હિપેરિન અને પ્રતિહિપેરિન ઔષધો

February, 2009

હિપેરિન અને પ્રતિહિપેરિન ઔષધો : લોહીને નસમાં ગંઠાઈ જતું અટકાવતું ઝડપી ઔષધ. મૅક્લિને તેને 1916માં, જ્યારે તેઓ એક તબીબી વિદ્યાર્થી હતા ત્યારે શોધ્યું. તે શરીરના દંડકકોષો(mast cells)માં કણિકાઓ રૂપે કુદરતી સ્વરૂપે ઉપલબ્ધ રસાયણ છે. યકૃત(liver)માં દંડકકોષો ઘણા હોય છે અને તેથી તેને યકૃતીન (heparin) એવું નામ મળ્યું છે. તે ફેફસાંમાં પણ હોય છે. જ્યારે તે શરીરમાં દંડકકોષોમાંથી વિમુક્ત થાય છે ત્યારે મહાભક્ષી કોષો (macrophages) તેને ઝડપથી નિષ્ક્રિય કરે છે અને તેથી તે લોહીમાં હોતું નથી. વ્યાવસાયિક ધોરણે મેળવાતું હિપેરિન ડુક્કર અને ઢોરનાં ફેફસાં તથા આંતરડાંની શ્લેષ્મકલા(mucosa)માંથી બનાવાય છે. એવું મનાય છે કે નસોમાંનું લોહી કુદરતી હિપેરિનને કારણે પ્રવાહી સ્વરૂપે રહે છે અને ગંઠાઈ જતું નથી.

હિપેરિનનું રાસાયણિક બંધારણ

જુદાં જુદાં પ્રાણીઓમાંથી મળતા કુદરતી હિપેરિનના અણુઓમાં વિવિધ પ્રકારની સક્રિયતા જોવા મળે છે અને તેથી તેને ઢોરનાં ફેફસાંમાંથી મેળવાયેલા 1 મિગ્રા. હિપેરિન(ISO આંતરરાષ્ટ્રીય એકમ – IU)ની સક્રિયતા સાથે સરખાવીને પ્રમાણિત કરાય છે.

તે એક શ્લેષ્મબહુશર્કરા (mucopolysaccharide) છે અને અતિશય વીજઋણભારિત (electro-negative) દ્રવ્ય છે. આમ તે કુદરતી રીતે શરીરમાં રહેલો બલવત્તમ સેન્દ્રિય અમ્લ (strongest organic acid) છે. તેની ઋણભારિતાને કારણે તે લોહીનું ગંઠન અટકાવે છે. તેની આ ક્ષમતાને પ્રતિગંઠનશીલતા (anticoagulant activity) કહે છે અને તેને પ્રતિગંઠક દ્રવ્ય (anticoagulant) ગણવામાં આવે છે. તેનો સોડિયમ કે કૅલ્શિયમનો ક્ષાર ચિકિત્સા માટે વપરાય છે. તેને દર 12 કલાકે ચામડી નીચે (અવત્વકીય, subcutaneous) કે દર 4થી 6 કલાકે શિરામાર્ગે (intravenous route) ઇન્જેક્શન રૂપે આંતરરાષ્ટ્રીય એકમોમાં ગણાયેલી માત્રામાં અપાય છે. તેને સ્નાયુમાં ઇન્જેક્શન રૂપે કદી અપાતું નથી. ક્યારેક નસ વાટે તેને સતત અંત:સરણ (infusion) રૂપે પ્રવાહી સાથે અપાય છે.

ઔષધીય કાર્ય : તે લોહીના ગંઠનના ત્રણેય તબક્કાઓમાં, શરીરમાં અને બહાર સક્રિય હોય છે અને લોહીના ગંઠાવાને અટકાવે છે. તે ઍન્ટિથ્રૉમ્બિન-III નામના દ્રવ્યને સક્રિય કરે છે, ગુલ્મન ઘટકો (coagulation factors) IXa, Xa અને થ્રૉમ્બિનને નિષ્ક્રિય કરે છે, થ્રૉમ્બિન-પ્રતિથ્રૉમ્બિનની સંકુલ બનવાની ક્રિયા ઘણી વધારે છે તથા ફાઇબ્રિનના અણુનો મોનોમર બનતું કે તેનું પોલિમરાઇઝેશન ઘટાડે છે. જોકે તે ફાઇબ્રિન સાથે જોડાયેલા થ્રૉમ્બિન પર બિનઅસરકારક રહે છે. આ વિવિધ રાસાયણિક ક્રિયાઓ દ્વારા તે લોહીને ગંઠાતું અટકાવે છે. તેના પર્યાપ્ત ઔષધીય ઉપયોગમાં ગંઠનકાળ (clotting time) સામાન્ય કરતાં 2થી અઢીગણો અને સક્રિયકૃત આંશિક થ્રૉમ્બોપ્લાસ્ટિન-કાળ (activated partial thromboplastic time) દોઢગણાથી બમણો થાય છે. માત્રા જેટલી વધારાય તેના કરતાં તેની અસરકારકતાની તીવ્રતા અને તેનો અસરકારકતા-કાળ વધુ પ્રમાણમાં વધે છે. તેની લોહીની ગંઠનક્રિયા પરની અસર તેનો મુખ્ય ચિકિત્સીય ઉપયોગ નક્કી કરે છે અને તે છે લોહીને શરીરની નસોમાં ગંઠાતું રોકવું.

