હિરણ્યગર્ભ : ઋગ્વેદ (10–121), શુક્લ યજુર્વેદ વાજસનેયી સંહિતા (અ-32), શૌનકીય અથર્વવેદ (4/27) અને તાંડ્ય બ્રાહ્મણ(9–9–12)માં મળતું હિરણ્યગર્ભ કે પ્રજાપતિનું સૂક્ત. આ સૂક્તના પ્રજાપતિ કે ‘ક’ ઋષિ છે. ત્રિષ્ટુભ છંદ છે. સમગ્ર વિશ્વના સ્રષ્ટા પ્રજાપતિ તે હિરણ્યગર્ભ નામે બ્રહ્મણસ્પતિ (10.32), વિશ્વકર્મા (10, 81–82), આમ્ભૃણી વાક્ (10–125), વૃષભધેનુ (3–38–7) વગેરે નામે ઓળખવામાં આવે છે. તેને પ્રજાપતિ કહે છે. પ્રજાપતિ બધી પ્રજાના પતિ છે. ઋગ્વેદ 10–121માં તેમની લાક્ષણિકતાઓ બતાવાઈ છે. આ લાક્ષણિકતાઓ અન્ય દેવોમાં પણ મળતી હોવાથી અન્ય દેવોને પ્રજાપતિનાં જ સ્વરૂપ ગણવા રહ્યાં. પ્રથમ નવ મંત્રોમાં પ્રજાપતિની લાક્ષણિકતાઓ બતાવાઈ છે. છેલ્લું ચરણ ‘कस्मै देवाय हविषा विधेम’ આવે છે. વિભિન્ન દેવો પ્રજાપતિને કારણે જ નિહાળે છે (મં. 2 અ-બ, 7 क) ને ઇન્દ્રનાં કાર્યો કરે છે (મં. 3, 6 અબ). તે સવિતા (મં. 4 कु.), વરુણ (બ), સૂર્ય (5, 6) અને અગ્નિ (7, 8) છે. એનું અગ્નિ સાથેનું અભિજ્ઞાન (મં. 7, 8) દર્શાવાયું છે. ઋષિને મન આ દેવને છુપાવવાનું નિમિત્ત છે. બધું જ અસ્તિત્વ પામ્યું તે હિરણ્યગર્ભ રૂપે રહેલું છે. મં. 7, 8માં જણાવ્યા પ્રમાણે પોતાના જ નિરીક્ષણ નીચે બધું જ ઉત્પન્ન થયું છે. તે પ્રજાપતિ હિરણ્યગર્ભ રૂપે રહેલા છે. આ હિરણ્યગર્ભ કે પ્રજાપતિને ઋગ્વેદ સૂક્ત 10–90ના ‘વિરાજ્’ સાથે સરખાવી શકાય. યજ્ઞમાં અર્પણ કરાયેલા પશુમાંથી બીજા પુરુષ તરીકે તે જન્મેલ છે.

કાર્ય ઉપરથી કારણનું દર્શન કરી ઋષિએ વિસ્મય પામી હિરણ્યગર્ભ પ્રજાપતિનું સર્વ પદાર્થોમાં વ્યક્ત થતું સ્વરૂપ નિહાળ્યું છે. તે સર્વના આદિમાં વ્યક્ત થાય છે અને તે સર્વમાં ઓતપ્રોત થયેલ છે. તેનો મહિમા અહીં ગાવામાં આવ્યો છે. આ સૂક્તમાં ભક્તિની ભાવના પણ વણાયેલી છે.

નિરપેક્ષ પ્રશ્નના ઉત્તરની અપેક્ષાએ વિવિધ ભાવનાઓ વ્યક્ત થતાં ઋષિને વિવિધ સ્વરૂપે પ્રજાપતિનું અહીં થતું દર્શન જીવ, જગત અને ઈશ્વર દ્વારા વિકસિત સ્વરૂપે જોવા મળે છે. ભાગવતમાં ‘ज्ञान परं स्वात्मरह: प्रकाशः प्रोवाच कस्मै भगवान् समग्रम्’ (3–4–18) આ સૂક્તની અસર નીચે જ રજૂ થયું છે.

આ સૂક્તના પ્રથમ બે મંત્રમાં હિરણ્ય બ્રહ્માંડને તેમના ઉદરમાં કલ્પી જીવન, પ્રાણ, જંગમ સ્થાવરમાં રહેલા પ્રજાપતિના મહિમાને દિશા-વિદિશામાં પ્રસરેલો ગણાવ્યો છે. તેણે જ દ્યાવાપૃથિવીને ધારણ કરેલ છે.

તે જ જગત-સ્થાવરના રાજા છે. ઇન્દ્ર છે, શ્વાસેશ્વાસમાં વિરાજિત છે (મં. 3).

હિમાલય પર્યંત જગત, આકાશ અને પૃથ્વી – ત્રણેય લોકમાં તેમનો મહિમા છવાયેલો છે (મં. 4).

સ્વર્ગ, પૃથ્વી હિરણ્યગર્ભથી વ્યાપ્ત છે. તેણે અંતરિક્ષ સહિત તે બધું માપ્યું છે (મં. 5).

સૂર્ય તેને ઉપાસે છે; હિરણ્યગર્ભ અને જળરૂપ પ્રકૃતિની તન્માત્રાઓ તેની યોનિ (ઉત્પત્તિસ્થાન) છે (મં. 6).

જળમાં હિરણ્યગર્ભ ઉત્પન્ન થયા. વિશ્વમાં વ્યાપ્યા. ભારે મહિમાથી તે બધે જ વ્યાપ્ત બન્યા (મં. 7).

ત્યાર પછી હિરણ્યગર્ભનો મહિમા મંત્ર 7, 8માં ગાવામાં આવ્યો છે. જળતત્વમાંથી યજ્ઞની રચના થઈ છે. આ એક જ દેવ બધાંનો આધાર છે. પ્રકૃતિ પુરુષનું સાધન છે. પુરુષ પ્રકૃતિનો ઉત્પાદક છે. તે પોતાના ઋત અને સત્ય દ્વારા બ્રહ્માંડમાં પ્રગટ થાય છે.

અંતિમ મંત્રમાં ઋષિ ‘वयं स्याम पतयो रयीणाम्’ કહી સમૃદ્ધિના સ્વામી થવાની ઝંખના પ્રાર્થનામાં વ્યક્ત કરે છે.

આ સૂક્તમાં ‘कस्मै’ પદ પ્રજાપતિ કે હિરણ્યગર્ભ પુરુષ માટે પ્રયોજાયું છે. ‘स्मै’ પ્રત્યય પ્રશિષ્ટ સંસ્કૃતમાં સર્વનામને ચતુર્થી વિભક્તિ એકવચન (સંપ્રદાન) માટે પ્રયોજાય છે. ‘कस्मै’ વૈદિક સંસ્કૃતમાં સર્વનામની માફક નામને પણ લાગુ પડાયું છે. આથી ‘क’ किमનું રૂપ નથી. क – એટલે પ્રજાપતિ અર્થ અહીં અભિપ્રેત છે.

દશરથલાલ ગૌ. વેદિયા