હિસ્ટરી ઑવ્ ધર્મશાસ્ત્ર (1953)
February, 2009
હિસ્ટરી ઑવ્ ધર્મશાસ્ત્ર (1953) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા પ્રાચ્યવિદ્યાવિજ્ઞાની મહામહોપાધ્યાય પી. વી. કાણે રચિત ગ્રંથ. કુલ 5 ભાગ પૈકી આ ચોથો ભાગ 1953માં પ્રગટ થયો હતો. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1956ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ એક અનોખો ગ્રંથ છે અને વસ્તુત: તે હિંદુ ધર્મના એન્સાઇક્લોપીડિયા જેવો વિશાળ અને ઉપયોગી બની રહ્યો છે.
આ ગ્રંથના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ભાગો અનુક્રમે 1930, 1941 અને 1946માં પ્રગટ થયા હતા. તે વાંચવાથી તેના રચયિતાના જ્ઞાન તથા પાંડિત્ય પરત્વેની તેમની અસામાન્ય નિષ્ઠા તથા ભક્તિ આપોઆપ જણાઈ આવે છે.
પુરસ્કૃત કૃતિમાં 4 ભાગમાં 16 પ્રકરણો સમાવાયાં છે. તેમાં ‘પાતક’, ‘પ્રાયશ્ચિત્ત’, ‘કર્મવિપાક’, ‘અંત્યેષ્ટિ’, ‘અશૌચ’, ‘શુદ્ધિ’, ‘શ્રદ્ધા’, ‘તીર્થયાત્રા’ જેવા વિષયો આલેખાયા છે.
તેના રચયિતાએ તેને લગતી બધી સામગ્રી સંકલિત કરવા માટે ધર્મશાસ્ત્રને લગતાં તમામ પુસ્તકો તથા લખાણોનો ઉપયોગ કર્યો છે. ચોકસાઈપૂર્વકનાં કાળજી અને ખંત, પ્રવાહી શૈલી તેમજ વિવિધ વિભાગ-વિષયોના વર્ગીકરણમાં તથા સંદર્ભો નોંધવામાં સાંગોપાંગ સાતત્ય એ તેમનાં લખાણોનું અત્યંત નોંધપાત્ર લક્ષણ છે તેમજ થોકબંધ અવતરણો, સંદર્ભો તથા સંખ્યાબંધ પાદટીપોમાં તેમની જહેમત અને ચીવટ જણાઈ આવે છે.
હિન્દુ ધર્મશાસ્ત્રના સર્વાંગીણ અભ્યાસ માટેનો આ આકરગ્રંથ છે.
આ ગ્રંથ લખવા માટે તેમને ભારત સરકારે ભારતરત્નનો ખિતાબ એનાયત કર્યો હતો.
મહેશ ચોકસી