હિર્લેકર, શ્રીકૃષ્ણ હરિ (જ. 1871, ગગનબાવડા રિયાસત; અ. ?) : ગ્વાલિયર ઘરાનાના અગ્રણી ગાયક કલાકાર, શાસ્ત્રીય સંગીતના ઉચ્ચ કોટીના અધ્યાપક અને શાસ્ત્રીય સંગીતના સન્નિષ્ઠ પ્રચારક. બાળપણથી જ તેમના કંઠમાં માધુર્ય અને મનમાં સંગીત પ્રત્યે રુચિ હતી. શિશુવયથી જ ગાયન-ભજન રજૂ કરીને તેમણે લોકચાહના મેળવી હતી. ગગનબાવડા રિયાસતના રાજવીને શાસ્ત્રીય સંગીતમાં ખૂબ રુચિ હતી અને તેથી તેમના દરબારમાં દેશના દિગ્ગજ કલાકારોના ગાયનવાદન કાર્યક્રમો યોજાતા, જેનો લાભ શ્રોતા તરીકે નાનપણથી શ્રીકૃષ્ણ હિર્લેકરને મળતો હતો. ઔપચારિક શિક્ષણ છઠ્ઠા ધોરણ સુધી. વેદવિદ્યાનો અભ્યાસ પરિવારમાં થયો. મરાઠી રંગભૂમિના ધુરંધર અભિનેતા ભાઉરાવ કોલ્હટકર એક વાર હિર્લેકરના જન્મસ્થાન ગગનબાવડા રિયાસતની મુલાકાતે ગયેલા ત્યારે તેમનો શ્રીકૃષ્ણ હિર્લેકર સાથે ભેટો થયો, જે દરમિયાન હિર્લેકરે કોલ્હટકરને કેટલાંક ભજનો સંભળાવ્યાં. તેનાથી પ્રભાવિત થઈ ભાઉરાવે શ્રીકૃષ્ણજીને તેમની નાટક કંપનીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું, જે તેમણે સ્વીકાર્યું ન હતું.

શ્રીકૃષ્ણ હરિ હિર્લેકર

 સંસ્કૃતના ઉચ્ચ અભ્યાસ માટે તેમને વડોદરા મોકલવામાં આવ્યા, જ્યાં સંસ્કૃતના અધ્યયન સાથે શાસ્ત્રીય સંગીત પણ શીખવાનું તેમણે શરૂ કર્યું. બિનકાર ઉસ્તાદ અલીહુસેનખાં તેમના ગુરુ બન્યા. ત્યાર બાદ ગગનબાવડા રિયાસતના નરેશના આદેશથી તેઓ મિરજ ગયા, જ્યાં પંડિત બાળકૃષ્ણબુવા ઇચલકરંજીકર પાસે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. આ તાલીમનાં ત્રણથી ચાર વર્ષ દરમિયાન હિર્લેકરે ત્રણસોથી ચારસો બંદીશોનું અધ્યયન કર્યું. તે દરમિયાન વિખ્યાત ગાયક પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરના પરિચયમાં આવ્યા. સમયાંતરે હિર્લેકરે પલુસ્કરજીને ગુરુસ્થાને સ્થાપ્યા. તે બંનેએ મહારાષ્ટ્રનાં જુદાં જુદાં ગામો ઉપરાંત મુંબઈ, વડોદરા, અમદાવાદ અને સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરોનો સંગીતપ્રવાસ ખેડ્યો. ત્યાર બાદ તે બંનેએ મથુરા, દિલ્હી અને પંજાબ પ્રાંતનાં શહેરોનો પ્રવાસ કર્યો. વર્ષ 1901માં પંડિત પલુસ્કરે લાહોર ખાતે ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કરી જેમાં પણ તેમને હિર્લેકરજીનો સક્રિય સહકાર પ્રાપ્ત થયો. ડૉ. ઍની બેસન્ટ પણ હિર્લેકરજીના ગાયનથી પ્રભાવિત થયેલાં. કાશ્મીર રિયાસતના તત્કાલીન દીવાન દયાકિસન કૌલે ઍની બેસન્ટ પાસે રાજ્ય માટે એક સારા સંગીતશિક્ષકની માગણી કરી, જેના પ્રતિસાદ તરીકે પંડિત પલુસ્કરે શ્રીકૃષ્ણ હિર્લેકરના નામની ભલામણ કરી હતી, જ્યાં તેઓ ત્રણ વર્ષ રહ્યા (1903–1906). ત્યાર બાદ ઍની બેસન્ટની માગણીથી હિર્લેકરજી 1906માં બનારસ ખાતેના થિયૉસૉફિસ્ટ સ્કૂલમાં સંગીતશિક્ષક તરીકે જોડાયા, જ્યાં લાંબા સમય સુધી તેમણે પોતાની સેવાઓ આપી હતી.

જીવનનાં છેલ્લાં 2–3 વર્ષ શ્રીકૃષ્ણ હિર્લેકરે પોતાના વતન ગગનબાવડા ખાતે વિતાવ્યાં હતાં.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે