હિલમૅન, મૉરિસ રાલ્ફ (જ. 30 ઑગસ્ટ 1919, માઇલ્સ સિટી, મૉન્ટ; અ. 11 એપ્રિલ 2005, ફિલાડેલ્ફિયા) : અમેરિકાના સૂક્ષ્મજીવવિજ્ઞાની. તેમણે 40 જેટલી રસીઓ વિકસાવી; જેમાં અછબડા, હિપેટાઇટિસ A, હિપેટાઇટિસ B, ઓરી, મસ્તિષ્ક-આવરણશોથ (meningitis), ગાલપચોળું, રુબેલા વગેરેનો સમાવેશ થાય છે. તેમના સંશોધનકાર્યે કરોડોનાં જીવન બચાવ્યાં છે. તેમણે ઘણા દેશોમાં, એક સમયે શિશુ-અવસ્થામાં સામાન્ય રીતે વિનાશક ગણાતા રોગોથી અનેકોને વાસ્તવિક મુક્તિ અપાવી છે. તેમણે અન્ય ઘણા ચેપી રોગો સામે, જાહેર સ્વાસ્થ્ય-સંભાળની દિશામાં આધારભૂત સેવા અર્પીને મોટું સન્માન પ્રાપ્ત કર્યું છે. તેમની સિદ્ધિઓમાં એક કરતાં વધારે રોગોની રસીઓનું સંયોજન, વ્યક્તિઓને ચેપ લગાડવાની ક્ષમતા સંબંધે ઇન્ફ્લુએન્ઝા વાઇરસમાં જનીનિક ફેરફારની ભાત અંગેની શોધ, હિપેટાઇટિસ A વાઇરસ અને રહાઇનો વાઇરસ સહિત કેટલાક વાઇરસની શોધ, મરઘીનાં બચ્ચાંઓમાં થતા ‘મરેક’ નામના કૅન્સરની રસીની શોધ(જે મરઘાં-બતકાંપાલન ઉદ્યોગમાં ખૂબ આર્થિક મહત્વની ગણાય છે)નો સમાવેશ થાય છે.

હિલમૅને 1944માં શિકાગો યુનિવર્સિટીમાંથી સૂક્ષ્મજીવવિજ્ઞાનમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. ઈ.આર. સ્ક્વિબ્ઝ ઍન્ડ સન્સના સંશોધક તરીકે જાપાનીઝ B ઍન્સિફેલાઇટિસ વાઇરસની પ્રથમ રસી વિકસાવી; જે બીજા વિશ્વયુદ્ધમાં યુ.એસ.ના લશ્કરને રક્ષણ આપવા ઉપયોગમાં લેવાઈ હતી. તેઓ 1949–57 સુધી શ્વસનના રોગોના વિભાગ, વૉલ્ટર રીડ આર્મી મેડિકલ સેન્ટર, વૉશિંગ્ટન ડી.સી.ના અધ્યક્ષ હતા; જ્યાં તેમણે ઇન્ફ્લુએન્ઝા વાઇરસ પર સંશોધનનો પ્રારંભ કર્યો. 1957માં તેઓ મર્ક ઍન્ડ કંપની, ઇન્કૉર્પોરેશનમાં જોડાયા અને 1984માં નિવૃત્ત થયા. તે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન જેવાં જાહેર સ્વાસ્થ્યસંગઠનોના સલાહકાર હતા.

બળદેવભાઈ પટેલ