હળદરવો : દ્વિદળી વર્ગમાં આવેલા રૂબિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adina cordifolia (Roxb.) Hook f. ex Brandis (સં. હારિદ્રાક, હરિદ્રુ, પીતદારુ, બહુફલ, કદમ્બક; હિં. હલ્દ, હલ્દુ, કરમ; બં. કેલીકદંબ, ધૂલિકદંબ, દાકમ; મ. હેદ, હલદરવા, હેદુ; ગુ. હેદ, હળદરવો; કો. એદુ; ક. અરસિંટેગા, યેટ્ટેગા; મલ. ત. મંજકદંબ; ઉ. હોલોન્ડો; તે. બનદારુ, પાસુપુ-કદંબ; વ્યાપારિક-હુલ્દુ) છે.
સ્વરૂપ : તે એક મોટું, પર્ણપાતી (deciduous), વિશાળ પર્ણમુકુટ (crown) ધરાવતું અને ખાંચોવાળા સીધા મુખ્ય થડવાળું, 18 મી. સુધીનું ઊંચું વૃક્ષ છે. તે ભારતમાં પર્ણપાતી જંગલોમાં અને ઉપ-હિમાલયી માર્ગોમાં 900 મીટરની ઊંચાઈ સુધી થાય છે. વળી, તે દક્ષિણ ભારતનાં જંગલોમાં – ખાસ કરીને પૂર્વઘાટ કોંકણ અને કર્ણાટકમાં પણ સામાન્ય હોય છે. છાલ આછી ભૂખરી, અંદરની બાજુએ આછા લાલ રંગની તથા સફેદ લીટીઓવાળી, 1.8 સેમી. જાડી હોય છે અને તેનું અપશલ્કન (exfoliation) પટા સ્વરૂપે થાય છે. પર્ણો સાદાં, સંમુખ, 10–30 સેમી. વ્યાસવાળાં, પહોળાં, અંડાકાર કે વર્તુલ-હૃદયાકાર (orbicular-cordate), ટૂંકી અણીવાળાં, ચર્મિલ (coriaceous), ઉપપર્ણીય (stipulate) અને પર્ણદંડ 2.5–5.0 સેમી. લાંબાં હોય છે. પુષ્પો પીળા રંગનાં અને વૃન્ત (penduncle) ઉપર ગોળાકારે મુંડક (head) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ પ્રાવર પ્રકારનાં, ફાચર આકારનાં 12.5 મિમી. વ્યાસનાં અને બહુબીજમય હોય છે. બીજ ખૂબ નાનાં હોય છે.
હળદરવાનું થડ ઘણી વાર 6 મી. જેટલો ઘેરાવો ધારણ કરે છે અને તેનો તલ ભાગ કેટલેક અંશે આધારવાળો (buttressed) હોય છે.
પર્યાવરણ અને પ્રસર્જન : ટેકરીઓના નીચા ઢોળાવો પરની સારી નિતારવાળી જમીન પર ગોલાશ્મો (boulders) વચ્ચે હળદરવાનો સૌથી સારો વિકાસ થાય છે. તેનો સારા નિતારવાળી કાંપમય (alluvial) જમીન પર પણ સારો વિકાસ થાય છે. દૃઢ મૃદા (stiff soil) પર તેનાં વૃક્ષો કુંઠિત રહે છે. કુદરતી આવાસમાં તેને મહત્તમ છાયા-તાપમાન 38° થી 47° સે. અને લઘુતમ તાપમાન –1° થી –11° સે. અને સામાન્ય વરસાદ 85 થી 375 સેમી. અનુકૂળ હોય છે.
હળદરવો (Adina cordifolia) : તેની શાખા, પુષ્પવિન્યાસ અને પુષ્પ
હળદરવો પ્રકાશાપેક્ષી (light demander) છે; છતાં તેના રોપાને મધ્યમ છાંયડો લાભદાયી હોય છે. રોપાઓ શુષ્કતા-સંવેદી અને વૃક્ષ મધ્યમ હિમ-સહિષ્ણુ (frost-hardy) હોય છે. બીજ અત્યંત નાનાં હોવાથી અને રોપાઓની પ્રકૃતિ નાજુક હોવાથી આ જાતિનું નૈસર્ગિક પ્રજનન બહુ સફળ થતું નથી. સફળ નૈસર્ગિક પ્રજનન માટે ચરાણ-(grazing)થી રક્ષણ મળવું આવશ્યક હોય છે.
