હાલ્સ, ફ્રાન્સ (જ. 1581થી 1585, ઍન્ટવર્પ, બેલ્જિયમ; અ. 1 સપ્ટેમ્બર 1666, હાર્લેમ, નેધરલૅન્ડ્ઝ) : ડચ બૂઝર્વા શ્રીમંતોનાં વ્યક્તિચિત્રો આલેખવા માટે જાણીતો ચિત્રકાર. પીંછીના મુક્ત લસરકા વડે ખુશમિજાજી વ્યક્તિચિત્રો એમણે સમગ્ર જીવન દરમિયાન આલેખ્યાં છે. 1616માં ઍન્ટવર્પની એક ટૂંકી મુલાકાત સિવાય એમણે સમગ્ર જીવન હાર્લેમમાં વિતાવ્યું. પિતા વણકર હતા. ફ્રાન્સ હાલ્સ કોની પાસેથી ચિત્રકલાની તાલીમ પામ્યા તેની માહિતી નથી, પણ વાયકા અનુસાર કેરલ ફાન મેન્ડર એમના શિક્ષક ગણાયા છે. એમની પત્નીનું નામ હતું એનેજે હાર્મેન્સ્ડૉખ્ટર એબીલ, એ બે બાળકોને જન્મ આપીને 1615માં મૃત્યુ પામી. 1617માં ફ્રાન્સ હાલ્સે બીજું લગ્ન કર્યું લિસ્બેથ રેનીર્સ સાથે. એણે 8 બાળકોને જન્મ આપ્યો હતો. ફ્રાન્સ હાલ્સનાં આ 10 બાળકોમાંથી 8 પુત્રો હતા, જેમાંના 5 ચિત્રકાર બન્યા. ફ્રાન્સ હાલ્સનાં ચિત્રો પર ડચ બરોક ચિત્રકાર જેકોબ જોર્ડાઇન્સ અને ઇટાલિયન બરોક ચિત્રકાર કારાવાજિયોનો પ્રભાવ જોવા મળે છે. આ ચિત્રોમાં યુવાનો અને યુવતીઓ ભેગાં મળીને આનંદપ્રમોદ, ઉજાણી, ટોળટીખળ અને હાહાહીહી કરતાં નજરે ચઢે છે. આ રીતે જીવનના આનંદોલ્લાસની અભિવ્યક્તિ હાલ્સે કરી છે. શરૂઆતથી જ તેમણે વ્યક્તિચિત્રણા પર અજબ કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું.

 

ફ્રાન્સ હાલ્સ

સમૂહ વ્યક્તિચિત્ર ‘બૅન્ક્વેટ ઑવ્ ઑફિસર્સ ઑવ્ ધ સિવિક ગાર્ડ ઑવ્ સેંટ જોર્જ ઍટ હાર્લેમ’થી એમની નામના થઈ. સમગ્ર જર્મની અને નેધરલૅન્ડ્ઝના શ્રીમંતો પોતાનાં વ્યક્તિચિત્રો આલેખાવવા માટે હાલ્સને વરદી આપતા. હાલ્સ મૉડલના મુખ ઉપરના ક્ષણભંગુર હાવભાવો અને ભંગિમાઓને નાજુક રીતે આલેખતા. તેને લીધે ચિત્રમાં સહજ-સ્ફુરિત (spontaneous) ઊર્જાનો સંચાર થતો જોવા મળે છે. કોઈ ટુચકો સાંભળીને હસી પડતાં મુખ પર જોવા મળતી હાસ્યની છોળોને પણ તે હૂબહૂ આલેખતા. એમનાં કેટલાંક વ્યક્તિચિત્રોમાં દર્શકને હસાવવા મથતા વિદૂષકનું આલેખન હોય તેવું પણ જણાય છે. એ બધાં જ મૉડલો ખૂબ જીવંત અને હળવા મિજાજમાં જણાય છે. આવાં બે ઉદાહરણરૂપ ચિત્રો છે : ‘ધ મેરી કંપની’ અને ‘ધ મેરી ટૉપર’. ચિત્ર ‘મેલે બેબી’માં એક ઘરડી બોખી સ્ત્રી ખડખડાટ હસતી દેખાય છે, જેના ખભે એક ઘુવડ બેઠું છે.

હાલ્સનું એક જાણીતું ચિત્ર : ‘જેસ્ટર ગિટાર સાથે, 1620–1625’

1616થી હાલ્સની નાણાકીય સ્થિતિ કથળવી શરૂ થઈ. લેણદારોની ધમકીઓ વધતી ગઈ. 1618માં એ ‘હાર્લેમ સોસાયટી ઑવ્ રેટોરિશિયન્સ’નો સભ્ય બન્યો, છતાં તેણે ખુશમિજાજી વ્યક્તિચિત્રો આલેખવાં ચાલુ રાખ્યાં. તેમાં લેખકો, દુકાનદારો, પ્રથમ હરોળના સરકારી અધિકારીઓ, સર્જનો, લશ્કરી અધિકારીઓ મૉડલ તરીકે નજરે પડે છે.

