હર્ષવર્ધન (શાસનકાળ : ઈ. સ. 606–647) : ઉત્તર ભારતમાં થાણેશ્વરના પુષ્પભૂતિ વંશનો પ્રાચીન ભારતનો એક મહાન સમ્રાટ, બહાદુર લશ્કરી નેતા તથા સાહિત્યકારોનો આશ્રયદાતા. તેના પિતા પ્રભાકરવર્ધનનું અવસાન થયું. પછી માળવાના રાજા દેવગુપ્તે કનોજ પર ચઢાઈ કરી ત્યાંના રાજા ગૃહવર્મા(હર્ષના બનેવી)ને મારી નાખ્યો તથા તેની રાણી રાજ્યશ્રી(હર્ષની બહેન)ને કેદ કરી. તે જાણીને હર્ષના મોટા ભાઈ રાજ્યવર્ધને કનોજ તરફ કૂચ કરી, દેવગુપ્તને હરાવી મારી નાખ્યો. તે વખતે દેવગુપ્તની મદદે કનોજ ગયેલ (ગૌડ) બંગાળના રાજા શશાંકે દગો કરી રાજ્યવર્ધનનો વધ કર્યો. આમ થાણેશ્વર અને કનોજનાં રાજ્યો શાસકવિહોણાં થવાથી આ બંને રાજ્યોની જવાબદારી ઈ. સ. 606માં હર્ષ પર આવી પડી. આ જવાબદારી તેણે હિંમતપૂર્વક નિભાવી. તેણે દુશ્મનોને હરાવવાની પ્રતિજ્ઞા લીધી. તેણે લશ્કર તૈયાર કરાવી વિજયયાત્રા આરંભી. કેદમાંથી નાસી છૂટેલી બહેન રાજ્યશ્રીની વિંધ્યનાં જંગલોમાંથી ભાળ મેળવી. સતી થવા તૈયાર થયેલી બહેનને તેમ કરતાં અટકાવી. કામરૂપ(આસામ)ના રાજા ભાસ્કરવર્માએ કરેલી હર્ષની મૈત્રીની યાચના સ્વીકારી. તેની સહાય વડે વિજયો મેળવવાનું અનુકૂળ થયું.

કવિ બાણના જણાવ્યા મુજબ હર્ષે સિન્ધુ પ્રદેશના રાજાને હરાવી, વશ કર્યો. બાણ જણાવે છે કે હર્ષે તુષારગિરિના દુર્ગમ પ્રદેશમાંથી કર વસૂલ કર્યો. આ પ્રદેશ કાશ્મીર કે નેપાળનો હોવાનું જણાય છે. યુઅન શ્વાંગ જણાવે છે કે હર્ષે 5000ની હસ્તિસેના, 20,000ની અશ્વસેના અને 50,000 પાયદળની મોટી સેના સહિત પ્રસ્થાન કર્યું. જે રાજ્યોએ તેનું આધિપત્ય સ્વીકાર્યું નહિ, તેની સાથે યુદ્ધ કર્યું. છ વર્ષ સુધી યુદ્ધના અંતે પંચભારત (અર્થાત્ પંચગૌડ) એટલે કે કાન્યકુબ્જ (કનોજ), મિથિલા, ઉત્કલ, ગૌડ તથા સારસ્વતમાં પોતાની સત્તા પ્રસારી. આમ મોટા ભાગના ઉત્તર ભારતમાં તેની સત્તા ફેલાઈ. આ વિજયોના ફલસ્વરૂપે તેના અંકુશ હેઠળ 60,000ની હસ્તિસેના, 1,00,000(એક લાખ)નું અશ્વદળ તથા ઘણું મોટું પાયદળ હતું.

ગુજરાતના વલભીના રાજા ધ્રુવસેન 2જા સાથે લડાઈ કર્યા પછી તેણે ધ્રુવસેન સાથે સારા સંબંધો બાંધ્યા અને પોતાની પુત્રી તેની સાથે પરણાવી. લાટ (દક્ષિણ ગુજરાત), માલવ (માળવા) તથા દક્ષિણ રાજસ્થાનના ગુર્જર રાજવી  પુલકેશી બીજાના પક્ષમાં જોડાયા હતા. ઉત્તર ભારતના સમ્રાટ હર્ષના લશ્કર તથા દક્ષિણાપથના પુલકેશી બીજાના લશ્કર વચ્ચે ભીષણ લડાઈ થઈ. તેમાં હર્ષને સફળતા મળી નહિ; અને તેણે દક્ષિણમાં વિજય મેળવવાની ઇચ્છા જતી કરી. હર્ષે ગૌડના રાજા શશાંકને હરાવ્યો; પરંતુ તેનો સર્વનાશ કર્યો નહિ. હર્ષે તેના રાજ્ય-અમલનાં ઘણાં વર્ષો રાજ્યની આબાદી અને લોકકલ્યાણ વાસ્તે કાર્યો કર્યાં હતાં.

