હારૂન, અલ્ રશીદ (જ. ફેબ્રુઆરી 766, રે, ઈરાન; અ. 24 માર્ચ 809, તુસ) : અબ્બાસી વંશનો પાંચમો અને નામાંકિત ખલીફા. તે સમયે મુસ્લિમ સામ્રાજ્યમાં ઉત્તર આફ્રિકા, સ્પેનનો કેટલોક પ્રદેશ, મોટા ભાગના મધ્ય-પૂર્વના દેશો અને ભારતના કેટલાક પ્રદેશનો સમાવેશ થતો હતો. હારૂન વિદ્યા, સંગીત તથા કલાઓનો આશ્રયદાતા હતો. તેના અમલ દરમિયાન સામ્રાજ્ય સમૃદ્ધ થયું અને પાટનગર બગદાદ સંસ્કૃતિ અને સંપત્તિનું કેન્દ્ર બન્યું. અરબી ભાષાની પ્રખ્યાત લોકકથાઓના સંગ્રહ ‘અરેબિયન નાઇટ્સ’માં હારૂન મુખ્ય નાયક હતો.
હારૂન ખ્રિસ્તી બાઇઝેન્ટાઇન સામ્રાજ્ય સામે અનેક લડાઈઓ લડ્યો હતો અને કેટલીક વાર તે મુસ્લિમ લશ્કરનો સેનાપતિ હતો. ઈ. સ. 782માં મુસ્લિમોનું લશ્કર બોસ્પોરસ સુધી પહોંચી ગયું અને તેમને લાભદાયી એની સંધિ કરવામાં આવી. આ સિદ્ધિ બદલ હારૂનને ‘અલ્ રશીદ’(કે ‘અર્ રશીદ’)નો સન્માનદર્શક ઇલકાબ આપવામાં આવ્યો હતો. તેનો અર્થ ‘ન્યાય્ય (ઉચિત) માર્ગને અનુસરનાર’ એવો થાય છે. હારૂને બગદાદમાં નિશાળો, કૉલેજો અને જાહેર મકાનો બંધાવ્યાં હતાં. તેણે વેપારનો વિકાસ કર્યો. તેથી આર્થિક સમૃદ્ધિ વધી. ખલીફા પોતે વિદ્વાન અને કલાપ્રિય હતો. તેથી તેણે બગદાદને શણગારીને વિદ્યાધામ તથા કલાધામ બનાવ્યું. કાર્યક્ષમ વહીવટી તંત્ર સ્થાપીને તેણે દેશમાં બાહ્ય આક્રમણોથી સુરક્ષા અને આંતરિક શાંતિ સ્થાપી હતી. તેના રાજ્યમાં પ્રજા સુખી અને સમૃદ્ધ હતી.
તેનો રાજ્યકાળ (786–809) માત્ર અબ્બાસીઓનો નહિ બલ્કે સમગ્ર મુસ્લિમ ઇતિહાસના શ્રેષ્ઠ યુગ તરીકે ગણાય છે. તેના સમય દરમિયાન પશ્ચિમથી પૂર્વ સુધી વિસ્તરેલી મુસ્લિમ સત્તા માનવ-કલ્યાણ, સમૃદ્ધિ, જ્ઞાન, વિજ્ઞાન, વિદ્યા, સાહિત્યનાં પ્રસારણ અને શક્તિ તથા વૈભવની બાબતોમાં પણ ઉચ્ચતાના શિખરે પહોંચી હતી. બાળપણ અને યુવાનીમાં હારૂનનો થયેલો શાહી ઉછેર અને તેના વ્યક્તિગત ગુણોને લઈને રાજ્યના સર્વાંગી વિકાસમાં એવી વૃદ્ધિ થઈ હતી, જે વિશ્વભરના ઇતિહાસમાં સન્માનિત ગણવામાં આવે છે.
