હાવરા : પશ્ચિમ બંગાળમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 12´થી 22° 48´ ઉ. અ. અને 87° 50´થી 88° 23´ પૂ. રે. વચ્ચેનો 1,467 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો આકાર ઊંધા ત્રિકોણ જેવો છે. તેની અણીવાળો ભાગ દક્ષિણ તરફ છે. તેની ઉત્તરમાં હુગલી જિલ્લાના આરામબાગ અને શ્રીરામપુર ઉપવિભાગો, પૂર્વમાં કૉલકાતા અને ચોવીસ પરગણા જિલ્લો, દક્ષિણમાં મેદિનીપુર જિલ્લાનો તામલુક ઉપવિભાગ તથા પશ્ચિમમાં તામલુક અને ઘાટાલ ઉપવિભાગો આવેલા છે. જિલ્લામથક હાવરા જિલ્લાના પૂર્વ છેડે આવેલું છે.
હાવરા જિલ્લો
ભૂપૃષ્ઠ–વનસ્પતિ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ કાંપનાં સમતળ મેદાનથી બનેલું છે. અહીં જંગલો નથી, પરંતુ થોડા પ્રમાણમાં કુદરતી વનસ્પતિ જોવા મળે છે. જિલ્લાની અગ્નિકોણી સીમા પર ભાગીરથી નદીને કાંઠે મૅંગ્રૉવ જોવા મળે છે. જિલ્લામાં જળમાર્ગોની વ્યાપક ગૂંથણી થયેલી હોવાથી તેમજ અસંખ્ય તળાવો આવેલાં હોવાથી તે જલજ અને પંકવનસ્પતિથી સમૃદ્ધ છે. સિબપુર પોલીસ મથક(ઘટક)માં ભાગીરથી નદીના જમણા કાંઠા પર 110.48 હેક્ટર વિસ્તાર આવરી લેતો, ભારતનો સૌથી મોટો ગણાતો વનસ્પતિ-ઉદ્યાન (botanical garden) આવેલો છે.
જળપરિવાહ : જિલ્લાની પૂર્વ તરફ હુગલી અને ભાગીરથી તથા પશ્ચિમ તરફ રૂપનારાયણ નદી વહે છે, જ્યારે જિલ્લામાંથી દામોદર નદી પસાર થાય છે. ભૂપૃષ્ઠનો સામાન્ય ઢોળાવ દક્ષિણ અને અગ્નિ તરફી હોવાથી જળપરિવાહ-રચના પણ આ દિશાઓ તરફની છે. નદીજન્ય કાંપની જમાવટથી નદીકાંઠાના કેટલાક ભાગો ઊપસેલા નજરે પડે છે, જ્યારે નીચાણવાળા ભાગો પંક-આચ્છાદિત રહે છે. નદીઓ શાખાઓમાં વિભાજિત થયેલી હોવાથી નાની ખાડીઓ જેવું સ્થળદૃશ્ય રચાયું છે.
ખેતી–પશુપાલન : હાવરા પચરંગી વસ્તી ધરાવતું હોવાથી ઘણા લોકો કોલકાતા ખાતે નોકરી અર્થે જાય છે; વળી જિલ્લાનાં હાવરા અને બાલી શહેરોમાં હુગલી નદીના કાંઠે ઉદ્યોગો પણ વિકસેલા છે. જિલ્લાની ગ્રામીણ વસ્તી પૈકીના કેટલાક લોકો ખેતીમાં રોકાયેલા છે. ડાંગર, ઘઉં, કઠોળ, શણ અને બટાટા અહીંના મુખ્ય પાકો છે. હુગલી અને ભાગીરથી નદીમાંથી તેમજ દામોદર ખીણ-યોજનાની નહેરોમાંથી ખેતીને જરૂરી સિંચાઈ મળી રહે છે. આ ઉપરાંત જિલ્લામાં 90 જેટલા ઊંડા તેમજ 30 જેટલા છીછરા ટ્યૂબવેલ પણ કાર્યરત છે. ગાયો, ભેંસો, ઘેટાં અને ડુક્કર અહીંનાં મુખ્ય પશુઓ છે. મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે.