આશરે 40 વર્ષની ઉંમરે 1620 પછી હવે હાલ્સનાં વ્યક્તિચિત્રોમાં ખુશમિજાજ ગાયબ થાય છે. મૉડલ્સના ચહેરા પર ગમગીની, દુ:ખ અને ચિંતા ઝળકતાં દેખાય છે. જોકે આ સમયે પણ ડચ મધ્યમ વર્ગે તેની પાસે વ્યક્તિચિત્રો ચિતરાવવાં ચાલુ રાખ્યાં હતાં. આ ચિત્રોમાંથી ‘મૅન વિથ આર્મ્સ ક્રૉસ્ડ’, ‘ધ લાફિંગ કેવેલિયર’, ‘પૉર્ટે્રટ ઑવ્ આઇઝેક એબ્રેહેમ્સૂન માસા’, ‘પીટર ફાન ડેન બ્રૉક’, ‘વીલેમ ફાન હેથૂઝેન’, ‘નિકોલસ હેસેલાર’ અને ‘ડેનિયલ ફાન આકેન પ્લેયિંગ ધ વાયોલિન’ ઘણાં જાણીતાં છે. હાલ્સની ચિત્રકામ પદ્ધતિ ‘આલા પ્રીમા’ (Alla Prima) હતી, જેમાં કૅન્વાસ પર રંગનું એક જ વાર આલેખન થાય છે, તેથી રંગનું એક જ પડ બને છે (અને રંગોના પડ ઉપર પડ ચડાવાતાં નથી.).

ઘડપણમાં હાલ્સની મુશ્કેલીઓ વધી. 1650 પછી તેને પૉર્ટ્રેટના ઑર્ડર મળવાનું ઓછું થયું. 1649માં તેણે રેને દેસ્કાર્તે જેવા ફિલસૂફનું પૉર્ટ્રેટ ચીતર્યું હોવા છતાં એની નામના ઘટી. હરીફ પૉર્ટ્રેટ-ચિત્રકાર ઍન્થૉની ફાન ડીક તરફ લોકો વધુ આકર્ષાયા. ફાન ડીકની ઠાઠમાઠવાળી બ્રિટિશ વ્યક્તિચિત્રણાની શૈલી પર ડચ લોકો ઓવારી ગયા. પરિસ્થિતિ એટલી વણસી કે દેવાળું ફેડવા માટે 1654માં એની સંપત્તિની હરાજી થઈ. આવી કંગાળ પરિસ્થિતિમાં પણ તેણે ઉત્તમ વ્યક્તિચિત્રોનું સર્જન ચાલુ રાખ્યું. જોકે તેમાં ક્યાંય હાસ્ય કે આનંદના ફુવારા નથી જોવા મળતા. બાર વર્ષ પછી 1662માં હાર્લેમ નગરે તેને પેન્શન આપવું શરૂ કર્યું. એનાં છેલ્લાં વ્યક્તિચિત્રોમાં ખાસ જાણીતું છે — ‘ગવર્નર્સ ઑવ્ ધ ઓલ્ડ મૅન્સ હોમ ઍટ હાર્લેમ’. તેમાં થાકેલા હતાશ ચહેરા નજરે પડે છે. જોકે મૉડલો અંગે હાર્લેમની પ્રજાએ કોઈ વિરોધ કર્યો હોય એવું નોંધાયું નથી. સમગ્ર જીવનમાં હાલ્સે કદી પણ ખ્રિસ્તી ધાર્મિક વિષયો અંગેનાં ચિત્રો ચીતર્યાં નથી. એને કોઈ શિષ્યો નહોતા, છતાં ચિત્રકાર એડ્રિયન બ્રૂવરે તેની જેમ પીંછીના મુક્ત લસરકાથી યુવાનો-યુવતીઓની મિજબાનીઓ અને વ્યક્તિચિત્રો આલેખ્યાં છે. અઢારમી સદીમાં હાલ્સ ભુલાઈ ગયો. ઓગણીસમી સદીમાં પ્રભાવવાદી ચિત્રકાર એદુઅર્ડ માનેની નજરમાં હાલ્સનાં ચિત્રો વસી જતાં માનેએ એની પીંછીના મુક્ત લસરકાની શૈલી અપનાવી.

અમિતાભ મડિયા