હાર્ટલે, ડેવિડ (Hartley David) (જ. 8 ઑગસ્ટ 1905, આર્મલે, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 28 ઑગસ્ટ 1957, બાથ, સમરસેટ) : અંગ્રેજ તબીબ અને તત્વવેત્તા, જેમણે માનસશાસ્ત્રના તંત્રને અન્ય વિષયો સાથે સાંકળતો ‘એકીકરણવાદ’ (associationism) પ્રથમ રજૂ કર્યો. આધુનિક માનસશાસ્ત્રના સિદ્ધાંતોના પાયામાં હાર્ટલેનો આ એકીકરણવાદ કે જોડાણવાદ અંતર્ગત ભાગ છે. તે પારભૌતિકવાદ(metaphysics)થી અલગ, એવા દેહધાર્મિક માનસશાસ્ત્ર(physiological psychology)ના પુરસ્કર્તા હતા.

ડેવિડ હાર્ટલે

શરૂઆતમાં હાર્ટલેનું શિક્ષણ અંગ્રેજ-પાદરી બનવા માટેનું હતું, પરંતુ તે ઇંગ્લિશ ચર્ચના ઉપદેશોની કેટલીક કલમો સ્વીકારવા તૈયાર ન હોવાને કારણે તે ચર્ચની પવિત્ર ગણાતી પદવી પ્રાપ્ત કરી શક્યા નહિ. ત્યાર બાદ તે તબીબી અભ્યાસ તરફ વળ્યા અને ન્યૂયૉર્ક, નૉટિંગહામશાયર, લંડન અને બાથ ખાતે તબીબી વ્યવસાય શરૂ કર્યો. તેમની મુખ્ય કૃતિ, ‘મનુષ્ય, તેની ફરજો અને તેની અપેક્ષાઓ પર નિરીક્ષણ’ બે ખંડોમાં 1749માં પ્રકાશિત થઈ. આ કૃતિમાંના લેખોને હાર્ટલે તેમનું તત્ત્વજ્ઞાન ક્ષેત્રનું પ્રદાન ગણતા, તેમ છતાં માનસશાસ્ત્રના ઇતિહાસ માટે આ પ્રદાન ખૂબ મહત્વનું રહ્યું. તેમણે એવું પ્રતિપાદન કર્યું કે શરીર અને મન એકબીજાનો સમન્વય સાધી કાર્ય કરે છે. જ્હૉન લોકેના ‘માનવ-સમજશક્તિ અંગેનો નિબંધ’(1700)માંથી કેટલાક વિચારો ગ્રહણ કરી, તેમાંથી તેમણે ‘વિચારોનો સમન્વય’ની વિભાવના તૈયાર કરી. આ વિચારોના સમન્વય કે એકીકરણની વિભાવનામાં તેમણે એવું પ્રતિપાદન કર્યું કે વિચારો એ અનુભવોનું શ્રેણીબદ્ધ વર્ણનાત્મક આંતરજોડાણ છે. હાર્ટલેએ લોકેની આ વિભાવના સાથે ચેતાતંત્રને જોડી કલ્પના, યાદદાસ્ત, તર્ક વગેરે માનસિક ક્રિયાઓ મૂળભૂત સંવેદનાની અનુભૂતિઓનું વિશ્લેષણાત્મક સ્વરૂપ છે એમ પ્રતિપાદિત કર્યું. આમ માનસશાસ્ત્ર અંતર્ભૂત ક્રિયાઓ શરીરની સંવેદક ક્રિયાઓ સાથે સમન્વય કે એકીકરણ સાધે છે અને તેમાંથી એકીકરણવાદ કે સમન્વયવાદ એ તર્કશાસ્ત્રના મૂળભૂત પાયાનું ક્રિયાત્મક ઘટક છે એમ પ્રતિપાદિત કર્યું.

રા. ય. ગુપ્તે