કૃત્રિમ પ્રસર્જન માટે વધારે પ્રમાણમાં રેતી કે કોલસાની ભૂકી ધરાવતી ચાળેલી મૃદાની બનાવેલી ઊંચી ક્યારીઓમાં રોપાઓ સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. બીજ-પેટીઓ (seed-boxes) વધારે સફળ જણાઈ છે. રોપાને સૂર્ય અને વરસાદથી રક્ષણ આપવું જરૂરી હોય છે. પાણી પાતળી ધારવાળા ફુવારા વડે આપવામાં આવે છે. 2–3 માસમાં રોપા એટલા મોટા બને છે કે તેઓનું આરોપણ કરી શકાય છે. તેમનું આરોપણ કાળજીપૂર્વક કરવામાં આવે છે, કારણ કે શુષ્કતાને લીધે તે મૃત્યુ પામે છે. રોપાઓની આસપાસની મૃદા શિથિલ રાખવામાં આવે છે. તેમની વૃદ્ધિ ઉત્તેજવા મૃદા અપતૃણરહિત રાખવામાં આવે છે. સ્થૂલ-રોપણ (stump-planting) પણ સારાં પરિણામો આપે છે.
કાષ્ઠ : તે ચળકતું, તૃણ-પીત(straw-yellow)થી આછા પીળાશ પડતા કે રાતા-બદામી રંગનું, હલકાથી મધ્યમ-ભારે (વિ. ગુ. 0.65, વજન 648 કિગ્રા./ઘમી.), સામાન્યત: સુરેખ કે અંતર્ગ્રથિત (interlocked) કણિકાયુક્ત અને સૂક્ષ્મ–તથા સમ-ગઠનવાળું (fine-and even-textured) હોય છે. તે મધ્યમસરનું દૃઢ હોય છે અને જો તિર્યક્-કણિકાયુક્ત (cross-grained) હોય તો બરડ હોય છે. સાગના ગુણધર્મોની તુલનામાં હળદરવાના ઇમારતી કાષ્ઠની ટકાવારીમાં ઉપયુક્તતા (suitability) આ પ્રમાણે છે : વજન 98, પાટડાનું સામર્થ્ય (strength) 79; પાટડાની દુર્નમ્યતા (stiffness) 78, સ્તંભની ઉપયુક્તતા 83, આઘાત-અવરોધકક્ષમતા 72, આકારની જાળવણી 88, અપરૂપણ (shear) 95 અને કઠિનતા (hardness) 101.
ખુલ્લી સ્થિતિમાં કાષ્ઠ મધ્યમસરનું ટકાઉ અને આવરણ હેઠળ ટકાઉ હોય છે. ગ્રેવયાર્ડ કસોટી પ્રમાણે તેનું સરેરાશ જીવન 24–59 મહિનાઓ સુધીનું હોય છે. તેના પર કરવતકામ સરળતાથી થાય છે; તે સારી રીતે પૉલિશ ગ્રહણ કરે છે અને તેનું સંશોષણ (seasoning) સારી રીતે થાય છે. લીલા પાટડાઓનું રૂપાંતર સૌથી સારી રીતે થાય છે અને તેમના આવરણ હેઠળ 12 માસ માટે સંશોષણ કરવામાં આવે છે. કાષ્ઠનું ક્લીન-શુષ્કન (klin-drying) અને ક્લીન-સંશોષણ (klin-seasoning) સરળતાથી થઈ શકે છે. કાષ્ઠની સપાટીએ કેટલાક પ્રમાણમાં તિરાડો પડે છે; પરંતુ ઊંચા તાપમાને સંશોષણ કરવાથી તિરાડો પડતી અટકાવી શકાય છે. તે સફેદ સડા કરતાં બદામી સડા માટે વધારે સંવેદી હોય છે. શુષ્ક કાષ્ઠની ઊધઈથી તે અત્યંત સંવેદી હોય છે; પરંતુ અંત:ભૂમિક (subterranean) ઊધઈ સામે અતિ અવરોધક હોય છે. Batocera rufomaculata અને Xylotrechus smei નામના વેધકો ઇમારતી કાષ્ઠ પર આક્રમણ કરે છે.
