હાર્ટલાઇન હેલ્ડેન કેફર (Hartline Haldan Keffer)

February, 2009

હાર્ટલાઇન, હેલ્ડેન કેફર (Hartline, Haldan Keffer) (જ. 22 ડિસેમ્બર 1903, બ્લુમ્સબર્ગ, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 17 માર્ચ 1983) : સન 1967ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને આ પુરસ્કાર રૅગ્નાર ગ્રેનિટ અને જ્યૉર્જ વાલ્ડ સાથે મળ્યો હતો. તેમને આંખની દૃષ્ટિ સંબંધિત પ્રાથમિક દેહધાર્મિક અને રાસાયણિક પ્રક્રિયાઓની શોધ કરવા માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમનાં માતાપિતા જે શાળામાં શિક્ષકો હતાં ત્યાં જ તેમણે પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. સન 1923માં તેઓ જ્હૉન હૉપ્કિન્સ સ્કૂલમાં જોડાયા. ત્યાં તેમણે દેડકાં, મગજ કાપી કઢાયું હોય તેવી વિમસ્તિષ્ક (decerebrate) બિલાડીઓ અને સસલાંના દૃષ્ટિપટલ(retina)માંના ક્રિયાવિભવો(action potential)નો અભ્યાસ કર્યો. સન 1927માં તેમણે એમ.ડી.ની ઉપાધિ મેળવી. ત્યાર બાદ રાષ્ટ્રીય સંશોધન કાઉન્સિલની 2 વર્ષની અધ્યેતાવૃત્તિ (fellowship) મેળવીને તેમણે ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો, જે તેમને જૈવભૌતિકશાસ્ત્ર(biophysics)ના સંશોધનમાં ઉપયોગી નીવડ્યો. તેમણે એક સેમેસ્ટર માટે યુનિવર્સિટી ઑવ્ મ્યૂનિકમાં પણ અભ્યાસ કર્યો. સન 1931માં તેમણે અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં તબીબી ભૌતિકશાસ્ત્ર માટેના ઇ. આર. જ્હૉન્સન ફાઉન્ડેશનમાં પ્રવેશ મેળવ્યો. હોર્સ-શૂકરચલાના એક-એક જુદા એવા દૃષ્ટિચેતાતંતુઓ (optic nerve fibers) પર ઉત્તેજના અને સમાકૂલન(adaptation)ના પ્રયોગો કર્યા. 1940ના દાયકાની શરૂઆતમાં રાત્રીકાલીન દૃષ્ટિ અંગે માનવ-સ્વયંસેવકો પર પ્રયોગ કર્યા. સન 1940–41માં તેઓ ન્યૂયૉર્કની કોર્નલ મેડિકલ કૉલેજમાં ઍસોસિયેટ પ્રાધ્યાપક થયા; પરંતુ પછી તે જ્હૉન્સન ફાઉન્ડેશનમાં પાછા ફર્યા અને સન 1949 સુધી ત્યાં રહ્યા. સન 1949માં તેઓ જ્હૉન હૉપ્કિન્સ યુનિવર્સિટીમાં જૈવભૌતિકવિદ્યાના પ્રાધ્યાપક બન્યા. ત્યાં તેમણે દૃષ્ટિ-ઉત્તેજના અંગે કોષોની અંદર પ્રયોગો કર્યા. તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયેલાં હતાં. સન 1936માં તેમણે ઇલિઝાબેથ ક્રૉસ સાથે લગ્ન કર્યાં. તેમને 3 પુત્રો થયા હતા.

શિલીન નં. શુક્લ