હાર્ટફૉર્ડ : યુ.એસ.ના કનેક્ટિકટ રાજ્યનું પાટનગર તથા બ્રિજપૉર્ટથી બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 41° 46´ ઉ. અ. અને 72° 41´ પ. રે. પર રાજ્યના ઉત્તર તરફના મધ્ય ભાગમાં કનેક્ટિકટ નદીના કાંઠા પર વસેલું છે. આ શહેર નદીના પૂર્વ કાંઠા તરફ પૂર્વ હાર્ટફૉર્ડ અને પશ્ચિમ કાંઠા તરફ પશ્ચિમ હાર્ટફૉર્ડ – એમ બે વિભાગોમાં વહેંચાયેલું છે. લૉંગ આઇલૅન્ડ સાઉન્ડથી તે આશરે 61 કિમી.ને અંતરે આવેલું છે. નદી દ્વારા થતી હોડીઓની અવરજવરની સગવડો સાચવવા માટે તે નૌકામથક તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. આ શહેરને યુ.એસ.નું ‘વીમાનગર’ – Insurance City – પણ કહે છે, કારણ કે અહીં આશરે 50 જેટલી વીમાકંપનીઓનાં મુખ્ય મથકો આવેલાં છે; 1794ના ફેબ્રુઆરીની 8 તારીખે અહીં વીમા અંગેનું સર્વપ્રથમ કામકાજ શરૂ થયેલું.

હાર્ટફૉર્ડ શહેર રાજ્યનું અગત્યનું વાણિજ્ય અને ઉત્પાદક મથક બની રહેલું છે. અહીંના મહત્વના ઉદ્યોગોમાં હવાઈ યાનોની સામગ્રી, યંત્રસામગ્રી, વીજસાધનસામગ્રી, રસાયણો, ચોકસાઈ ધરાવતાં સાધનો અને ઓજારો તૈયાર કરવાના એકમોનો સમાવેશ થાય છે. અહીં ઉદ્યોગો સ્થાપવાની શરૂઆત 19મી સદીના અંતિમ ચરણ વખતે થયેલી.

 

કૅપિટોલ ઇમારત

ટ્રિનિટી કૉલેજ (1823), હાર્ટફૉર્ડ સેમિનરી ફાઉન્ડેશન (1834), મૉર્સ સ્કૂલ ઑવ્ બિઝનેસ (1860), હાર્ટફૉર્ડ કૉલેજ ફૉર વીમેન (1939), યુનિવર્સિટી ઑવ્ કનેક્ટિકટનો વિસ્તરણ વિભાગ (1940), હાર્ટફૉર્ડ સ્ટેટ ટૅકનિકલ કૉલેજ (1946) તથા ગ્રેટર હાર્ટફૉર્ડ કૉમ્યુનિટી કૉલેજ (1967) અહીંની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ છે. આ શહેર લબ્ધપ્રતિષ્ઠ લેખક-અધ્યાપક જ્હૉન ફિસ્કે (John Fiske) અને જાણીતા શરાફ જે. પી. મૉર્ગનનું જન્મસ્થળ છે. હેરિયટ બિયર સ્તોવ, માર્ક ટ્વેઇન (જેમનું નિવાસસ્થાન જાળવી રાખવામાં આવેલું છે.), ચાર્લ્સ ડડલી વૉર્નર, શિક્ષણવિદ હેન્રી બર્નાર્ડ અને ધર્મશાસ્ત્રોના જાણકાર હૉરેસ બુશનેલ આ શહેરના નિવાસીઓ હતા.

1633માં ન્યૂ ઍમસ્ટરડૅમના ડચ વેપારીઓ કનેક્ટિકટ નદીની સહાયક નદી પાર્કના મુખ પર આવેલા. તેમણે અહીં એક કિલ્લો બાંધેલો; પરંતુ પ્રથમ વસાહત તો મેસેચૂસેટ્સ(હવે કેમ્બ્રિજ)ના ન્યૂ ટાઉનમાંથી 60 જેટલા અંગ્રેજો અહીં 1635માં આવેલા તેમણે સ્થાપેલી. 1636માં અહીં ખ્રિસ્તી ચર્ચ બંધાયું. 1637 પછીથી અહીં વસાહતોના વિકાસની શરૂઆત થયેલી.

1874માં શહેરના જૂના અને નવા વિભાગોને ભેળવી દેવામાં આવ્યા. 1879માં અહીં આરસપહાણ અને ગ્રૅનાઇટનો ઉપયોગ કરીને કૅપિટોલ ઇમારત બાંધવામાં આવી, તેમાં ઐતિહાસિક મહત્વ ધરાવતી ઘણી ચીજો જાળવી રાખવામાં આવેલી છે; તેમાં જ ક્રાંતિકારી યુદ્ધવીર ‘ઇઝરાયલ પુટનામ’ની કબર પણ છે. આ ઉપરાંત અહીં ચાર્લ્સ બુલફિન્ચે જે સ્થાપત્યને આકાર આપેલો તે ઈંટોથી બાંધેલું ત્રણ મજલાનું જૂનું સ્ટેટહાઉસ (1796) પણ છે.

કલા-સંગ્રહાલય વર્ડ્ઝવર્થ ઍથિનિયમ

1844માં ખુલ્લું મુકાયેલું, યુ.એસ.માં જૂનું ગણાતું જાહેર કલા-સંગ્રહાલય વર્ડ્ઝવર્થ ઍથિનિયમ – Wordsworth Atheneum – અહીંનું જોવાલાયક સ્થળ ગણાય છે. અહીંનું કૉન્સ્ટિટ્યૂશન પ્લાઝા 1964માં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે.

હાર્ટફૉર્ડની વસ્તી 1,28,367 (1999).

ગિરીશભાઈ પંડ્યા