‘હાસિદ’ અર્જુન [જ. 7 જાન્યુઆરી 1930, કરાંચી, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી ભાષાના ગઝલકાર. તેમનો જન્મ ઈસરાણી પરિવારમાં થયેલો; પરંતુ તેમનાં નાનીમાને સંતાનમાં પુત્ર ન હોવાથી તેમને ગોદ લેવાથી ‘તનવાણી’ તરીકે ઓળખાયા. ‘હાસિદ’ તેમનું તખલ્લુસ છે. આઝાદી બાદ તેઓ ભારત આવ્યા અને અમદાવાદમાં સ્થાયી થયા. શાળાના અભ્યાસ પછી પોસ્ટ અને ટેલિગ્રાફ ખાતામાં જોડાયા અને ત્યાંથી 1989માં સેવાનિવૃત્ત થયા.

કિશોરવયે સ્વતંત્રતા-આંદોલનમાં જોડાવા રાષ્ટ્રીય સેવાદળના સ્વયંસેવક બન્યા. તેઓ સિંધી કવિઓ પરસરામ ઝિયા અને ઈશ્વર આંચલની કવિતાઓથી પ્રભાવિત થયા. અમદાવાદમાં સિંધી સાહિત્યિક બેઠકો સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. 1956થી તેમણે ઊર્મિકાવ્યો અને ગઝલો લખવાનો પ્રારંભ કર્યો. મૂર્ધન્ય સિંધી કવિઓ નારાયણ શ્યામ અને ગોવર્ધન ભારતીના માર્ગદર્શન હેઠળ તેઓ સિદ્ધહસ્ત ગઝલકાર બન્યા.

તેમણે સિંધીમાં 5 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સુવાસન જી સુરહાણ’ (1966); ‘પત્થર-પત્થર કંડો કંડો’ (1974) બંને કાવ્યસંગ્રહો છે. ‘મેરો સિઝ’ (1984); ‘મોગો’ (1992) બંને ગઝલસંગ્રહો છે. ‘જયશંકર પ્રસાદ’ (1995) અનૂદિત વિવરણાત્મક પુસ્તક છે. તેમનાં કાવ્યો અને ગઝલોમાં ગીતો, રુબાઈઓ, નજમ, મુક્તકો વગેરેનો સમાવેશ થાય છે. 1998માં ત્રીજો કાવ્યસંગ્રહ ‘ઉઝ’ (તરસ) પ્રગટ થયો છે. તેમના ગઝલસંગ્રહ ‘મેરો સિઝ’ (1984, મેલો સૂર્ય) બદલ તેમને 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે 10 વર્ષ સુધી કેન્દ્રીય સાહિત્ય અકાદમીના સિંધી સલાહકાર તરીકે સેવાઓ આપી છે. ગુજરાત સિંધી સાહિત્ય અકાદમીના અધ્યક્ષસ્થાને પણ તેઓ રહી ચૂક્યા છે.

જયન્ત રેલવાણી