હિપોક્રૅટસ (આયુર્વિજ્ઞાન) (જ. ઈ. પૂ. 460, કોસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 370, લૅરિસા, ગ્રીસ) : આયુર્વિજ્ઞાનના ઇતિહાસમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવનાર પ્રાચીન ગ્રીક તબીબ. તેમની પિતૃવંશાવલિ પ્રમાણે તેઓ ઍસ્ક્લોપિયસના વંશજ હતા અને માતૃપક્ષે તેમના પૂર્વજ હેરેક્લિસ હતા. તેઓ પેરિક્લિસના યુગના તબીબ હતા. તેમને ‘આયુર્વિજ્ઞાનીય ચિકિત્સા(medicine)ના પિતા’ માનવામાં આવે છે. આયુર્વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમણે કરેલા પ્રદાન તથા તેમની બૌદ્ધિકતા આધારિત ચિકિત્સાશૈલી(intellectual school of medicine)એ તત્કાલીન ગ્રીક ચિકિત્સાવિદ્યામાં આમૂલ પરિવર્તન આણ્યું. તેને કારણે ચિકિત્સાવિદ્યા તત્વજ્ઞાન અને ધાર્મિકતાથી અલગ એવા વ્યવસાય તરીકે વિકસી અને સ્વીકૃત થઈ.
હિપોક્રૅટસના વિચારો અને શૈલી પ્રમાણે વર્તનારા અનેક વિદ્વાનોનાં લખાણોએ હિપોક્રૅટસનાં વિચારો, લખાણ તથા કાર્યોમાં એટલું બધું સંમિશ્રણ કરી દીધું છે કે હાલ તેમને વિષે અધિકૃત માહિતીનો અભાવ વરતાઈ રહ્યો છે; તેમ છતાં તેમને આધુનિક ચિકિત્સાવિદ્યાના પ્રારંભક તરીકે સન્માન અપાઈ રહ્યું છે; કેમ કે તેમને નિદાન-ચિકિત્સીય પદ્ધતિ (clinical method) તથા હિપોક્રૅટસની પ્રતિજ્ઞા તથા અન્ય લખાણોકાર્યો દ્વારા તબીબી વ્યવસાય માટેનું યોગ્ય વ્યાવસાયિક કાર્ય (practice) સ્થાપવાનું શ્રેય આપવામાં આવે છે.
જીવનવૃત્તાંત : ઇતિહાસવિદો તેમના જન્મવર્ષ (ઈ. પૂ. 460) અને જન્મસ્થળ (કોસ) અંગે સહમત છે. તેઓ સ્વીકારે છે કે તે એક તબીબ અને તબીબી શિક્ષક હતા. તેમના જીવન વિષેની અન્ય બાબતો ખોટી પણ હોઈ શકે. ઈ. સ.ની બીજી સદીના ગ્રીક સ્ત્રીરોગવિદ ઇફેસસના સોરાનસ દ્વારા તેમનું જીવનવૃત્તાંત (biography) લખાયેલું છે. તે તેમના પ્રથમ જીવનવૃત્તાંતકાર (biographer) મનાય છે. હિપોક્રૅટસ વિષે ઈ. પૂ. 4થી સદીમાં એરિસ્ટોટલે, ઈ. સ.ની 10મી સદીમાં સુદાએ તથા ઈ. સ.ની 12મી સદીના જ્હોન ત્ઝેત્ઝેસે તેમના ઉલ્લેખો કરેલા છે. સોરાનસે લખ્યું છે કે તેમના પિતાનું નામ હેરેક્લાઇડસ હતું અને માતાનું નામ પ્રૅક્સિટેલા હતું. તેમના પુત્રોનાં નામ હતાં થૅસૅલસ અને ડ્રૅકો, જેમને પણ હિપોક્રૅટસ નામના પુત્રો હતા. તેમના જમાઈનું નામ પૉલિબસ હતું. તેમના પુત્રો અને જમાઈ તેમના શિષ્યો હતા. ગેલનના મતે પૉલિબસ તેમનો ખરો વારસદાર હતો. સોરાનસના મતે તેમણે તેમના પિતા અને દાદા પાસે ચિકિત્સાવિદ્યા શીખી હતી. તેઓ અન્ય વિષયો ડેમોક્રિટસ અને ગોર્જિયાસ પાસેથી શીખ્યા હતા. પ્લેટોએ પણ તેમના પ્રોટાગોરસ અંગેના સંવાદોમાં હિપોક્રૅટસનો નામોલ્લેખ કર્યો છે. હિપોક્રૅટસે સેલિમ્બ્રિયાના હેરોડિક્સ પાસેથી પણ તબીબી વિદ્યા શીખી હતી. તેમણે જીવનભર ચિકિત્સાવિદ્યાનો વ્યાવસાયિક ઉપયોગ કર્યો હતો. તેઓ જીવનભર તે શીખવતા રહ્યા હતા અને તે માટે તેમણે થેસેલી, થ્રૅન્સ અને માર્મરાના દરિયા સુધી મુસાફરી કરી હતી. તેમના મૃત્યુ અંગે વિવિધ વૃત્તાંતો ઉપલબ્ધ છે; પરંતુ તેઓ 83થી 90 વર્ષની વયે (કેટલાકને મતે 110 વર્ષે) ગ્રીસના લૅરિસામાં મૃત્યુ પામ્યા હતા.
