હાર્ટવેલ લેલૅન્ડ એચ. (Hartwell Leland H.)

February, 2009

હાર્ટવેલ, લેલૅન્ડ એચ. (Hartwell, Leland H.) (જ. 30 ઑક્ટોબર 1939, લૉસ ઍન્જેલિસ, યુ.એસ.) : સન 2001ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યાના ત્રીજા ભાગના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમની સાથે સહવિજેતા હતા આર. ટિમોથી હંટ તથા પોલ એન. નર્સ. તેમને કોષચક્ર(cell cycle)ના મહત્વના નિયામકો (regulators) શોધી કાઢવા માટે સન્માન અપાયું હતું. કોષની સંખ્યાવૃદ્ધિ કોષદ્વિભાજન(mitosis)ની પ્રક્રિયા દ્વારા થાય છે.

લેલૅન્ડ એચ. હાર્ટવેલ

કોષ કોષદ્વિભાજનના તબક્કામાં પ્રવેશે તે પહેલાં કોષદ્રવ્યોનું ઉત્પાદન (સંશ્લેષણ, synthesis) થાય છે તથા દ્વિભાજન પછી તે સ્થિર સ્થિતિમાં ફરીથી સંશ્લેષણના તબક્કા તરફ આગળ વધે છે. આ ચક્રીય ઘટનાને કોષચક્ર કહે છે. તેનું નિયમન કરતા જનીનોની શોધે તેમને આ સન્માન પ્રાપ્ત કરાવ્યું હતું. તેમની મોટી પિતરાઈ બહેને જે શાળામાં શીખ્યું હોય તે જાણવાથી તેમનું પ્રારંભિક શિક્ષણ થયું; પરંતુ તેમની ભણવા માટેની ઇચ્છા બીજા એક ગામની શાળામાં અભ્યાસ શરૂ થયો ત્યારથી થઈ. ગણિત–ભૌતિકશાસ્ત્રના રસે તેમને કૅલિફૉર્નિયા સ્કૂલ ઑવ્ ટૅક્નૉલૉજી તરફ વાળ્યા. સન 1961માં તેઓ સ્નાતક થયા અને સન 1964માં તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી પીએચ.ડી. થયા. તેમણે તે સમયગાળામાં જનીન-નિયમન (gene regulation) પર અભ્યાસ કર્યો. તેમણે સૅકેરોમાયસિસ સેરિલિસિઆઇ નામ આખરણ-યીસ્ટ (backer’s yeast) નામના સમકોષકેન્દ્રી (eukaryotic) સજીવ પર અભ્યાસ કર્યો. 3 વર્ષ કામ કર્યા પછી તેઓ સિયેટલના જિનેટિક વિભાગમાં જોડાયા. તેમણે કરેલા આ કાર્યને અંતે તેમણે સન્માનને લાયક સંશોધન કર્યું.

શિલીન નં. શુક્લ