હિત-ચૌરાસી  : રાધાવલ્લભ સંપ્રદાયના સ્થાપક હિત હરિવંશ ગોસ્વામીરચિત વ્રજભાષાનો ચોરાસી પદોનો સંગ્રહ-ગ્રંથ. આ સંપ્રદાયની માધુર્યભક્તિનો સિદ્ધાંત પ્રતિપાદિત થયેલો હોવાને લઈને સંપ્રદાયનો આધારગ્રંથ બન્યો છે. આ ભક્તિગ્રંથ માટે કહેવાય છે કે આમાં ચોરાસી પદ સમાવિષ્ટ કરવામાં ગોસ્વામીજીનો આશય એ હતો કે એક એક પદનો મર્મ સમજવાથી અને એને આત્મસાત્ કરવાથી એક લાખ યોનિઓના ફેરાથી મનુષ્ય છૂટી શકે છે.

આ ગ્રંથને ‘હિત ચોરાસી’, ‘હરિવંશ ચોરાસી’, ‘હિત ચોરાસી ધની’, ‘ચતુરાશીજી’ વગેરે નામે ઓળખવામાં પણ આવે છે. પરંતુ મૂળ ગ્રંથનું નામ તો ‘હિત ચૌરાશી’ જ છે. આ ગ્રંથ એક મુક્તકપદ રચના સ્વરૂપનો છે, જેમાં ભાવવસ્તુ કે વર્ણ્યવસ્તુનો કોઈ કોટિક્રમ નથી. એનો વર્ણ્ય વિષય મુખ્યત્વે અંતરંગ ભાવના સાથે સંબંધ ધરાવે છે. શૃંગારરસની પૃષ્ઠભૂમિ પર એ વિષયોને પ્રસ્તુત કરવામાં આવ્યા છે, પરંતુ સમગ્રતયા ભક્તિપદ્ધતિ જ એનો મેરુદંડ છે. રાધાકૃષ્ણનો અનન્ય પ્રેમ, નિત્ય વિહાર, રાસલીલા, માન, વિરહ, વૃંદાવન, સહચરી વગેરે આ ગ્રંથના વર્ણ્ય વિષય છે. હિત હરિવંશજીએ સૌપ્રથમ રાધાવલ્લભીય પ્રેમ પદ્ધતિનું પ્રતિપાદન  ‘તત્સુખી’ ભાવના પ્રેમવર્ણન દ્વારા પ્રથમ પદમાં જ પ્રસ્તુત કરેલ છે. જોઈ જોઈ ‘પ્યારો કરે સોઈ મોહે ભાવે, ભાવે મોહિ જોઈ સોઈ સોઈ કરે પ્યારે.’ આ પદમાં અદ્વય ભાવના સર્જન માટે પ્રિયા-પ્રિયતમનું એકબીજામાં લીન થઈ જવું એ જ પ્રેમની પરાકાષ્ઠા છે. આ પ્રકારના અદ્વૈતને કેટલાક વિદ્વાનોએ રાધાવલ્લભીય સિદ્ધાદ્વૈત કહ્યો છે. પ્રેમનું વર્ણન કરવામાં હિત હરિવંશજીની શૈલી સ્વતંત્ર છે. એમણે બંધનમય પ્રેમ-પ્રતીતિનો સ્વીકાર કર્યો નથી. ‘પ્રીતિ ન કાહૂકી કાનિ વિચારે’ કહીને પ્રેમને સ્વતંત્ર માર્ગ કહેવામાં આવ્યો છે.

આ ગ્રંથમાં રાધાના રૂપનું વર્ણન ખૂબ માર્મિક  અને ઉદાત્ત કોટિનું થયું છે. રાસવર્ણન, વૃંદાવન છબિ વર્ણન, નિત્યવિહાર વર્ણન અને કૃષ્ણવર્ણનમાં પદોમાં પણ કાવ્ય સૌષ્ઠવ અને પ્રાજંલ શૈલીનું સુંદર વ્યક્તિકરણ થયું છે.

‘હિત ચૌરાસી’ પર બે ડઝન જેટલી ટીકાઓ લખાઈ છે જે સોળમી સદીથી મળવા લાગે છે. એમાં પ્રેમદાસ, લોકનાથ, કેલિદાસ, રસિકદાસ અને ગોસ્વામી સુખલાલજીની ટીકાઓ ખૂબ પ્રસિદ્ધ છે.

‘હિત ચૌરાસી’ સાંપ્રદાયિક ગ્રંથ છે પરંતુ ગોસ્વામીજીએ એની રચના કોઈ સંકુચિત અર્થમાં કરી નથી. એમણે એ પદોને રસથી પરિપ્લાવિત કરીને સહજપણે રજૂ કર્યાં છે. એનો મૂલાધાર જ ‘રસ’ છે. અહીં પ્રેમને પરાત્પર તત્વ તરીકે પ્રતિષ્ઠિત કરીને એને ‘રસો વૈ સઃ’ની કોટિ સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે. પ્રેમની ગરિમા અને પ્રભુતા સ્થાપિત કર્યા પછી તેને વિલક્ષણ રૂપ આપવા માટે તેને શાશ્વત તત્વરૂપ માની લેવામાં આવ્યો અને સંસારમાં દેખાતી સંયોગ-વિયોગ દશાઓથી એ સર્વથા રહિત હોવાનું પ્રતિપાદન થયું છે. એમને મતે ‘પ્રેમ’ અથવા ‘હિત’ તત્વ જ સમસ્ત સચરાચરમાં વ્યાપ્ત છે. આ ‘પ્રેમ’ કે ‘હિત’ જ જીવને આરાધ્ય પ્રત્યે ઉન્મુખ કરે છે. આ પ્રેમનો પૂર્ણ પરિપાક ‘જુગલપ્રેમ’માં થાય છે. જુગલપ્રેમ (રાધા-કૃષ્ણ)ને સાંસારિક પ્રેમથી સર્વથા પૃથક્ અને સ્વતંત્ર માનવો જોઈએ. રાધા-કૃષ્ણના પ્રેમમાં ‘તત્સુખી’ ભાવના સ્થાપીને તેને સાંસારિક સ્વાર્થ કે આત્મસુખની કામનાથી અલગ કરીને અલૌકિક રૂપ આપવામાં આવ્યું છે. સહચરી (સખી) અર્થાત્ જીવાત્માનું ધ્યેય નિત્ય-વિહારમાં રત રાધા-કૃષ્ણની નિકુંજલીલાઓનું દર્શનસુખ પામવાના અધિકારી બનવાનું છે.

આ પદોમાં માધુર્યને કારણે ભક્તોએ હરિવંશજીને ‘બંસીના અવતાર’ કહ્યા છે. વ્રજભાષામાં આવું પરિષ્કૃત અને પ્રાંજલિરૂપ સૂરદાસ અને નંદદાસનો પદોમાં પણ દૃષ્ટિગોચર થતું નથી. સંક્ષેપમાં આ ગ્રંથ વ્રજભાષાનો અનોખો ભક્તિગ્રંથ છે, જે સાહિત્ય સંગીત અનેક કલામાં સમાનપણે સમ્માન પામ્યો છે.

પ્રવીણચંદ્ર પરીખ