હિપોક્રૅટસ અને હિપોક્રૅટસ ચિકિત્સાવિદ્યા : 1. 19મી સદીની કોતરણીને આધારે હિપોક્રૅટસનું પરંપરાગત ચિત્ર, 2. પિટર પૉલ રુબિન્સની 1936ની કોતરણી, 3. હિપોક્રૅટસનું પરંપરાગત પૂતળું, 4. હિપોક્રૅટસે વર્ણવેલો હૃદયના રોગમાં જોવા મળતો દિવાસળીના આકારની આંગળીનો દંડાગુલિવિકાર (clubbing of fingers), (5) હિપોક્રૅટસની ચિકિત્સાવિદ્યામાં ઉપયોગમાં લેવાતા પુરાતન ગ્રીક શસ્ત્રક્રિયાનાં સાધનો
હિપોક્રૅટિક સિદ્ધાંતમત (theory) : અંધવિશ્વાસ, દંતકથાઓ અને દૈવીકોપથી રોગ થાય છે તેવી માન્યતાઓનું ચિકિત્સાવિદ્યામાં સ્થાન નથી તેવું માનનારા તેઓ પ્રથમ તબીબ હતા. પાયથાગોરાસના શિષ્યોએ તેમને ધર્મ અને તત્વજ્ઞાનથી ચિકિત્સાવિદ્યાને અલગ તારવનારા વિદ્વાન તરીકે વર્ણવ્યા છે. તેમના મતે રોગ દૈવીકોપ કે દૈવી શિક્ષા નથી. રોગમાં ખોરાક, ટેવો તથા વાતાવરણીય પરિબળો ભાગ ભજવે છે. હિપોક્રૅટિક અક્ષરદેહ(corpus)માં ક્યાંય પણ સંદિગ્ધ (mystic) રોગોનો ઉલ્લેખ નથી. જોકે શરીરરચના (anatomy) અને દેહધર્મવિદ્યા (physiology) અંગે તેમની કેટલીક ખોટી માન્યતાઓ પણ હતી. તેઓ માનતા કે શરીરમાંના 4 દેહરસો(humours)માં અસંતુલન થાય ત્યારે રોગ થાય છે. આને દેહરસવાદ (humourism) કહે છે. તેમના એ 4 દેહરસો હતા – રુધિર, શ્યામપિત્ત, પીતપિત્ત અને કફ (phlegm). તેથી તેઓ કફપ્રધાન વિકારમાં જમ્ભીરફળો (citrus fruits) જેવાં કે લીંબું, મોસંબી, સંતરાનો ઉપયોગ કરતા. તેમની એક બીજી ખોટી માન્યતા હતી કે રોગના કુદરતી વિકાસમાં ક્યારેક જીવનને જોખમી સંકટ (crisis) ઉદભવે છે. જે કોઈ ચોક્કસ કાલક્રમિકા(calendar)ને અનુસરે છે. ગેલનના મતે આ કદાચ હિપોક્રૅટસ કરતાં પણ પહેલેથી ચાલી આવતી માન્યતા હોઈ શકે.