જેકબ જોર્ડન્સ દ્વારા ચિત્રિત હારૂન અલ-રશીદની શાર્લમેનને અપાયેલ અંજલિ
હારૂનના રાજ્યકાળની વિશિષ્ટતાઓ આ પ્રમાણે બતાવવામાં આવી છે : હારૂને પશ્ચિમના રાજા શાર્લમેન (Charlemagne) સાથે રાજદ્વારી સંબંધો બાંધ્યા હતા તથા રાજપુરુષો અને ભેટોની પરસ્પર આપલે કરી હતી. એવી જ રીતે હિન્દના કોઈ અનામી રાજા તરફથી પણ હારૂનને ભેટો મળી હતી. આ હકીકત અબ્બાસી સત્તાના વ્યાપનો ખ્યાલ આપે છે. હારૂને રાજ્યની પશ્ચિમી સીમાઓ રોમન સામ્રાજ્યના વિસ્તારો સુધી લંબાવી અને કેટલાક રાજવીઓ પાસેથી ખંડણી વસૂલ કરવાનું પણ શરૂ કર્યું હતું. હારૂને બલ્ખના મૂળ બૌદ્ધ વિહાર(નામ, નવબહાર)ના મુખ્ય પૂજારીઓ(પ્રમુખો)ના બર્મકી ખાનદાનના લાયક નબીરાઓને પોતાના મંત્રીઓ બનાવી તેમની સેવાઓનો ખૂબ લાભ લીધો હતો. અબ્બાસી વંશની સ્થાપનાના કાળથી ખાલિદ નામનો બર્મૂક (પ્રમુખ) યુવાન અબ્બાસીઓની ચળવળમાં જોડાઈ ગયો હતો. તે જ્ઞાની, વિદ્વાન, ચતુર, શૂરવીર અને ચારિત્ર્યવાન હતો. ખાલિદ અબ્બાસીઓનો પ્રથમ મંત્રી બન્યો હતો. તેનો દીકરો યહયા પણ કાબેલ હતો. તેણે હારૂનને શિક્ષણ આપ્યું હતું અને હારૂનને ખિલાફત પ્રાપ્ત થતાં તે તેનો વજીર બન્યો હતો. આ બર્મકી ખાનદાનના બીજા નબીરાઓ ફઝલ તથા જાફરે પણ વફાદારીપૂર્વક હારૂનની સેવાઓ બજાવી હતી. તેમણે પોતાના ભવ્ય મહેલો દ્વારા બગદાદની રોનક વધારી તો બીજી તરફ શ્રેષ્ઠ વહીવટ મારફત સમગ્ર સલ્તનતના સર્વાંગી વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો. આ બધાનો યશ છેવટે હારૂનને ફાળે જાય છે.
મહેસૂલી આવક વધી ગઈ હતી, જે મોટે ભાગે કલ્યાણકારી કાર્યો માટે વપરાતી હતી. ઈરાનની ખાડી(Persian Gulf)ના બંદર બસરાથી પાટનગર બગદાદ સુધી જળમાર્ગે વેપારનાં દ્વાર ખૂલતાં ભારત, ચીન તથા દક્ષિણ-પૂર્વ એશિયાના અન્ય દેશો સાથેનો વેપાર વધી ગયો હતો. પશ્ચિમમાં જમીન-માર્ગો સલામત બનતાં વેપારનો અનન્ય વિકાસ થયો હતો અને રાજ્યની આવકમાં અનેકગણો વધારો શક્ય બન્યો હતો. હારૂનના યુગમાં વિદ્યાનો થયેલો વિકાસ એ સૌથી વધુ નોંધપાત્ર સિદ્ધિ છે. હારૂન વિદ્યા અને કલાનો શોખીન હતો. તેણે બગદાદમાં વિદ્યા સંસ્થા (અકાદમી) સ્થાપી હતી; જેમાં ગ્રીક, લૅટિન, ફારસી તથા સંસ્કૃતના વિદ્વાનોને આમંત્રણ આપીને તેમની ભાષાઓની ગણિત, ખગોળશાસ્ત્ર, વૈદક, વ્યાકરણ વગેરેની શ્રેષ્ઠ કૃતિઓના અરબી અનુવાદો કરાવવામાં આવ્યા હતા. આ અનુવાદોએ અરબોને આધુનિક વિજ્ઞાનોથી પરિચિત કર્યા હતા અને વધુ સંશોધનો કરવા પ્રેરણા આપી હતી. હારૂન પોતે અરબી ભાષાનો કવિ અને ઉપાસક હતો. તેણે કવિઓ, વિદ્વાનો, લેખકો, કલાકારો, ગાયકો, સંગીતકારો વગેરેને આશ્રય આપ્યો હતો. અરબીનો પ્રથમ પંક્તિનો કવિ અબૂ નુવાસ તેનો ગાઢ મિત્ર હતો, જેણે પોતાનાં કાવ્યોમાં હારૂનનાં પરાક્રમોનું સુંદર વર્ણન પૂરું પાડ્યું છે.
