હિપોક્રૅટસ (ઇતિહાસ) (જ. ઈ. પૂ. 460, કોસ ટાપુ, ગ્રીસ; અ. ઈ. પૂ. 377, લેરીસા, થેસાલી) : પ્રાચીન કાળનો ગ્રીક ફિઝિશિયન (વૈદ, દાક્તર) અને આધુનિક વૈદકશાસ્ત્રનો પિતા. ડૉક્ટરોએ લેવાના જાણીતા સોગંદ સાથે તેમનું નામ જોડાયેલું છે. તેમના જીવન વિશેની ઘણી અલ્પ માહિતી મળે છે. ઇફેસસના સોરેનસે ઈસુની ત્રીજી સદીમાં તેનું જીવનચરિત્ર લખ્યું છે. તેથી તેમને કેટલું પ્રમાણભૂત લેખી શકાય ? તેમણે આપેલી મોટા ભાગની માહિતી કાલ્પનિક મનાય છે. તેમના મૃત્યુ પછી, ઘણા લાંબા સમય બાદ પ્રાચીન વૈદકશાસ્ત્રમાં તેઓ સૌથી પ્રખ્યાત બન્યા. આશરે ઈ. પૂ. 200માં લાઇબ્રેરી ઑવ્ ઍલેક્ઝાન્ડ્રિયાના સંગ્રહમાં વૈદકશાસ્ત્રના લગભગ 80 અનામી ગ્રંથો મળી આવ્યા પછી તે પ્રખ્યાત થયા. તે લખાણો હિપોક્રૅટસના નામ સાથે જોડાયાં અને વિદ્વાનો તેને હિપોક્રૅટસનાં લખાણોનો સંગ્રહ માનવા લાગ્યા. તેમ છતાં તેમાંનો એક પણ ગ્રંથ હિપોક્રૅટસનો લખેલો પુરવાર કરી શકાયો નથી. ઈ. સ. 100થી 200 દરમિયાન થઈ ગયેલા એક મહાન ડૉક્ટર ગેલન(Galen)નાં લખાણોમાંથી હિપોક્રૅટસને આ પ્રતિષ્ઠા મળી. ગેલન માનતા હતા કે હિપોક્રૅટસનું જીવન વૈદકશાસ્ત્રમાં નૈતિક હતું. તેમની દવાઓએ અનેક ડૉક્ટરોની જાદુ અને મેલી વિદ્યાથી સારવાર કરવાની પદ્ધતિઓને પડકારી.

હિપોક્રૅટસ

હિપોક્રૅટસના જીવન વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. તેમનો જન્મ, વૈદકશાસ્ત્રની પ્રૅક્ટિસ અને મૃત્યુ અંગેની બધી વાતો દંતકથાઓ જેવી છે, તેનો કોઈ પુરાવો નથી.

જયકુમાર ર. શુક્લ