હિકી, જેમ્સ ઑગસ્ટસ (જ. ?; અ. ?) : બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતમાં પત્રકારત્વની શરૂઆત કરવાનું શ્રેય ધરાવનાર આઇરિશ નાગરિક. ભારતમાં કંપની સરકારની આપખુદશાહીનો વિરોધ કરવા માટે 29 જાન્યુઆરી 1780ના શનિવારના રોજ ‘બંગાલ ગૅઝેટ ઑર કોલકાતા જનરલ ઍડવર્ટાઇઝર’ નામનું બે પાનાનું સ્વતંત્ર આર્થિક અને રાજકીય સાપ્તાહિક બહાર પાડવાનું તેમણે શરૂ કર્યું. 12 8 ઇંચનું આ વ્યાવસાયિક ધોરણે પ્રકાશિત થતું પત્ર લોકોમાં ‘હિકી ગેઝેટ’ તરીકે જાણીતું હતું. તે ત્રણ કૉલમમાં છપાતું.
નિયત સમયાંતરે પ્રકાશિત થતા દેશના આ પ્રથમ અખબારમાં સમાચારો કરતાં જાહેરાતોનું પ્રમાણ ઘણું વધારે હતું. ‘Address to the public from Mr. Hicky’ નામનો વિભાગ હિકી સ્વયં લખતા. ઇંગ્લૅન્ડના અંગ્રેજી દૈનિકોમાંથી વતનના સમાચારોને સંકલિત કરીને બૅકહોમ (back home) નામનો વિભાગ પણ છાપવામાં આવતો. સ્થાનિક લેખકોનાં લખાણો તેમજ વાચકોના પત્રો પણ છપાતાં. ‘Poet’s Corner’ નામનો યુવાકવિઓની કવિતા માટેનો અલગ વિભાગ પણ ચાલતો હતો.
તેમાં ઘણી જાહેર ખબરો છપાતી હોવાને કારણે લોકો તેને ‘કોલકાતા જનરલ ઍડવર્ટાઇઝર’ પણ કહેતા. તેમાં ‘લંડન ફૅશન’, ‘ફૉલી ઑવ્ અ ફૅશનેબલ લાઇફ’ જેવા લેખો છપાતા. હિકી’ઝ ગૅઝેટ વાંચવું એટલે તત્કાલીન કોલકાતાવાસી યુરોપિયન સમાજની રજેરજ વિગતો મેળવવા સમાન હતું. તેમાં કટાક્ષયુક્ત શૈલીમાં સમાજજીવનની વિગતો આવતી; જેમાં પ્રેમપ્રકરણો, સ્થાનિક ગપસપ, કૌભાંડો, માનવગુલામોની લે-વેચની જાહેર ખબરો વગેરેનો સમાવેશ થતો હતો.
તેઓ અગાઉ ઇંગ્લૅન્ડમાં કંપની સરકારના મુદ્રક તરીકે કામ કરતા હતા. કોલકાતા આવીને તેમણે આયાત-નિકાસનું થોડું કામ કર્યું. દરિયાઈ તોફાનને કારણે નુકસાન જતાં હિકીને રૂપિયા 4000/-ની ખોટ સહેવી પડી હતી. આ દેવું ભરપાઈ કરવા તેમણે પોતાની તમામ મિલકત વેચી રૂ. 2000/- ભેગા કર્યા અને ચૂકવ્યા. 1776ના ઑક્ટોબરમાં તેમને આ પ્રકારના વ્યવહાર માટે જેલ થઈ. જેલમાંથી બહાર આવ્યા ત્યારે મુદ્રક તરીકેનો અનુભવ તેમને કામ લાગ્યો.
ઇંગ્લૅન્ડના ઉચ્ચ અધિકારીઓની બદનક્ષી કરવાના આરોપસર સજા રૂપે તેમને ઇંગ્લૅન્ડ મોકલી દેવામાં આવ્યા, જ્યાં કોઈ અજ્ઞાત સ્થળે ગરીબીમાં તેમનું અવસાન થયું હતું.
હિકીનું પત્ર ભારતીય પત્રકારત્વના જન્મસ્થળ એવા કોલકાતામાં વધુ સામયિકો અને અખબારો શરૂ કરવાની પ્રક્રિયા માટે પ્રેરક બની રહ્યું. તરતનાં વર્ષોમાં ચાર સાપ્તાહિકો અને એક માસિક શરૂ થયાં હતાં.
આમ, પોતાના અંગત કારણોસર અખબાર શરૂ કરનારા ઍંગ્લો-ઇન્ડિયનોમાં હિકી પ્રથમ હતા. તેથી તેમને ભારતીય પત્રકારત્વના પિતા કહે છે.
પુનિતા હર્ણે