હસાબિસ, ડેમિસ

February, 2025

હસાબિસ, ડેમિસ (Hassabis, Demis) (જ. 27 જુલાઈ 1976, લંડન, યુનાઇટેડ કિંગ્ડમ) : પ્રોટીનના માળખાના અનુમાન માટે 2024નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ ડેમિસ હસાબિસ તથા જ્હૉન જમ્પરને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. પુરસ્કારનો અન્ય અર્ધભાગ ડેવિસ બેકરને પરિકલન અથવા ગાણિતિક પ્રોટીન રચના (કમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન) માટે એનાયત થયો હતો.

ડેમિસ હસાબિસના પિતા ગ્રીક અને માતા સિંગાપોરનાં હતાં તથા તેમનો ઉછેર ઉત્તર લંડનમાં થયો હતો. કારકિર્દીના આરંભિક તબક્કામાં તેઓ વીડિયો રમતો (video games) માટેના આર્ટિફિશિયલ  ઇન્ટેલિજન્સ પ્રોગ્રામર અને ડિઝાઇનર હતા. તેઓ કુશળ ચેસ-ખેલાડી હતા અને ચેસ-હરીફાઈઓમાં અનેક ખિતાબોના વિજેતા હતા. 1988થી 1990 દરમિયાન તેમણે ક્વીન એલિઝાબેથ સ્કૂલ, બાર્નેમાં શિક્ષણ લીધું. તે પછી માતા-પિતા પાસે ઘેર અભ્યાસ કર્યો, જે દરમિયાન પોતાનું પ્રથમ કમ્પ્યૂટર ખરીદ્યું, જેની મદદથી તેમણે પ્રથમ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પ્રોગ્રામ લખ્યો. ત્યારબાદ બુલફ્રૉગ પ્રોડક્શન તથા લાયનહેડ જેવી કમ્પ્યૂટર ગેઇમ્સ બનાવનાર કંપનીઓમાં પ્રોગ્રામર તરીકે કામ કર્યું. 1998માં તેમણે પોતાની કંપની એલિક્સિર સ્ટુડિયોઝની સ્થાપના કરી, જેનું કાર્ય કમ્પ્યૂટર ગેઇમ્સ વિકસાવવાનું હતું.

તે પછી તેઓ વધુ અભ્યાસ તરફ વળ્યા અને 2009માં યુનિવર્સિટી કૉલેજ લંડનમાંથી કોગ્નાઇટિવ (જ્ઞાનાત્મક) ન્યુરોસાયન્સ(ચેતાવિજ્ઞાન)માં પીએચ.ડી.ની પદવી મેળવી. નવા AI પ્રોગ્રામ માટે તેઓ મનુષ્યના મગજ પાસેથી પ્રેરણા લેવા માંડ્યા. મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી (MIT) તથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં મુલાકાતી વૈજ્ઞાનિક તરીકે ચેતાવિજ્ઞાન (ન્યુરોસાયન્સ) તથા કૃત્રિમ બુદ્ધિ(Artificial Intelligence–AI)માં સંશોધનો કર્યાં અને યુનિવર્સિટી કૉલેજ લંડનમાં પોસ્ટ-ડૉક્ટરલ ફેલોશિપ પ્રાપ્ત કરી. તેમણે કલ્પના (imagination), સ્મૃતિ (memory) તથા સ્મૃતિભ્રંશ (amnesia) પર સંશોધનો કર્યાં. તેઓ ગૂગલ ડીપમાઇન્ડ નામે મશીન લર્નિંગ AI માટેનું નવું સાહસ/સ્ટાર્ટ-અપ કંપનીના મુખ્ય કાર્યવાહક અધિકારી (CEO) છે. ડીપમાઇન્ડનો ઉદ્દેશ્ય ‘બુદ્ધિ શું છે’ એ કોયડો ઉકેલવાનો છે. હસાબિસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(કૃત્રિમ બુદ્ધિ)નાં સંભવિત જોખમો સામે ચેતવણી આપી છે. 2016માં ડીપમાઇન્ડ દ્વારા AIનો ઉપયોગ પ્રોટીનના ત્રિ-પારિમાણિક માળખાના અનુમાન માટે કર્યો અને તે માટે આલ્ફાફોલ્ડ(Alphafold) પ્રોગ્રામની રચના કરી.

ડેમિસ હસાબિસને અનેક પુરસ્કારો અને ઇનામો પ્રાપ્ત થયાં છે, જેમાં બાયૉમેડિકલ વિજ્ઞાનનું વિલી ઇનામ, ગ્લોબલ સ્વિસ પુરસ્કાર તથા ગોલ્ડન પ્લેટ પુરસ્કારનો સમાવેશ થાય છે.

પૂરવી ઝવેરી