હારૂને તેના સમયના મહાન કાયદાશાસ્ત્રી કાઝી અબૂ યૂસુફ પાસે ‘કિતાબુલ ખિરાજ’ નામનું પુસ્તક લખાવ્યું હતું, જે રાજ્યના નાણાકીય વહીવટ અંગેનું શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે. આ કાઝી અબૂ યૂસુફ જે તદ્દન ન્યાયી અને નિષ્પક્ષ હતા, તેમની ભલામણો મુજબ રાજ્યનો વહીવટ ચલાવવામાં આવતો હતો. હારૂનના સમયનાં મસ્જિદ, મકબરા, મહેલની ભવ્ય ઇમારતો બગદાદ ઉપરાંત અન્ય નગરોમાં પણ આજે તેના સમયની જાહોજલાલીની યાદ પૂરી પાડે છે. હારૂનની પ્રથમ બેગમ ઝુબેદા એક શોખીન અને ધર્મપ્રિય સ્ત્રી હતી. તેણે મક્કા-મદીનાની યાત્રા દરમિયાન મદીના સુધી 40 કિમી. લાંબી એક નહેર બંધાવી હતી, જે નહેર ઝુબૈદા નામે આજે પણ અસ્તિત્વ ધરાવે છે.
હારૂન એક શક્તિશાળી રાજવી હોવા છતાં, ગરીબ અને ફકીર લોકોની શિખામણની વાતો સાંભળીને ખૂબ રડતા હતા. એક દિવસ કૂફા નગરની ગલીઓમાં બેહલોલ નામના દર્વિશનો ભેટો થતાં તેમણે હારૂનને સંબોધીને કહ્યું : માની લે કે તું જગતનો રાજવી બની ગયો અને માનવજાત તારી પ્રજા બની ગઈ, તોયે શું ? કાલે તારું ઠેકાણું કબરનો ખાડો બનશે. આ સાંભળીને હારૂને ઘણું રુદન કર્યું. હારૂને બેહલોલને કહ્યું કે, ‘હું તમારા માટે આજીવિકાનું કોઈ સાધન નક્કી કરી આપું ?’ બેહલોલે ઉત્તર આપ્યો કે હું અને તમે બંને એક ઈશ્વરના બંદા છીએ તેથી એ તો તદ્દન અશક્ય છે કે ઈશ્વર તમારી રોજીનો બંદોબસ્ત કરે અને મારી રોજીનો વિચાર પણ ના કરે ? તેઓ એક વાર હજયાત્રાએ જઈ રહ્યા હતા ત્યારે અચ્દૂન નામના મજનૂએ સંભળાવ્યું કે દુનિયાને તમારા દુશ્મનો માટે છોડી દો, કેમ કે જે દુનિયા તમને આજે ખૂબ હસાવી રહી છે તે કાલે તમને ખૂબ રડાવશે.
હારૂનનું મૃત્યુ બગદાદથી માઈલો દૂર ઉત્તર-પૂર્વ ઈરાનના તૂસ નામના નગરમાં થયું હતું અને અજ્ઞાત સ્થળે તેની કબર બની હતી.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી