હિમાલયનો પ્રવાસ (1924) : કાકાસાહેબ કાલેલકર(દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર – 1885–1981)નો વિખ્યાત પ્રવાસગ્રંથ. હિમાલયનો આ પ્રવાસ લેખકે ઈ. સ. 1912માં કર્યો હતો. તેમના સહપ્રવાસી હતા સ્વામી આનંદ (1887–1976) અને બીજા મિત્ર અનંત બુવા મરઢેકર. આ પ્રવાસનું વર્ણન 1924માં પુસ્તક રૂપે પ્રગટ થયું. તે પહેલાં સાબરમતી આશ્રમના એક હસ્તલિખિત સામયિકમાં લેખમાળા રૂપે લખાયું હતું. મરાઠીભાષી કાકાસાહેબે આ પ્રવાસવૃત્ત ગુજરાતીમાં લખ્યું, જ્યારે એમના સહપ્રવાસી ગુજરાતીભાષી સ્વામી આનંદે પ્રવાસ પછીનાં તરતનાં વર્ષોમાં વડોદરાથી પ્રગટ થતા એક (મરાઠી) માસિકમાં મરાઠીમાં લખ્યું હતું ! ગુજરાતીમાં તો સ્વામીએ મરાઠીમાં લખેલું એ જ પ્રવાસનું વર્ણન ‘હિમાલયનાં તીર્થસ્થાનો’ નામથી અનુવાદ રૂપે છેક 1984માં મળે છે.

કાકાસાહેબના આ પ્રવાસવર્ણનની શરૂઆતનાં પ્રકરણોમાં પ્રયાગ, વારાણસી, ગયા, બોધિગયા, બેલૂર મઠ, અયોધ્યા અને પછી અલમોડા આદિનું વર્ણન છે. અલમોડાથી હરદ્વાર અને પછી ત્યાંથી રીતસરની પગપાળા હિમાલય યાત્રા શરૂ થાય છે. આમ તો જમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથ – એ ચાર ધામની યાત્રા આ પ્રવાસનાં મુખ્ય કેન્દ્રો છે; પણ આ સમગ્ર યાત્રાના માર્ગમાં આવતાં અનેક સ્થળોનાં અને થયેલા વિવિધ અનુભવોનાં વર્ણન આ પુસ્તકમાં છે.

‘હિમાલયનો પ્રવાસ’માં આમ આ યાત્રાસ્થળોનાં વર્ણન ભલે છે, પણ વિશેષે તો એ એના લેખકની આંતરયાત્રાનું પણ વૃત્તાંત છે. એટલે એક પ્રવાસી તરીકે એ વખતની એના લેખકની માનસિકતા સમજવી પડે. એ વિશે ફોડ પાડીને લેખકે લખ્યું નથી, પણ હિમાલય તરફનો આ પ્રવાસ એ ગૃહસ્થાશ્રમી થઈ ગયેલા બે સંતાનોના પિતા દત્તાત્રેય કાલેલકરના સંસારત્યાગ કરવાના સંકલ્પને અમલમાં મૂકવાની દિશામાંના એક ઉપક્રમ રૂપે હતો. એ સમય લેખકના જીવનની દિશા નક્કી કરવાના આત્મમંથનનો હતો. કૉલેજકાળમાં નાસ્તિક બનેલા યુવાન કાલેલકર સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ આદિના પ્રભાવે હિંદુ ધર્મમાં દૃઢ આસ્થાવાન બન્યા છે, તો ટિળક મહારાજનાં સ્વરાજ માટેના આહવાનથી અને પછી બંગભંગના આંદોલનના પ્રભાવથી એમના પર રાષ્ટ્રીયતાનો રંગ પણ ચઢેલો છે. એ સમયે હજી ગાંધીજીનું ભારતમાં આગમન થયું નહોતું, પણ 1911માં વડોદરામાં ગંગનાથ વિદ્યાલયમાં રાષ્ટ્રીય શિક્ષણની પ્રવૃત્તિ રૂપે આચાર્ય તરીકે કામ કર્યું હતું.

સંસારત્યાગ કરી હિમાલય જતાં પહેલાં પિતૃઋણમાંથી મુક્ત થવા, ગયા જઈ પિતૃશ્રાદ્ધ કરવું હતું અને સ્વામી વિવેકાનંદના બેલૂર મઠનાં દર્શન પણ કરવાં હતાં. દેખીતી રીતે કાશીયાત્રાને બહાને હિમાલય-યાત્રાએ નીકળ્યા હતા. 40 દિવસની આ સમગ્ર યાત્રા દરમિયાન કાકાસાહેબનું જે આંતરદ્વન્દ્વ અને મનોમંથન ચાલે છે, તે પ્રવાસસ્થળોનાં વર્ણન સાથે આલેખાતું જાય છે. આમ છતાં આશ્ચર્યની વાત એ છે કે આ ભ્રમણવૃત્તમાં કાકાસાહેબે ક્યાંય પોતાની ઘરગૃહસ્થીનો ઉલ્લેખ સરખો કર્યો નથી (સંન્યાસી જેમ પૂર્વાશ્રમની વાત ન કરે તેમ).

આ પ્રવાસવૃત્ત વિશે બીજી એક વાત યાદ રાખવા જેવી એ છે કે 1912ના પ્રવાસ પછી ઠીક ઠીક સમયગાળો (સાત વર્ષનો) વીત્યા પછી એ 1919માં લખાવો શરૂ થાય છે અને જ્યારે એ લખાય છે ત્યારે 1914થી 15માં કાકાસાહેબ શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથના અંતેવાસી થઈ અને પછી ગાંધીજીના અંતેવાસી બની અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં આવી ગયા છે. પ્રવાસ જે માનસિકતામાં થયો અને તેનું વર્ણન લખવા સુધીમાં લેખકના શબ્દોમાં કહીએ તો તેમના ‘જીવનરસનાં બદલાતાં વલણો’થી જે માનસિકતા ઘડાઈ છે, તેમાં ફેર પડ્યો હોય. એટલે લેખકના આસ્તિક હિન્દુ તરીકેના વિચારો, ભારતીય સંસ્કૃતિ કે રાષ્ટ્રીયતા વિશેનું ચિંતન પ્રવાસના જે તે સ્થળકાલમાં ઉદભૂત ભલે હોય, પણ તે ગાંધીવિચારથી સમધારણ (moderate) થયું લાગે. વળી કાકાસાહેબ કહે છે કે આ ‘પ્રેમચિત્રો’ છે, જેમાં ‘ઇંદ્રિયોનો રંગ નથી હોતો; પરંતુ હૃદયનો રંગ હોય છે, આદર્શ ભાવનાઓનો રંગ હોય છે.’ આવી સ્થિતિથી પ્રવાસલેખકની કલ્પનાને છૂટો દોર મળે છે, એ જ રીતે ચિંતનને.

પુસ્તકનાં કુલ 45 પ્રકરણોમાં હરદ્વારથી શરૂ થતી ચાર ધામની પગપાળા યાત્રાનાં પ્રકરણો માત્ર અડધાથી એકાદ-બે વધારે છે; પરંતુ પ્રયાગ, વારાણસી, ગયા, અયોધ્યા જેવાં હિંદુ ધર્મનાં પ્રસિદ્ધ તીર્થધામોની તેમની સમગ્રતયા શ્રદ્ધા-સમન્વિત જાત્રાનો પૂર્વ રંગ છે, જે પછી હિમાલયનાં તીર્થધામોના વર્ણનમાં પરિપક્વ ભક્તિરસમાં પરિણત થાય છે. જોકે આ ગ્રંથમાં જે શિરોમણિરૂપ પ્રકરણ છે તે 10મું – ‘નગાધિરાજ’ છે, જે માત્ર કાકાસાહેબની લેખનશૈલીની જ નહિ, ગુજરાતી ભાષાની અભિવ્યક્તિક્ષમતાની પણ ઊંચાઈ છે. એ પ્રકરણમાં કાકાસાહેબે હિંદુ, બલકે ભારતીય સંસ્કૃતિમાં હિમાલયનું જે સ્થાન છે, તે ભવ્ય-ઉદાત્ત શૈલીમાં પ્રસ્તુત કર્યું છે. તો એવી રીતે જ્યારે ‘ગંગાદ્વાર’(હરદ્વાર)ના વર્ણનમાં દીપદાનનું વર્ણન કરે છે, ત્યારે માત્ર ગદ્યકાવ્ય નથી રચતા, ‘ભારતની સંસ્કૃતિ’ની પણ એક રીતે વ્યાખ્યા કરે છે.

હિમાલયનો પ્રવાસ કાકાસાહેબની અંતર્યાત્રા સાથે ભારતીય સંસ્કૃતિની પણ યાત્રા છે. તેમાં ‘હિન્દુ’ કહેવાથી ઘણુંબધું આવી જાય છે, તેમ છતાં કોઈ પ્રકારની સંકુચિતતાનો તેમાં ભાવ નથી. ઠેર ઠેર એમનાં હિંદુ ધર્મ વિશેનાં નિરીક્ષણો વેરાયેલાં છે, જે સનાતન ભારતીય ધર્મપરંપરાની અને દર્શનોની વ્યાખ્યારૂપ છે. એટલે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી યોગ્ય રીતે તેમને ‘સંસ્કૃતિના પરિવ્રાજક’ કહે છે અને ગૌરીપ્રસાદ ચુ. ઝાલાએ લખ્યું છે – ‘કાકાસાહેબનો સંસ્કૃત સાહિત્ય, વૈદિક સંહિતા, ઉપનિષદો, રામાયણ, મહાભારત, પુરાણો, મનુસ્મૃતિ, કાવ્યો, નાટકો, સ્તોત્રો વગેરેનો પરિચય વિશાળ ફલકવાળો છે….. જે કલ્પવૃક્ષની જેમ ફળતો રહે છે.’ એ સાથે મધ્યકાલીન સંતોની વાણી, અહીં વિશેષે મરાઠી સંતોની વાણી માત્ર કાકાસાહેબની જ નહિ, ત્રણેય યાત્રીઓની ભક્તિભાવનાનો સાક્ષાત્કાર કરાવે છે. વળી અંગ્રેજો કે અંગ્રેજી સંસ્કૃતિની ટીકા કરવાનો અવસર ન છોડવામાં પણ તેમની આ માનસિકતા જોઈ શકાય. એ ટીકા પુણ્યપ્રકોપનું રૂપ ધારણ કરે ત્યારે તેની ઉગ્રતા કેવી હોય તે તો અલમોડા પાસેના મુક્તેસરમાંના જંતુશાસ્ત્રનું ખાતું (જ્યાં યુરોપિયન લશ્કરના ઘોડાઓના ઉપચાર માટે બળદોનું લોહી ખેંચી રસી તૈયાર કરવામાં આવતી) અને ત્યાં થતા ગોવધને જોઈ ત્યાં સંકટની સૂચના માટે ટિંગાડેલો ઘંટ જોઈ કહે છે –  ‘મને થયું કે આ બુરજ પર ચઢી પેલો ઘંટ વગાડી બાવીસ કરોડ (એ વખતની જનવસ્તી પ્રમાણે) હિંદુઓને અહીંયાં ભેગા કરું ! અને તેઓ ન સાંભળે તો હિમાલયમાં અદૃશ્ય રૂપે વિચરનાર તેત્રીસ કરોડ દેવોને ગૌમાતાનો આર્તનાદ સંભળાવું.’

‘હિમાલયના પ્રવાસ’માં કાકાસાહેબની ધર્મસંવેદનાની સાથે એમની સૌંદર્યચેતનાનો પ્રબળ યોગ રચાયો છે. ભવ્ય અને લલિત ચિત્રાવલી એમની કલમે આલેખાઈ છે. પહાડો, સરોવરો, નદીઓ, જંગલો તો ખરાં; સવાર, સંધ્યા, રાત્રી અને એ સાથે તારાખચિત આકાશ આદિની પ્રાકૃતિક સુષમાનું વર્ણન અહીં છે.