તે મેદપ્રોટીન-મેદોત્સેચક (lipoprotein lipase) નામના ઉત્સેચક(enzyme)ને સક્રિય કરીને લોહીના પ્રરસ(plasma)માં મેદદ્રવ્યોની અધિકતાથી ધૂંધળાપણું (cloudiness) આવી ગયું હોય તો તેને દૂર કરે છે. તે લોહીમાં પોટૅશિયમનું પ્રમાણ વધારે છે, નસોના સ્નાયુતંતુઓ અને અંતશ્ચછદના કોષોની સંખ્યાવૃદ્ધિ અટકાવે છે અને થોડા અંશે શોથની પ્રક્રિયા(inflammation)ને ઘટાડે છે. આ પ્રકારના કાર્યોને સારવારના હેતુથી ઉપયોગમાં લેવાતાં નથી.

તે મુખમાર્ગે નિષ્ક્રિય રહે છે તેથી તેને ઇન્જેક્શન દ્વારા ચામડીની નીચે કે નસમાં અપાય છે. તે નસ વાટે અપાય તો 5થી 10 મિનિટમાં લોહીના ગંઠાવાને અટકાવે છે અને ચામડી નીચે અપાય તો 1 કલાકમાં રુધિરગંઠન અટકાવે છે. યકૃતમાં તેનો ચયાપચય થાય છે. તેને નસ વાટે 4થી 6 કલાકે તથા ચામડી નીચે 12 કલાકે ફરીફરીને આપવું પડે છે.

આડઅસરો : તેની પ્રમુખ આડઅસરો છે વિષમોર્જા (allergy) અને તેના તીવ્ર હુમલારૂપે લોહીનું દબાણ ઘટી જાય તેવો જીવનને સંકટ કરતો આઘાત (shock), શીળસ, દમ, નાકમાંથી પાણી પડવું, તાવ આવવો; લોહી વહેવાનો વિકાર થઈ આવવો, લોહીમાં ગંઠનકોષો(platelets)ની સંખ્યા ઘટવી, માથાના વાળ ઊતરવા, હાડકાંમાંથી પ્રોટીન-કૅલ્શિયમનો વ્યય થવાથી અસ્થિછિદ્રલતા (osteoporosis) થવી, યકૃતના ઉત્સેચકોની રુધિરસપાટી વધવી વગેરે.

અલ્પ અણુભાર હિપેરિન (low molecular weight heparin, LMWH) : કુદરતી હિપેરિનના ઘટકાંશો છૂટા પાડીને LMWH બનાવાય છે. તેનો અણુભાર 4,000થી 6,500 હોય છે અને તેને ચામડી નીચે દિવસમાં 2 વખત કે સતત નસ વાટે અપાય છે. તે કુદરતી હિપેરિન જેટલી જ સક્રિયતા ધરાવે છે. તેના કેટલાક ફાયદા છે. તેનું અવશોષણ નિયમિત છે, તે લાંબો સમય સક્રિય રહે છે, તેમની અસરકારકતાની સાચી પૂર્વધારણા થઈ શકે છે અને તે ગંઠનકોષોની સંખ્યા ઓછી ઘટાડે છે. વળી તેની એલર્જી પણ ઓછી થાય છે. તે મુખ્યત્વે ગંઠક ઘટક Xaને નિષ્ક્રિય કરે છે; પરંતુ તે મોંઘું ઔષધ છે. તે પગ અને શરીરની અંદરની શિરાઓમાં લોહીનું ગંઠાવું અટકાવે છે અથવા તે ગંઠાયું હોય તો તેની સારવારમાં પણ ઉપયોગી રહે છે. હાલ ઇનોક્સાપેરિન, ડૅલ્ટેપેરિન, ટિન્ઝાપેરિન, ફૉન્ડેપેરિનક્સ, પેરાપેરિન અને રેવિપેરિન એમ વિવિધ LMWH ઔષધો ઉપલબ્ધ છે.

પ્રતિહિપેરિન ઔષધો : હિપેરિનની અસરકારકતા માપવા માટે ગંઠનકાળ (clotting time) અને સક્રિયકૃત આંશિક થ્રૉમ્બોપ્લાસ્ટિન કાળ(aPTT)ની કસોટી કરાય છે, જે અનુક્રમે સામાન્ય કરતાં 2થી 3 ગણું અને 11 ગણું જેટલું હોવું જોઈએ. તેથી વધુ હોય તો પ્રતિહિપેરિન વડે તેની અસરકારકતા નાબૂદ કરાય છે. આવાં દ્રવ્યો અતિક્ષારદ (strongly basic) હોય છે. પ્રોટામિન સલ્ફેટ સૌથી વધુ વપરાતું પ્રતિહિપેરિન દ્રવ્ય છે. તેની મુખ્ય આડઅસરમાં લોહીના દબાણમાં ઘટાડો, હૃદયના ધબકારાના દરમાં ઘટાડો, શ્વાસ લેવામાં મુશ્કેલી તથા શરીરમાં ગરમી તથા લાલાશ(flushing)નો અનુભવ વગેરેનો સમાવેશ થાય છે.

શિલીન નં. શુક્લ