હિરણ્યનાભ : (1) ડૉ. રાયચૌધરીના મતાનુસાર પાછળના વૈદિક ગ્રંથોમાં જણાવેલ મહાકોશલ. તે કોશલનો રાજા હતો અને કાશી તેની સત્તા હેઠળ હતું. કોશલનો રાજા કંસ મહાકોશલનો પુરોગામી હતો. તે પ્રસેનજિતનો પિતા અને પુરોગામી હતો. તેણે તેની પુત્રી કોશલદેવી મગધના રાજા બિંબિસાર સાથે પરણાવી હતી.

(2) સૂર્યવંશીય ઇક્ષ્વાકુ કુલોત્પન્ન વિધૃતિ નામના રાજાનો પુત્ર. તે પ્રથમ જૈમિનીનો શિષ્ય હોઈ તેમની પાસે સામવેદની કેટલીક શાખાઓની સંહિતાઓનું અધ્યયન કર્યું હતું.

(3) સંજયપુત્ર સુવર્ણષ્ઠીવી. તે મૃત્યુ પછી નારદજીની કૃપાથી જીવિત થયો, ત્યારે તેનું આ નામ રાખવામાં આવ્યું હતું. તેનું આયુષ્ય એક હજાર વર્ષનું થઈ ગયું હતું.

(4) વિષ્ણુનાં હજાર નામોમાંનું એક.

જયકુમાર ર. શુક્લ