આ ભ્રમણવૃત્તમાં જેમ પ્રાકૃતિક સૌંદર્ય વેરાયેલું છે તેમ એ અનેક વ્યક્તિઓનાં નાનાં મોટાં રેખાચિત્રોથી સભર છે. સહપ્રવાસી સ્વામી આનંદ કાકાસાહેબને પ્રવાસ દરમિયાન પહેલાં અલમોડામાં મળે છે, ત્યાંથી યાત્રાના અંત સુધી, અનંત બુવા તો પહેલેથી જ સાથે છે. આ ત્રિપુટીનો યોગ ‘હિમાલયના પ્રવાસ’માં અનેક રીતે ફળ્યો છે. સોમવાર ગિરિના શબ્દોમાં એ ‘બ્રહ્માવિષ્ણુમહેશ’ છે. રામદાસી સંપ્રદાયના ભક્તિચેતાની અશ્રુલિપ્ત ભાવાળુતા અયોધ્યાના યાત્રા-પ્રસંગે આલેખાઈ છે. કાકાસાહેબ લખે છે કે ‘એમની ભક્તિનું દર્શન કરી હું પણ ધન્ય થયો.’ આ ત્રણેય પ્રવાસીઓ સુહૃદો છે. પ્રવાસનું લક્ષ્ય એક છે, પણ ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ આ વર્ણનમાં છતાં થયાં છે. પ્રવાસારંભે જ રાજયોગી ખાખી બાવા અને તેમનાથી સાવ વિપરીત ગુણો ધરાવતા સોમવારગિરિ જેવા સાધુસંતોનાં રેખાંકનો વીસરાય એવાં નથી, બીજાં પણ ઘણાં સાધુજમાતનાં ચિત્રો છે, જેમાં પોતાનું સર્વસ્વ ખોવાયાનું કહી રોતો ઢોંગી સાધુ પણ છે ! એકંદરે સંન્યાસી કે સાધુઓની વાત ભાવપૂર્વક કહેવાઈ છે. માર્ગે મળતા પ્રવાસીઓનાં ચિત્રો તો હોય. જમાતમાં બેસી યાત્રા કરતો બે બૈરીનો ધણી અને કુલી તરીકે સાથે લીધેલા કૈરાસિંગ અને બાદરુ પણ અહીં સમભાવથી આલેખાયા છે. આમ પ્રવાસી કાકાસાહેબની માનવજગત સાથેની નિસબત વાચકો પામી શકે છે. બદરીનારાયણના દર્શન-પ્રસંગે તો ભક્તિવિહવળ જાત્રિકોનું સમૂહચિત્રણ છે. આ બધામાં જે એક વ્યક્તિત્વની ગાઢ રેખાઓ અંકાઈ છે, તે તો સ્વયં કાકાસાહેબની જાણે આત્મચિત્રણા. યાત્રા દરમિયાન તેમનું મનોમંથન ચાલતું રહ્યું છે, જેમાં વાચકને સહભાગી બનાવાય છે. ઉમાશંકર કહે છે તેમ, માત્ર સહેલગાહ કરવા આ (અને અન્ય) કાકાસાહેબના પ્રવાસો નથી, પણ જીવનને જાણવા અને માણવા માટે છે. એથી અહીં સતત આત્મપરીક્ષણ ચાલે છે. વળી એક સ્થળે જેમ એ કહે છે કે ‘પ્રવાસી વાતૂડિયો તો હોય જ’ – એ વિધાન એમને પોતાને બહુ લાગુ પડે છે. પરિણામે એમના જ શબ્દોમાં, ‘પ્રવાસી સ્થાનાંતર કરે છે તેમ, પોતાથી વિષયાંતર’ પણ કરે છે, જેનો ભ્રમણકથા સાથે ખાસ સંબંધ ન પણ હોય. આરંભમાં જ વાચકોને એનો પરચો મળી જાય છે. જ્યારે કાઠગોદામની ગાડી ચૂકી જાય છે અને હલદ્વાનીની ધર્મશાળામાં રાત ગાળવી પડે છે, ત્યારે બે પાનાં જેટલી જગ્યા ધર્મશાળાને મળે છે.

પરંતુ આ લેખકની સૌથી મોટી બક્ષિસ તો એમની નર્મમર્મવૃત્તિ છે. કાકાસાહેબની વિનોદવૃત્તિ અને હાસ્યકટાક્ષ વ્યંગસભર શૈલીને કારણે ‘હિમાલયના પ્રવાસ’ની રસાવહતા એના પ્રકાશનને આઠ દાયકા વીત્યા પછી પણ જળવાયેલી છે.

