હિકમત, નાઝિમ (જ. 15 જાન્યુઆરી 1902, સેલોનિકા, ઓટોમન એમ્પાયર; અ. 3 જૂન 1963, મૉસ્કો) : કવિ. વીસમી સદીના તુર્કી સાહિત્યમાં મોટા ગજાના સાહિત્યકાર.

નાઝિમ હિકમત

પિતા ઓટોમન સરકારમાં મોટા અધિકારી. આનાતોલિયામાં તેમનો ઉછેર થયો. ટૂંક સમય માટે તુર્કીની નેવલ અકાદમીમાં ટ્રેનિંગ લીધી. મૉસ્કોની યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. વતનમાં 1924માં પરત થયા ત્યારે માર્કસના સિદ્ધાન્તમાં પાકી શ્રદ્ધા. તુર્કસ્તાનનું પ્રજાસત્તાક સ્થપાયું ત્યારે તેમણે અનેક સામયિકોમાં લખવાનું શરૂ કર્યું. સામ્યવાદની પ્રવૃત્તિમાં કર્મશીલ બની ગયા. 1951માં તુર્કીને કાયમ માટે અલવિદા કરી. જોકે તે પહેલાં પોતાની બંડખોર અને ખાનગી પ્રવૃત્તિઓ માટે જેલમાં લાંબી સજા ભોગવી હતી. પછી રશિયામાં અને પૂર્વ યુરોપમાં રહ્યા હતા. સંપૂર્ણ વિશ્વ માટેના સામ્યવાદ માટે તેઓ કામ કરતા હતા.

ભાષા પર તેમનો સંપૂર્ણ કાબૂ હતો. હિકમતે અછાંદસ કવિતા લખી. તેમના વિષયોની પસંદગીની છાપ તુર્કી સાહિત્ય પર પડી. સ્વદેશાભિમાનનાં કાવ્યોએ તુર્કી સાહિત્યમાં કામણ કર્યાં. આ કવિતાની રચના છંદોબદ્ધ હતી. તત્કાલીન રશિયન સાહિત્યની અસર તળે અતિશયોક્તિથી સભર કલ્પનોવાળી કવિતાઓ રચી. કહેવાય છે કે તેમણે કવિતાને અકવિતા (depoetize poetry) બનાવવાનું કાર્ય કર્યું. ‘ધી ઍપિક ઑવ્ શેખ બદ્રેદિન’(1936)માં તેમણે પોતાની શૈલીને શાંત બનાવી. તેમાં આનાતોલિયાના ધાર્મિક નેતાની વાત છે. ‘પોર્ટ્રેટ્સ ઑવ્ પીપલ ફ્રૉમ માય લૅન્ડ’ 20,000 પંક્તિનું મહાકાવ્ય છે. જોકે તેમનાં સર્જનો ઉપર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકેલો. 1963માં તેમના અવસાન બાદ તેમના સંપૂર્ણ સાહિત્યસર્જનને પ્રસિદ્ધ કરવામાં આવ્યું. તુર્કસ્તાનની સામાન્ય પ્રજાના તે માનીતા કવિ બની ગયા. તેમની કેટલીક કૃતિઓનો અંગ્રેજીમાં અનુવાદ થયો છે. ‘સિલેક્ટેડ પોએમ્સ’ (1967), ‘ધ મૉસ્કો સિમ્ફની’ (1970), ‘ધ ડે બિફોર ટુમૉરો’ (1972) અને ‘થિંગ્ઝ આઇ ડિડન્ટ નો આઇ લવ્ડ’ (1975) અંગ્રેજીમાં અનૂદિત કૃતિઓ છે.

વિ. પ્ર. ત્રિવેદી