હીગર, એલન જે. (જ. 22 જાન્યુઆરી 1936, સિઅક્સ (Sioux) સિટી, આયોવા, યુ.એસ.) : અમેરિકન રસાયણવિદ અને 2000ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1961માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. પદવી મેળવ્યા બાદ હીગરે 1982 સુધી યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયામાં શિક્ષણ અને સંશોધનકાર્ય કર્યું. આ પછી તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, સાન્તા બાર્બરા(UCSB)માં પ્રોફેસર બન્યા અને તે જ સંસ્થાની બહુલકો અને કાર્બનિક ઘન પદાર્થો માટેની સંશોધન-સંસ્થાના નિયામક બન્યા. 1990માં તેમણે સંવાહક બહુલકો પર આધારિત પ્રકાશનું ઉત્સર્જન કરતાં પ્રદર્શકો (displays) વિકસાવવા અને તેમનું ઉત્પાદન કરવા UNIAX કૉર્પોરેશનની સ્થાપના કરી.

એલન જે. હીગર

એ એક જાણીતી બાબત હતી કે ઢાળી શકાય અથવા વિવિધ આકાર આપી શકાય તેવાં બહુલકો (પ્લાસ્ટિકો) ગુણધર્મોની દૃષ્ટિએ ધાતુઓથી મૂળભૂત રીતે અલગ પડે છે. આવા પદાર્થો સામાન્ય રીતે વિદ્યુતના અવાહકો હોઈ તેમનો ઉપયોગ વીજવહન માટે વપરાતા તાંબાના તાર ઉપર પડ ચડાવવા માટે થતો હતો. 1970માં હીગર, યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયાના મેકડાયાર્મિડ અને જાપાનની યુનિવર્સિટી ઑવ્ સુકુબાના શિરાકાવાએ આ ખ્યાલને ઉલટાવી નાખ્યો. આ ત્રણ વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે રાસાયણિક રૂપાંતર દ્વારા કેટલાંક પ્લાસ્ટિકને ધાતુઓની માફક વિદ્યુતનું વહન કરતાં બનાવી શકાય છે.

કાળા પાઉડર રૂપે અસ્તિત્વ ધરાવતા પૉલિએસિટિલીન નામના બહુલક ઉપર આ ત્રણે વૈજ્ઞાનિકોએ ઇનામપાત્ર સંશોધન કરેલું. 1974માં યુનિવર્સિટી ઑવ્ સુકુબા (જાપાન) ખાતે શિરાકાવા અને તેમના સહકાર્યકરોએ આકસ્મિક રીતે ચાંદી જેવી ફિલ્મના રૂપમાં પૉલિએસિટિલીનનું સંશ્લેષણ કર્યું હતું. આ પદાર્થ દેખાવમાં ધાતુ જેવો હોવા છતાં વિદ્યુતનો અવાહક હતો. એ પછીના વર્ષે મેકડાયાર્મિડની જાપાનની મુલાકાત દરમિયાન શિરાકાવાએ તેમની સાથે આ શોધ બાબત ચર્ચા કરી હતી. 1977માં શિરાકાવા, મેકડાયાર્મિડ અને હીગરે યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયા ખાતે સહસંશોધન કરતાં કરતાં પૉલિએસિટિલીનને આયોડિનની બાષ્પ વડે ઉદભાસિત કર્યું (exposed). તેમનો આશય ડૉપિંગ દ્વારા જેમ અર્ધવાહકોના ગુણધર્મોમાં ફેરફાર લાવી શકાય છે તેમ આ બહુલકમાં પણ અશુદ્ધિઓ દાખલ કરવાનો હતો. આયોડિન વડે ઉદભાસિત કરેલા પૉલિએસિટિલીનની વિદ્યુતવાહકતામાં એક કરોડગણો વધારો થયો અને તે કેટલીક ધાતુઓની માફક સંવાહક બન્યું. હીગરે આના ભૌતિકશાસ્ત્રનો વિગતે અભ્યાસ કર્યો છે.

મેકડાયાર્મિડ અને શિરાકાવા ઉપર્યુક્ત નોબેલ પુરસ્કારમાં હીગરના સહવિજેતા હતા.

પ્ર. બે. પટેલ