હળદરવાનું કાષ્ઠ બાંધકામ માટે ઉપયોગી છે. તળિયું બનાવવા (flooring) અને રેલવે ડબ્બાઓના પ્રપટ્ટન (panelling) તથા બૉબિન માટે તે સૌથી સારાં ભારતીય કાષ્ઠ પૈકી એક છે. તેનો માળખાઓ (frames), બારીઓ, બારણાં, છત, રેલવે સ્લિપર, રાચરચીલું, ચા માટેની પેટીઓ, હોડકાં, પરિવેષ્ટન (packing) માટેનાં ખોખાંઓ, દીવાસળીઓ, સિગાર-બૉક્સ, છીંકણીની પેટીઓ, કાંસકા, બ્રશ, ધૂંસરી, પીપડાં, પાટિયાં, છાપરાં, રમકડાં, ફૂટપટ્ટીઓ અને કૃષિ માટેનાં ઓજારો બનાવવા માટે ઉપયોગ થાય છે. તે ખરાદીકામ (turnery) માટે સૌથી સારું ઇમારતી કાષ્ઠ ગણાય છે. તે કોતરકામમાં, સ્લેટની ફ્રેમ, ઘરેણાં રાખવા માટેના નકશીદાર દાબડાઓ અને ચિત્રોની ફ્રેમ બનાવવામાં વપરાય છે. તે ઈંધણ માટેનું અત્યંત સારું કાષ્ઠ છે. તેના કાષ્ઠ ઉપર લાખનો રંગ ઘણો થાય છે.
હળદરવાનું કાષ્ઠ વ્યાપારિક દૃષ્ટિએ અને જલસહ (water-proof) પ્લાયવૂડ માટે પ્રથમ કક્ષાનું ગણાય છે. વીંટાળવાના, લખવાના, બ્રેઇલ લિપિ માટેના અને છાપકામ માટેના કાગળો આ કાષ્ઠના ગરમાંથી બનાવવામાં આવે છે.
બંધારણ : થડ પર કાપ મૂકવાથી અથવા તેના વહેરના નિષ્કર્ષણથી નારંગી રંગની તૈલી રાળ (oleoresin) પ્રાપ્ત થાય છે. તેના ગુણધર્મો આ પ્રમાણે છે : ઘનતા (d45°) 0.9358–0.9429; વક્રીભવનાંક 1.5058–1.5138, વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન –3°7´થી –14°2´, ઍસિડ આંક 5.6–9.2, સાબુકરણ આંક 12.6–16.8 અને ઍસિટાઇલીકરણ પછી સાબૂકરણ આંક 31.8–52.6. તે બાષ્પશીલ તેલ (5.2–6.8 %) ઉત્પન્ન કરે છે. કાષ્ઠનું (જલરહિત) રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : α-સૅલ્યુલોઝ 70.0 %, β-સૅલ્યુલોઝ 0.95 %, γ-સૅલ્યુલોઝ 2.26 %, લિગ્નિન 21.8 %, હૅમિસૅલ્યુલોઝ A 8.02 % અને હૅમિસૅલ્યુલોઝ B 3.02 %. અંત:કાષ્ઠ(heartwood)ના વિભંજક નિસ્યંદન (destructive distillation)થી (ઓવન-શુષ્ક આધારિત) પાણી 9.3 %, કોલસો 32.1 %, કુલ નિસ્યંદિત (total distillate) 48.1 %, પાયરોલિગ્નિનયુક્ત ઍસિડ 47.3 % (આર્દ્ર), 38.0 (શુષ્ક) [ઍસિડ 5.2 %, ઍસ્ટર 3.96 %, ઍસિટોન 3.5 % અને મિથેનૉલ 1.25 %] અને ડામર 10.2 % ઉત્પન્ન થાય છે. અંત:કાષ્ઠમાં એડિફોલિન, કોર્ડિફોલિન, 10-ડીઑક્સિએડિફોલિન, 10-ડીઑક્સિકૉર્ડિફોલિન, બૅન્ઝોઇક ઍસિડ, અમ્બેલીફેરોન અને β-સિટોસ્ટેરોલ હોય છે. તે પીળું રંગદ્રાવ્ય, એડિનિન (C16H14O7·H2O, ગ.બિં. 235° સે.) પણ ધરાવે છે.