હિપોક્રૅટસના મતે શરીરમાં જ રોગમુક્તિ માટેની ક્ષમતા છે; માટે તેમની સારવાર અસક્રિય (passive) અને નિર્દોષ (humble) હતી. તેઓ કુદરતી પરિબળોને સરળતાથી કાર્ય કરી શકે તેવી સહાયક સારવાર સૂચવતા; જેમ કે ઈજા પછી અંગને ખેંચીને રાખવાથી (કર્ષણ, traction) પેશી પરનું દબાણ ઘટે છે અને તૂટેલાં હાડકાં સંધાઈ જાય છે.
હિપોક્રૅટસની ચિકિત્સાવિદ્યામાં રોગના અંત વિષે પૂર્વાનુમાન (prognosis) કરવા અંગે ખાસ ભાર મુકાયેલો છે. તે માટે તેવા અન્ય દર્દીઓના વૃત્તાંતમાંથી માહિતી ભેગી કરીને તેનો ઉપયોગ કરાતો. આ પદ્ધતિમાં વિવિધ ઉપકરણો અને સાધનોનો પણ ઉપયોગ થતો.
વ્યાવસાયિકતા (professionalism) : હિપોક્રૅટિક ચિકિત્સાવિદ્યામાં વ્યાવસાયિક અભિગમ, શિસ્ત અને કઠિન પરિશ્રમને મહત્વ અપાયું છે. હિપોક્રૅટિક લખાણોમાં દર્શાવાયું છે કે તબીબ હંમેશાં પ્રિયદર્શી (well-kempt), પ્રામાણિક, શાંત, સમાનુકંપી (understanding) અને ગંભીર હોવો જોઈએ. તે તેની વ્યાવસાયિક ક્રિયાઓના દરેક પાસામાં ચીવટ ધરાવતો હોવો જોઈએ; દા. ત., પ્રકાશ, કર્મચારીઓ, સાધનો, દર્દીને તપાસતી વખતે તેના બેસવા-સૂવાનો અંગવિન્યાસ, પાટાપિંડીની ક્રિયાકલા (technique), ઈજાગ્રસ્ત અંગને બહારથી સ્થિર સ્થિતિમાં સ્થાપિત કરવાની ક્રિયા વગેરે. આ પદ્ધતિમાં નિરીક્ષણ તથા નિદાન-ચિકિત્સાની નોંધને ઘણું મહત્વ અપાયું છે. હિપોક્રૅટસ પોતે પણ ઘણી તકલીફો(લક્ષણો, symptoms)ની નિયમિત નોંધ રાખતા – નાડીદર, તાવ, દુખાવો, હલનચલન, ઉત્સર્ગ વગેરેની. તે દર્દી ખરું કે ખોટું બોલે છે તે જાણવા, કહેવાય છે તેની નાડી પર હાથ રાખતા. તેઓ કૌટુંબિક માહિતી અને વાતાવરણનાં પરિબળોની પણ નોંધ લેતા.
ઉપર જણાવેલી વિવિધ માહિતી માટે હિપોક્રૅટિક અક્ષરદેહ(corpus hippocraticum)નો હવાલો અપાય છે. તેમાં આશરે 70 જેટલાં પ્રાચીન ગ્રીક લખાણો છે, જે હિપોક્રૅટસ કે તેમના વિદ્યાર્થીઓ અને તેમના મતમાં માનનારાઓ દ્વારા લખાયેલાં છે. આ લખાણોનું સંપાદન ઈસવીસનની ત્રીજી સદીમાં ઍલેક્ઝાન્ડ્રિયામાં થયું હતું. તેમાં પાઠ્યપુસ્તકો, વ્યાખ્યાનો, સંશોધન, નોંધ તથા તત્વજ્ઞાનયુક્ત નિબંધોનો સમાવેશ થાય છે. તે જુદા જુદા શ્રોતાવર્તુળોને ધ્યાનમાં રાખીને લખાયેલાં છે. હિપોક્રૅટિક પ્રતિજ્ઞા તેમાંનું એક લખાણ છે.
