હાવર્ડ એબેનઝર (સર) (જ. 1850 લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1928) : ઉદ્યાનનગરી (garden city) આંદોલનના આંગ્લ પ્રણેતા. 1872માં સ્થળાંતર કરીને નેબ્રાસ્કા ગયા, પણ 1877માં ઇંગ્લૅન્ડ પાછા ફર્યા. ત્યાં તેમણે પાર્લમેન્ટમાં શૉર્ટહેન્ડ-રાઇટર તરીકે કામગીરી બજાવી. ‘ટુમૉરો’ (1898) નામના તેમના પુસ્તકમાં ગ્રામીણ અને શહેરી સુવિધા-સવલત તેમજ હરિયાળી ભૂમિપટ્ટી (green belt) ધરાવતા સ્વનિર્ભર વસવાટોની કલ્પના કરવામાં આવી છે. એ પુસ્તકના પરિણામે જ 1899માં ‘ગાર્ડન સિટી ઍસોસિયેશન’ની રચના થવા પામી. એ જ રીતે હર્ટફર્ડશાયરમાં લેચવર્થ (1903) તથા વેલવિન (1919) – એ બંને ઉદ્યાનનગરી તરીકે આકાર પામ્યાં.

1927માં તેમને ‘સર’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

મહેશ ચોકસી