હીની, સીમસ (જ. 13 એપ્રિલ 1939, કાઉન્ટી લંડનડેરી, આયર્લૅન્ડ) : આઇરિશ કવિ. તેમને આયર્લૅન્ડની રોજિંદી અલૌકિક ઘટનાઓ અને જીવંત ભૂતકાળ નિરૂપતી ઉદ્દીપ્ત ભાવનાઓનું લાવણ્ય અને નૈતિક ઊંડાણવાળી તેમની કાવ્યકૃતિઓ માટેનું 1995ના વર્ષનો વિશ્વનો સર્વોચ્ચ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. તેમના પિતા પેટ્રિક હીની ઉત્તર આયર્લૅન્ડના કૅથલિકપંથી ખેડૂત હતા અને કેટલ-ફાર્મ ધરાવતા હતા. તેથી કવિનું બાળપણ ગ્રામીણ વાતાવરણમાં વીત્યું. બેલ્ફાસ્ટ ખાતે સેન્ટ કોલંબસ કૉલેજ અને ક્વીન્સ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું. ત્યારબાદ તેઓ આયર્લૅન્ડ ગણરાજ્ય ખાતે ગયા અને 1976થી ડબ્લિનમાં રહ્યા. તે પહેલાં તેમણે ભાષા અને ભૂમિ વચ્ચેના ગાઢ બંધનને અભિવ્યક્ત કરતી કૃતિઓ ‘ડેથ ઑવ્ અ નેચરાલિસ્ટ’ (1966) અને ‘ડૉર ઇન્ટુ ધ ડાર્ક’ (1969) તથા ‘નૉર્થ’ (1975) રચી હતી. તેઓ કવિ, નિબંધકાર અને અનુવાદક હતા.

સીમસ હીની

1982થી તેઓ હાર્વર્ડ ખાતે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે જોડાયા. ત્યારબાદ ત્યાં જ તેઓ 1989થી 1994 સુધી ઑક્સફર્ડ ખાતે કવિતાના પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા.

‘ઇલેવન પોએમ્સ’ નામનો તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ 1965માં પ્રગટ થયેલો. આયર્લૅન્ડની મહેનતકશ જનતાના સામાજિક જીવનમાં પ્રતીત થતા ઇંગ્લૅન્ડના આર્થિક અને રાજનૈતિક પડકારોને તેમણે તેમના ‘વિધરિંગ આઉટ’ (1972) અને ‘નૉર્થ’ (1975) નામક કાવ્યસંગ્રહોમાં વાચા આપી. તેમના સંવેદનાસભર શબ્દોમાં ગેય સૌંદર્ય અને નૈતિક મૂલ્યોની ગહનતા જોવા મળે છે. ‘ફિલ્ડ વર્ક’ (1979); ‘સ્ટેશન આઇલૅન્ડ’ (1984); ‘હૉ લૅન્ટર્ન’ (1987) તથા ‘સીઇંગ થિંગ્સ’ (1991) નામક કૃતિઓએ તેમને તત્કાલીન આંગ્લભાષી કવિઓમાં અત્યંત મહત્વનું સ્થાન અપાવ્યું. તેમનું સાહિત્ય કેટલાય અર્થોમાં બિનરુમાની કહી શકાય તેવું આયર્લૅન્ડની ગ્રામીણ સંસ્કૃતિથી પ્રેરિત છે. શબ્દો દ્વારા સંગીત નિષ્પન્ન કરવું એ તેમના સાહિત્યની મોટી વિશિષ્ટતા છે.

તેમણે ‘ધ ગવર્નમેન્ટ ઑવ્ ટંગ’ (1988) અને ‘ધ પ્લેસ ઑવ્ રાઇટિંગ’ (1989) – બે નિબંધસંગ્રહો આપ્યા છે. તેમનું નાટક ‘ધ ક્યુઅર ઍટ ટ્રૉય’ (1990) સૉફોક્લિસનો અનુવાદ છે. તેમને અગાઉ એરિક ગ્રૅગરી અને જેફરી ફેબર જેવાં લબ્ધપ્રતિષ્ઠ પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. પીટ્સ અને સેમ્યુઅલ બૅકેટ જેવા આઇરિશ સાહિત્યકારો પછી સાહિત્યનો સર્વોચ્ચ નોબેલ પુરસ્કાર મેળવનાર તેઓ આયર્લૅન્ડના ત્રીજા કવિ છે.

બળદેવભાઈ કનીજિયા