ઉદ્યોગો : હાવરા જિલ્લો મુખ્યત્વે ઉદ્યોગ-પ્રધાન છે. અહીં મોટા પાયાના તેમજ નાના પાયાના (કુટિર) ઉદ્યોગો વિકસ્યા છે. મુખ્ય ઉદ્યોગોમાં શણની અને સુતરાઉ કાપડની મિલો તથા ઇજનેરી એકમોનો સમાવેશ થાય છે. સિબપુર ખાતે મેસર્સ શાલીમાર પેઇન્ટ્સ લિ., ધ ગૅન્જિઝ રોપ કંપની લિ., માર્ટિન બર્ન લિ. અને ધ બિનાની મેટલ્સ લિ., બેલૂર ખાતે ઍલ્યુમિનિયમનાં સાધનોનું કારખાનું – મેસર્સ જીવણલાલ લિ., નાઝિરગંજ ખાતે વનસ્પતિ-ઉદ્યાનની નજીકમાં પૉર્ટ એન્જિનિયરિંગ લિ., લીલવા ખાતે ઈસ્ટર્ન રેલવે કૅરેજ ઍન્ડ વૅગન વર્કશૉપ, સાલ્કિયા ખાતે હુગલી ડૉકિંગ ઍન્ડ એન્જિનિયરિંગ કંપની લિ. તથા હાવરા ખાતે ગેસ્ટ કીન વિલિયમ્સ લિ. આવેલાં છે.
વેપાર : જિલ્લામાં ખેતીની પેદાશોનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું થતું હોવાથી ચોખા, કઠોળ અને તેલીબિયાંની આયાત થાય છે; જ્યારે શણ, લીલાં નાળિયેર અને નાગરવેલનાં પાનની નિકાસ થાય છે. હાવરા રેલમથક નજીક માછલીઓનું જથ્થાબંધ બજાર તથા કઠોળ અને તેલીબિયાંનું બજાર વિકસાવવામાં આવ્યાં છે; જેના માટે ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાંથી જુદી જુદી જાતની માછલીઓ અને કઠોળ-તેલીબિયાંની આયાત કરવામાં આવે છે. આ ઉપરાંત અન્યત્ર ચોખા, બટાટા, નાગરવેલનાં પાન, શણ તેમજ લીલાં-સૂકાં નાળિયેરનો જથ્થાબંધ તેમજ છૂટક વેપાર થાય છે. હાવરામાં દર મંગળવારે હાવરા હાટ અથવા મંગલ હાટ પણ ભરાય છે; જેમાં જીવનજરૂરિયાતની રોજબરોજની ચીજવસ્તુઓ, હાથસાળનું કાપડ અને હોઝિયરીનું વેચાણ થાય છે.
પરિવહન : હાવરા જિલ્લો સડક, રેલ અને જળમાર્ગોથી ગૂંથાયેલો છે. જિલ્લામાંથી 12.8 કિમી. લંબાઈનો ગ્રાન્ડ ટ્રન્ક માર્ગ, 8.6 કિમી. લંબાઈનો જૂનો બનારસ માર્ગ તેમજ 24.8 કિમી લંબાઈનો ઓરિસા ટ્રન્ક માર્ગ પસાર થાય છે. આ ત્રણે માર્ગો વાણિજ્ય અને વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વના ગણાય છે.
હાવરા રેલમથક આજે જે રીતે જોવા મળે છે તે 1906થી શરૂ થયેલું છે અને ભારતનાં વ્યસ્ત રહેતાં રેલમથકો પૈકીનું એક છે; તે પૂર્વ વિભાગીય અને દક્ષિણ વિભાગીય રેલમાર્ગોનું જંક્શન છે. અહીંથી ભારતનાં અગત્યનાં સ્થળોએ જવા માટે ગાડીઓની સુવિધા મળી રહે છે. હુગલી, રૂપનારાયણ અને દામોદર નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે.
