હિડેકી, ટોજો (જ. 30 ડિસેમ્બર, 1884, ટોકિયો, જાપાન; અ. 23 ડિસેમ્બર 1948, ટોકિયો) : દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન 1941થી 1944 સુધી જાપાનનો વડોપ્રધાન. તે જાપાનના લશ્કરી વિજયનો હિમાયતી હતો. મિલિટરી સ્ટાફ કૉલેજમાંથી 1915માં સ્નાતક થયા પછી, તે લશ્કરમાં બઢતી મેળવીને આગળ વધવા લાગ્યો.
ટોજો હિડેકી
1937માં તે મંચુરિયામાં લશ્કરનો સેનાપતિ નિમાયો. ઈ. સ. 1940માં જાપાનના વડાપ્રધાન ફ્યુમિનારોએ ટોજોને યુદ્ધમંત્રી નીમ્યો. ઑક્ટોબર, 1941માં તે જાપાનનો વડોપ્રધાન બન્યો. વડાપ્રધાન બન્યા બાદ, ટોજોએ યુનાઇટેડ સ્ટેટ્સ સામે પર્લ હાર્બર ઉપર હુમલો કરવાની મંજૂરી આપી. યુનાઇટેડ સ્ટેટ્સ સામેના અને અગ્નિ એશિયામાં એક પછી એક દેશોમાં જાપાનના વિજયોને કારણે જાપાનમાં એકાએક તેનાં માન અને પ્રતિષ્ઠામાં ખૂબ વધારો થયો; પરંતુ મિત્રરાજ્યોનાં સૈન્યો આક્રમક બનીને જાપાનને ઉપરાછાપરી પરાજયો આપવા લાગ્યાં ત્યારે ટોજોની ભૂંડી દશા થઈ. જુલાઈ, 1944માં ટોજોએ રાજીનામું આપવું પડ્યું. 1945માં યુદ્ધના ગુનેગાર તરીકે તેની ધરપકડ કરવામાં આવી. ઇન્ટરનૅશનલ મિલિટરી ટ્રિબ્યૂનલ સમક્ષ તેની સામે કેસ ચલાવી, ગુનેગાર ઠરાવી, તેને ફાંસીએ લટકાવવામાં આવ્યો.
જયકુમાર ર. શુક્લ