તેનાં મૂળ મરડામાં સંકોચક (astringent) તરીકે ઉપયોગી છે. છાલ ઉગ્ર (acrid) અને કડવી હોય છે અને તેનો ઉપયોગ પિત્તદોષ(biliousness)માં થાય છે. તે જ્વરઘ્ન અને જંતુઘ્ન (antiseptic) ગુણધર્મો ધરાવે છે. ભુક્તશેષ (spent) છાલ બૉર્ડ ઉદ્યોગમાં ઉપયોગમાં લઈ શકાય છે. છાલનું (ઓવન-શુષ્ક) રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : ભસ્મ 3.28 %, પૅન્ટોસન 14.73 %, લિગ્નિન 17.35 % અને ટેનિન 7.0–10.0 %. પ્રકાંડની છાલમાંથી બે સ્ટિરૉઇડ, સ્ટિગ્મેસ્ટેરૉલના વ્યુત્પન્ન અને લેનોસ્ટેરૉલના વ્યુત્પન્નનું અલગીકરણ કરવામાં આવ્યું છે.
પર્ણોનો ઉપયોગ ચારા તરીકે થાય છે. પર્ણોનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પ્રોટીન 15.3 %, રેસો 12.7 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 60.2 %, લિપિડ 3.9 %, કુલ ભસ્મ 7.9 %, દ્રાવ્ય ભસ્મ 7.5 %, કૅલ્શિયમ
2.4 % અને ફૉસ્ફરસ 0.26 %.
આયુર્વેદ : આયુર્વેદ અનુસાર હળદરવો સ્વાદે કડવો, ગુણમાં હળવો, રુક્ષ, ગરમ, કટુ વિપાકી, શીતવીર્ય અને કફ-પિત્તશામક છે. તે વર્ણ્ય, કુષ્ઠઘ્ન, વ્રણશોધક અને રોપક, દીપક, આમપાચક, પિત્તસારક, રક્તસ્તંભક, કૃમિઘ્ન, રક્તસ્થાપક, વિષનાશક, દાહશામક, તાવનાશક તથા કટુપૌષ્ટિક છે. તેનાં પાનના રસથી જુલાબ થાય છે. ઝાડની છાલ દવા તરીકે વપરાય છે. માત્રા : છાલનું ચૂર્ણ 3–5 ગ્રામ, ઉકાળો 50થી 100 મિલી.
ઔષધિ પ્રયોગો : (1) ઉંદરનું ઝેર : હળદરવાના અંકુરનો રસ 1–2 ચમચી કાઢી, તેમાં ઘી એક ચમચી ઉમેરી સવાર-સાંજ 6 દિવસ આપવામાં આવે છે. તે સાથે પરેજીમાં કળથીની રાબ (અલૂણી) અને ભાત ખાવા અપાય છે. (2) યકૃત-બરોળનાં દર્દ તથા ઉદરભાર (મોટું હોવું) : હળદરવાનાં પાનનાં 20 મિલી. રસમાં ગોળ મેળવી સવાર-સાંજ આપવામાં આવે છે. સૂતી વખતે પગ ત્રણ દિવસ ઊંચા કરી રાખવામાં આવે છે. વધારે ઝાડા થાય તો ઘી પિવડાવાય છે. (3) નળવાયુ અને શોફોદર : હળદરવાનાં પાનના ત્રણ ચમચી રસમાં ચપટી મરીચૂર્ણ નાખી સવારે પિવડાવવામાં આવે છે. ઊલટી થાય તો સોપારી ખવરાવવામાં આવે છે અને પછી ઘી-ભાત ખાવા અપાય છે. (4) કમળી : હળદરવાના અંકુરનો રસ (વય અને શક્તિ મુજબ) 2થી 4 ચમચી દૂધમાં મેળવી પિવડાવાય છે. (5) આધાશીશી : હળદરવાની કૂંપળ(ડૂંખ)નો રસ સૂંઘાડવામાં આવે છે. (6) વાળાના દર્દ ઉપર : હળદરવાના તોરા વાટીને વાળાના વ્રણ ઉપર તેની થેપલી મૂકી, પાટો બાંધી, ત્રણ દિવસ રાખી, પછી બદલવામાં આવે છે. (7) ઢોરના વ્રણના કીડા મારવા : હળદરવાના તોરા અને પાંડેરવા કે લીમડાનાં પાન વાટીને તેનો રસ જખમમાં રેડી, ઉપરથી પાનની ચટણીની થેપલી મૂકવામાં આવે છે; જેથી કીડા મરી જઈ, જખમ-ચાંદાં રૂઝાય છે.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