બેલૂર મઠ
પ્રવાસન : હાવરા જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોમાં મહત્ત્વનાં ધાર્મિક સ્થાનકો આવેલાં છે. જિખુરા ગામમાં 300 વર્ષ જૂનું જયચંડીનું મંદિર, ખારિયોપ ગામમાં 200 વર્ષ જૂનું ખડ્ગેશ્વર શિવનું મંદિર, રાઉતરાહ ગામમાં દામોદર અને સીતારામનાં મંદિર, આમતા ગામમાં મલયચંડીનું મંદિર, મહિયારી નગરમાં પંચનંદ શિવ અને સ્મશાનેશ્વર શિવનાં મંદિર, કલ્યાણપુર ગામમાં કલ્યાણચંડીનું મંદિર, ખાલોર નગરમાં 16મી સદીનું મહાકાળીનું મંદિર, બાલી નગરમાં કલ્યાણેશ્વર શિવનું મંદિર, ગઢભવાનીપુર ગામનું મણિનાથ શિવનું મંદિર, મેલક ગામનું 1651માં બાંધેલું, સ્થાપત્યની દૃષ્ટિએ મહત્વનું ગણાતું મદનગોપાલજીનું મંદિર વધુ જાણીતાં છે. હાવરા શહેરની ઉત્તરે 7 કિમી.ને અંતરે આવેલા બાલી નગરમાં રામકૃષ્ણ મઠ અને મિશનનું મુખ્ય મથક આવેલું છે. ગદિયારા ગામ પાસે ભાગીરથી અને રૂપનારાયણ નદીઓનું સંગમસ્થળ ઘણું રમણીય છે. આ બંને નદીઓના જળમાર્ગે આવતાં જહાજોની ચોકી માટે લૉર્ડ ક્લાઇવે બાંધેલા ફૉર્ટ મૉર્નિગટન પૉઇન્ટ નામના કિલ્લાનો અવશેષ પ્રવાસીઓ માટે ઐતિહાસિક આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે. અહીંનો ઇન્ડિયન બૉટૅનિકલ ગાર્ડન ભારતભરમાં પ્રસિદ્ધ છે. વારતહેવારે જિલ્લાના જુદા જુદા ભાગોમાં મેળા તથા ઉત્સવોનું આયોજન થાય છે.
મહાકાળીનું મંદિર, દક્ષિણેશ્વર
વસ્તી–લોકો : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 42,74,010 જેટલી છે; તે પૈકી પુરુષોનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં થોડુંક વધારે છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તી લગભગ સરખી છે. અહીં બંગાળી, હિન્દી, ઊડિયા અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં હિન્દુઓની વસ્તી વિશેષ છે. તે પછીથી ઊતરતા ક્રમમાં મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈનોની વસ્તી આવે છે. જિલ્લામાં શિક્ષિતોનું પ્રમાણ 70 % જેટલું છે. અહીં અંદાજે 25 જેટલી કૉલેજો છે. જિલ્લાનાં 60 % ગામોમાં દવાખાનાંની સગવડ છે. વહીવટી દૃષ્ટિએ, જિલ્લાને 18 પોલીસ-મથકોમાં અને 14 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 47 નગરો અને 741 (7 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : 1854માં હાવરાથી રેલમાર્ગ શરૂ થવાથી અવરજવર અને વિકાસ થતાં ગયાં; આથી શહેરનું અને જિલ્લાનું નામ ‘હાવરા’ પડેલું છે; પરંતુ તે અગાઉ અહીં હરિરાહ નામનું ગામ હતું, જે આજના શહેરની જગાએ વસેલું હતું.
ગિરીશભાઈ પંડ્યા