજ બ્રિટનના સિવિલ એવિયેશન મંત્રાલયમાં કામ કર્યું. 1948–49માં ‘ચર્ચ ટાઇમ્સ’ના તેઓ સંપાદક રહ્યા.

એડવર્ડ હીથ

1950માં કેન્ટના બેક્સલે મતવિસ્તારમાંથી ચૂંટાઈને રૂઢિચુસ્ત પક્ષના સાંસદ તરીકે પાર્લમેન્ટમાં પ્રવેશ મેળવ્યો. આ પ્રવેશથી તેમની રાજકીય અને જાહેર જીવનની કારકિર્દીનો  પ્રારંભ થયો. 1950થી 1974 સુધી તેઓ સતત સાંસદ તરીકે ચૂંટાયેલા. આ સભ્યપદ દરમિયાન તેમણે પક્ષમાં ઝડપી પ્રગતિ સાધી. 1955માં પક્ષના દંડક બન્યા. 1959માં બ્રિટનના શ્રમ-મંત્રાલયના મંત્રી તરીકે કૅબિનેટમાં જોડાયા. 1960–63 દરમિયાન યુરોપિયન ઇકૉનૉમિક કૉમ્યુનિટી(EEC)માં જોડાવા માટેની વાટાઘાટોના મુખ્ય વાટાઘાટકાર તરીકે કામગીરી બજાવી. ઑક્ટોબર, 1963માં ઉદ્યોગ, વ્યાપાર અને પ્રાદેશિક વિકાસ વિભાગના મંત્રી તેમજ બોર્ડ ઑવ્ ટ્રેડના અધ્યક્ષ બન્યા. 1965માં રૂઢિચુસ્ત પક્ષના નેતા ચૂંટાયા. 1970ની ચૂંટણીઓમાં તેઓ રૂઢિચુસ્ત પક્ષના વડાપ્રધાન બન્યા, 1974 સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા.

ઑક્ટોબર 1964ની ચૂંટણીઓમાં રૂઢિચુસ્ત પક્ષ પરાજિત થયો ત્યારે તેઓ વિરોધપક્ષના મહત્વના નેતાઓમાં સ્થાન પામ્યા. તેમણે ઇન્ડસ્ટ્રિયલ રિલેશન કોર્ટની રચના કરી, જેમાં મજૂરસંઘો ગેરકાયદેસર હડતાળ પાડે તો તેના નેતાઓને સજા કરવાની જોગવાઈ હતી. 1973માં કોલસાની ખાણોના મજૂરોની આવી એક રાષ્ટ્રીય હડતાળમાં તેમણે ત્રણ કામના દિવસોનું એક સપ્તાહ જાહેર કર્યું. આ પગલાંઓથી પક્ષની લોકપ્રિયતાનો આંક નીચો ઊતર્યો. 1974માં તેમનો પક્ષ થોડા હજાર મતોથી પરાજિત થતાં તેમણે વડાપ્રધાનપદ છોડ્યું. તેમના અનુગામી તરીકે હેરોલ્ડ વિલ્સને વડાપ્રધાનપદ ગ્રહણ કર્યું હતું.

1979માં રૂઢિચુસ્ત પક્ષ ફરીથી સત્તા પર આવ્યો ત્યારે માર્ગારેટ થેચર વડાપ્રધાન ચૂંટાયેલાં. હીથ તે સમયે આમની સભાના સાંસદ હતા, પણ તેઓ કૅબિનેટમાં જોડાયા નહિ. અલબત્ત, તેઓ રાષ્ટ્રીય બેકારી ઘટાડવાના તેમજ યુરોપિયન ઇકૉનૉમિક કૉમ્યુનિટીના કામમાં સક્રિય હતા.

‘વન નૅશન : અ ટોરી ઍપ્રોચ’ (1950); ‘ઓલ્ડ વર્લ્ડ, ન્યૂ હોરાઇઝન્સ’ (1970); ‘અ કોર્સ ઑવ્ માય લાઇફ’ (1975); ‘મ્યુઝિક’ (1976); ‘પીપલ ઍન્ડ પ્લેસીસ ઇન માય લાઇફ’ (1977) અને ‘અવર કૉમ્યુનિટી’ (1977) તેમના ગ્રંથો છે.

રક્ષા મ. વ્યાસ