‘હિમાલયનો પ્રવાસ’ એક સર્જનાત્મક ભ્રમણવૃત્ત બને છે. ઈ. સ. 1912 પછી તો જે સ્થળોની યાત્રા કરી છે, તે સ્થળો તો ત્યાં છે, પણ ઘણુંબધું બદલાયું છે. પગપાળા યાત્રા તો ભાગ્યે જ કોઈ ભાવિકો કરતા હશે. હિમાલયનો પ્રવાસ કરનારને આ ભ્રમણવૃત્ત ભોમિયા તરીકે તો ભાગ્યે જ ખપ લાગે. સ્થળોના પરિચય પણ ઝાંખાપાંખા છે અને છતાં એની આત્મનેપદી નિરૂપણરીતિ અને સંસ્કૃતગર્ભ છતાં પ્રાસાદિક શૈલી આ ગ્રંથને ગુજરાતી ભાષાની સર્જક કૃતિ તરીકે સ્થાપે છે. કાકાસાહેબના સમકાલીનો જ નહિ, એમના પછીની પહેલી કે બીજી પેઢીના સાહિત્યસર્જકો સુધ્ધાં એમની સૌંદર્યદૃષ્ટિ અને એમની કાવ્યમય શૈલીના ગુણમુગ્ધ રહ્યા છે. ઉમાશંકરે લખ્યું છે  ‘કાકાસાહેબની કવિતા, કાકાસાહેબનું ગદ્ય અનેક સ્થળે એટલું કાવ્યોપમ હોય છે કે કાકાસાહેબનાં ગદ્યકાવ્યોનાં પદ્યરૂપાંતર કરવામાં આવે તો એટલી જ સફળતા મળવા સંભવ છે.’ સુરેશ જોષી જેવા ‘આધુનિક’ લખે છે કે કાકાસાહેબ ‘चरन्वै मधु विन्दति’ સંપ્રદાયના યાત્રી છે. એમની આ યાત્રાએ જ આપણને મોટા ભાગનું અલંકારમધુ સંપડાવ્યું છે. કાકાસાહેબના મુખ્ય અલંકારો ઉપમા અને ઉત્પ્રેક્ષા છે. રામપ્રસાદ બક્ષી અને ગૌરીપ્રસાદ ઝાલા જેવા પ્રશિષ્ટ સંસ્કૃતસાહિત્યના મર્મજ્ઞો કાકાસાહેબની સંસ્કૃતગર્ભ શૈલીની પ્રશંસા કરે છે. રામપ્રસાદ બક્ષી ‘જીવનકવિ’ કહી લખે છે – ‘સંસ્કૃતભાષાના અર્થસૌરભથી મહેકતાં શબ્દકુસુમોની કાકાસાહેબને સહજત્વરિત ઉપસ્થિતિ થાય છે.’

મરાઠીભાષી કાકાસાહેબે પહેલો ગુજરાતી લેખ રવીન્દ્રનાથ વિશે 1920માં લખ્યો હતો, પણ પછી ગુજરાતી ભાષાને એવી કેળવી કે બ. ક. ઠાકોર જેવા એમને ગુજરાતના દશ સમર્થ ગદ્યસ્વામીઓમાંના એક તરીકે ગણાવે છે. ‘હિમાલયનો પ્રવાસ’માં એમના ગદ્યલાલિત્ય અને ગદ્યસામર્થ્યનો પરિચય થાય છે. એમાં પ્રસંગગર્ભત્વ (allusions) એટલું બધું છે કે એમની બહુજ્ઞતા નગીનદાસ પારેખે છઠ્ઠી (અને પરવર્તી) આવૃત્તિઓ સાથે જોડેલ ટિપ્પણથી સમજાય.

ગુજરાતી ભાષાના ઉત્તમ ગ્રંથોમાં ‘હિમાલયનો પ્રવાસ’નું સ્થાન નિર્વિવાદ છે.

ભોળાભાઈ પટેલ