હિપોક્રૅટસની પ્રતિજ્ઞા

February, 2009

હિપોક્રૅટસની પ્રતિજ્ઞા : આધુનિક ચિકિત્સાવિદ્યા(આયુર્વિજ્ઞાન)ના વ્યાવસાયિકોએ નૈતિકતા અંગે લેવાની પ્રતિજ્ઞા. ઈ. પૂ.ના 4થા સૈકામાં આયુર્વિજ્ઞાનના પિતા ગણાતા હિપોક્રૅટસે તે લખી છે એવું મનાય છે. તેનો તેમના અક્ષરદેહ(corpus)માં સમાવેશ કરાયેલો છે. લુડ્વિગે આ પ્રતિજ્ઞાનું લખાણ પાયથાગોરસના સિદ્ધાંતમત(theory)માં માનનારાઓએ કર્યું છે એવું દર્શાવ્યું છે, પણ બહુમત તેને સ્વીકારતો નથી. હાલ તેનું ઐતિહાસિક મૂલ્ય છે અને આધુનિક આયુર્વિજ્ઞાનીય વ્યવસાયમાં વધુ આધુનિક પ્રતિજ્ઞાઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મૂળ ગ્રીક પ્રતિજ્ઞા અને તેનું અંગ્રેજી ભાષાંતર ઉપલબ્ધ છે (આકૃતિ 1). તેના આધારે તે પ્રતિજ્ઞાનું ગુજરાતીમાં ભાષાંતર કરી શકાયું છે.

ગુજરાતીમાં હિપોક્રૅટસની પ્રતિજ્ઞા : હું ઍપૉલો, ઍૅસ્ક્લેપિયસ, હાઇજિયા અને પૅનેસિયાના નામે અને બધાં જ દેવો અને દેવીઓની સાક્ષીએ સોગંદ લઉં છું કે મારી ક્ષમતા અને સમજવિવેક (judgment) પ્રમાણે આ પ્રતિજ્ઞા પાળીશ.

જેમણે મને આ વિદ્યા શીખવી છે તેમને મારાં માતા-પિતાની જેમ જ પ્રેમ કરીશ, તેમની સાથે રહીશ અને જો જરૂર હશે તો મારી વસ્તુઓ હું તેમની સાથે વહેંચીશ, તેમની સંતતિને મારી સંતતિ ગણીશ અને તેમને આ વિદ્યા શીખવીશ.

હું મારી આવડત અને સમજણ પ્રમાણે મારા દર્દીઓના ભલા માટે સારવાર સૂચવીશ અને કદી પણ કોઈને હાનિ નહિ પહોંચાડું.

માગવામાં આવે તે છતાં હું કોઈને ઘાતક દવા આપીશ નહિ કે તેવી પદ્ધતિની સલાહ આપીશ નહિ અને તેવી જ રીતે હું કોઈ સ્ત્રીને ગર્ભપાત માટે યોનિમાં મૂકવાની વસ્તુ પણ આપીશ નહિ.

હું મારી વિદ્યા અને મારા જીવનને પવિત્ર જ રાખીશ. દર્દીમાં તકલીફ કરતી હોય તેવી પથરી માટે હું શસ્ત્રક્રિયા કરીશ નહિ, પણ તે કરવાનું કામ તેના વિશેષજ્ઞ વ્યાવસાયિકો પર છોડી દઈશ.

દર્દીના દરેક ઘરે ફક્ત તેના ભલા માટે પ્રવેશીશ અને ત્યાંના મુક્ત કે ગુલામ સ્ત્રી કે પુરુષ સાથેના દુર્વ્યવહારથી કે રતિક્રિયાથી મારી જાતને દૂર રાખીશ.

મારા વ્યવસાયમાં કે અન્ય રીતે કોઈ માણસની કોઈ વાત કે જે પ્રસિદ્ધ ન થવી જોઈએ તે મારી જાણમાં આવશે તો હું તેને ગોપનીય રાખીશ અને કોઈ રીતે દર્શાવીશ નહિ.

હિપોક્રૅટસની પ્રતિજ્ઞા

જો હું આ પ્રતિજ્ઞા શ્રદ્ધાપૂર્વક પાળું તો મારા જીવન અને મારા વ્યાવસાયિક કાર્યમાં તથા મારી કળામાં હું બધા માણસોનું સદૈવ સન્માન મેળવું અને જો હું તેમ ન કરું કે તેનું ઉલ્લંઘન કરું તો તેનાથી વિપરીત મને હો.

આધુનિક સંદર્ભ : હાલના સમયમાં તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે; જેમ કે, પોતાના શિક્ષકની સંતતિને શીખવવું, મૂત્રપિંડની પથરીની શસ્ત્રક્રિયા ન કરવી, ગર્ભપાત ન કરાવવો વગેરે બાબતોમાં ફેરફાર આવી ગયો છે. વળી જીવન અને તેની રીતિઓ વધુ સંકુલ થઈ છે, તેથી અન્ય વિવિધ જાહેરાતો અને અભિલેખો પણ થયાં છે; જેમ કે, હેલ્સિન્કી જાહેરાત, જિનીવા કન્વેન્શન, મેડિકલ એથિક્સ, ન્યુરેમ્બર્ગ કૉડ, નાઇટિન્ગેલ પ્લેજ, જે વ્યાવસાયિક નૈતિકતાને સાચવે છે.

શિલીન નં. શુક્લ