હિલ આર્કિબાલ્ડ વિવિયન (Hill Archibald Vivian)

February, 2009

હિલ, આર્કિબાલ્ડ વિવિયન (Hill, Archibald Vivian) (જ. 26 સપ્ટેમ્બર 1886, બ્રિસ્ટોલ, યુ.કે.; અ. 3 જૂન 1977) : સન 1922ના વર્ષનું તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યાના અર્ધા ભાગના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમના સહવિજેતા હતા ઑટો મેયેરહૉફ. તેમને સ્નાયુઓ દ્વારા ઉષ્ણતા (ગરમી) ઉત્પન્ન કરવા અંગેની ક્રિયાઓ શોધવા માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેઓ બ્લુન્ડેલની શાળા અને કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ કરીને દેહધર્મવિદ્યામાં વધુ અભ્યાસાર્થે વૉલ્ટર ફ્લેચર સાથે જોડાયા. તેમણે 1909માં સ્નાયુ- સંકોચનમાં સંશોધન શરૂ કર્યું.

આર્કિબાલ્ડ વિવિયન હિલ

સન 1914માં તેઓ ભૌતિક-રસાયણશાસ્ત્રના વ્યાખ્યાતા અને પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેઓ વિમાનવિરોધી પ્રયોગોના વિભાગના વડા રહ્યા. સન 1919માં તેઓ સ્નાયુ-સંકોચનના સંશોધનમાં પાછા વળ્યા અને તે સમયે મેયેરહૉફના સંપર્કમાં આવ્યા. સન 1920થી 1952 સુધી તેઓ વિવિધ સંસ્થાઓમાં પ્રાધ્યાપક તરીકે રહ્યા. તેઓ બીજા વિશ્વયુદ્ધ સમયે પણ યુદ્ધકાલીન સરકારની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિમાં સક્રિય રહ્યા હતા. સન 1913માં તેઓ માર્ગારેટ કેયનસને પરણ્યા જેનાથી તેમને 2 પુત્રો અને 2 પુત્રીઓ થઈ.

શિલીન નં. શુક્લ