ચિકિત્સક : એક ચિકિત્સક તરીકે હિપોક્રૅટસ તથા તેમના અનુયાયીઓએ ચિકિત્સાવિદ્યામાં મહત્વનું પ્રદાન કર્યું છે. તેમણે વિવિધ રોગો અને વિકારો ઓળખી બતાવ્યા છે. ફેફસાંના રોગોમાં આંગળીઓના છેડા અને નખ પહોળા થઈને ‘ગદા’ જેવા બને છે તે તેમણે શોધી કાઢ્યું હતું. તેને ગદાંગુલિતા (clubbing of fingers) કહે છે. આવું ફેફસાંમાં પરુ થાય તેવા રોગો, તેનું કૅન્સર તથા હૃદયના નીલિમા (cyanosis) કરતા રોગોમાં જોવા મળે છે. તેમને ‘હિપોક્રૅટિક આંગળીઓ’ પણ કહે છે.
હિપોક્રૅટસે રોગોને ઉગ્ર (acute), દીર્ઘકાલી (chronic), વસ્તી-સ્થાયી (endemic), ઉપદ્રવકારી (epidemic) એમ વિવિધ રીતે વિભાજિત કર્યા છે. તેમણે રોગના વિવિધ તબક્કાઓ – તીવ્રતામાં વધારો અથવા પ્રકોપ (exacerbation), ફરીથી હુમલો અથવા પુન: સક્રિયતા (relapse), શમન (resolution), સંકટ (crisis), લઘુપ્રકોપ (paroxysm), પુન:સ્વાસ્થ્યપ્રાપ્તિ (convalescence) વગેરે પણ વર્ણવ્યા હતા. તેમણે ફેફસાંની આસપાસ પરુ ભરાય તેવી સ્થિતિનાં લક્ષણો, ચિહનો, શસ્ત્રક્રિયા અને પૂર્વાનુમાન વિષે પણ લખાણો કર્યાં છે. તે વિગતો હાલ પણ ઉપયોગી ગણાય છે. તેઓ કદાચ નોંધાયેલા પ્રથમ છાતીની શસ્ત્રક્રિયા કરનાર તબીબ હતા. તેમના અક્ષરદેહમાં મસા વિશે લખાણ મળે છે તથા વહિનકારક (cautery) અને ઉચ્છેદનલક્ષી શસ્ત્રક્રિયાનો પણ ઉલ્લેખ છે. મળાશયમાં નિરીક્ષણ માટેના સાધનનો ઉપયોગ પણ થતો, જે કદાચ વિશ્વનું પ્રથમ અંત:દર્શક (endoscope) વડે કરાતું પરીક્ષણ હશે.
હિપોક્રૅટિક પ્રતિજ્ઞા : તે એક લાગણીસભર વ્યાવસાયિક આચારસંહિતાનો નમૂનો છે. હિપોક્રૅટિક અક્ષરદેહનો આ સૌથી વધુ પ્રસિદ્ધ લેખ છે. હાલ આ પ્રતિજ્ઞાનું અક્ષરસહ પાલન થતું નથી; પરંતુ તેને આધારે તૈયાર કરાયેલા નવા નૈતિક આચાર-અભિલેખોનો ઉપયોગ થાય છે; પરંતુ તેથી તેનું મહત્વ ઘટતું નથી, કેમ કે વ્યાવસાયિક કાર્યમાં નૈતિકતા અંગેનું તે પ્રથમ મહત્વનું લખાણ છે.
દંતકથાઓ : તેમના જીવનને લગતી અનેક દંતકથાઓ પ્રચલિત છે. તેમાં કેટલીક ચમત્કૃતિઓ પણ જોવા મળે છે.
નામાર્પણ : કેટલાંક લક્ષણો અને ચિહનોને હિપોક્રૅટસે વર્ણવ્યાં હશે એવી માન્યતાને કારણે તેના નામ સાથે જોડાય છે, જેમ કે હિપોક્રૅટિક મુખાકૃતિ (Hippocratic face), હિપોક્રૅટિક ઉછાળ (Hippocratic splash), હિપોક્રૅટિક પાટો, હિપોક્રૅટિક પાટલી, હિપોક્રૅટસ પીણું, હિપોક્રૅટસ સ્મિત વગેરે.
શિલીન નં. શુક્લ