હિમાલયન્ત (1976) : કોંકણી સાહિત્યકાર રવીન્દ્ર કેલકર (જ. 1925, ગોવા) રચિત કૃતિ. તેમની આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1977ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેઓ નામી નિબંધકાર અને ગદ્યલેખક છે. રામ મનોહર લોહિયાનાં પ્રેરણા-પ્રોત્સાહનથી તેઓ 1946માં ગોવાના મુક્ત આંદોલનમાં જોડાયા અને શિક્ષણ અધૂરું છોડવું પડ્યું. 3 વર્ષ સુધી તેમણે આંદોલનમાં ભાગ લીધો અને સશસ્ત્ર ક્રાંતિકારી બની રહ્યા. પછી ગાંધીપ્રેરિત સત્યાગ્રહ સમજવા તેઓ વર્ધામાં 5 વર્ષ રહ્યા. વર્ધાથી તેમણે 3 વર્ષ સુધી કોંકણી ભાષામાં ‘મિર્ગ’ અને મુંબઈથી ‘ગોમાંત ભારતી’ નામનું સાપ્તાહિક પ્રગટ કર્યું અને ગાંધીજીવનદર્શનનો પ્રચાર કર્યો.
પુરસ્કૃત કૃતિ અનેક દૃષ્ટિએ પ્રસ્થાનરૂપ કૃતિ છે. લેખકે હિમાલય (ઉત્તરખંડ) વિસ્તારમાં 1956માં ખેડેલા પગપાળા પ્રવાસની કથા છે, તેમાં જમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથના વિસ્તાર આવરી લેવાયા છે; 600 માઈલના પ્રવાસ માટે 2 મહિનાનો સમયગાળો વીત્યો છે.
તેમને નાનપણથી જ હિમાલયનું દર્શન કરવાની તીવ્ર ઝંખના હતી. એટલે તેઓ મુખ્યત્વે વણખેડાયેલા પ્રદેશો જોવા નીકળી પડે છે અને યમુના, ગંગા, મંદાકિની અને અલકનંદાનાં મૂળ સુધી પહોંચી જાય છે.
આ પ્રવાસકથામાં તેમનું વ્યક્તિત્વ પ્રતિબિંબિત થાય છે. તેઓ એક ચિંતક છે અને ગાંધી-વિચારધારાને બરાબર પચાવી છે. પ્રવાસ દરમિયાન તેઓ પ્રકૃતિવર્ણન ઉપરાંત આત્મચિંતન પણ કરી લે છે. તેઓ કવિસહજ સંવેદનશીલતા પણ ધરાવે છે અને પુરસ્કૃત કૃતિમાં તેની ઠેર ઠેર પ્રતીતિ થતી રહે છે.
મહેશ ચોકસી