હર્ષે થાણેશ્વરના નાના રાજ્યમાંથી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું. ઉત્તરે હિમાલયથી દક્ષિણે નર્મદા નદી સુધીના પ્રદેશો તેની સત્તા હેઠળ હતા. પૂર્વે બંગાળથી પશ્ચિમે સિંધ સુધીના પ્રદેશો પર તેની આણ પ્રવતર્તી હતી. તેથી તેને ‘ઉત્તરાપથેશ્વર’નું બિરુદ શોભતું હતું.

હર્ષ વિજેતા ઉપરાંત બાહોશ વહીવટદાર પણ હતો. તેણે પોતાની કાર્યક્ષમ રાજ્યવ્યવસ્થા ગોઠવી હતી. તે માટે તેણે રાજ્યના વહીવટી વિભાગો પાડ્યા હતા. ગામનો વહીવટ ‘મહત્તર’ મારફતે ચાલતો અને અક્ષપટલિક નામનો અધિકારી તેને વહીવટમાં મદદ કરતો. આ ઉપરાંત અમાત્યો, સેનાપતિ, સભા અને સમિતિ રાજાને તેનાં કાર્યોમાં સહાય કરતી. સંરક્ષણ ખાતાના સાંધિવિગ્રહિક, મહાસાંધિવિગ્રહિક, ગજસેનાધિપતિ, મહાબલાધિકૃત વગેરે અધિકારીઓ વિવિધ વહીવટી ફરજો બજાવતા હતા. મહાદંડનાયક તથા દશાપરાધિક ન્યાયતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા. બાહોશ ન્યાયાધીશો નીમવામાં આવતા તથા લોકોને યોગ્ય ન્યાય મળે એવી વ્યવસ્થા હતી.

હર્ષના રાજ્યમાં લોકો ઉપર કરનો ભાર હળવો હતો. ખેડૂતો પાસેથી મહેસૂલ પેટે ઊપજનો છઠ્ઠો ભાગ લેવામાં આવતો. કરમાં ઉદ્રંગ, ઉપરિકર, ધાન્યાદેય (અનાજના રૂપમાં), હિરણ્યાદેય (સોનાના રૂપમાં), ભાગ, ભોગ (ફળ, ફૂલ અને શાકના રૂપમાં), વગેરે પ્રકારના કર લેવામાં આવતા. હોડીઓ પર પણ કર લેવામાં આવતો.

યુઅન શ્વાંગે હર્ષના વહીવટી તંત્રની પ્રશંસા કરી છે. તે જણાવે છે કે, ‘રાજ્યમાં ગુનેગારોનું પ્રમાણ ઘણું ઓછું હતું. તેઓ ક્યારેક મુશ્કેલીઓ પેદા કરે છે. ગુનેગારોને સખત સજા કરવામાં આવે છે; પરંતુ મૃત્યુદંડની સજા કરવામાં આવતી નથી.’

સમ્રાટ હર્ષ ધર્માચરણમાં ભક્તિભાવ રાખતો. તે શૈવધર્મી હતો. તે અન્ય ધર્મો પ્રત્યે પણ ભક્તિભાવ રાખતો. તે દર પાંચ વર્ષે મોક્ષપરિષદ ભરતો ત્યારે પોતાની પાસેનું બધું ધન સાધુઓ તથા બૌદ્ધ ભિક્ષુઓમાં વહેંચી દેતો. તેણે બૌદ્ધ વિહારો બંધાવ્યા હતા. તેણે લોકકલ્યાણની ભાવનાથી દવાખાનાં તથા દાનક્ષેત્રો ખોલ્યાં હતાં.

હર્ષ વિદ્વાનોને આશ્રય તથા ઇનામો આપતો. તે પોતે પણ વિદ્વાન લેખક હતો. તેણે ‘રત્નાવલી’ અને ‘પ્રિયદર્શિકા’ નામે બે નાટિકા તથા ‘નાગાનંદ’ નામે નાટક લખ્યાં હતાં. કવિ બાણ ભટ્ટ તથા કવિ મયૂર તેના દરબારના સમર્થ વિદ્વાનો હતા. સૌરાષ્ટ્રના પંડિત જયસેનને તેણે 80 ગામ બક્ષિસ આપવાની દરખાસ્ત મૂકી; પરંતુ જયસેને તે સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેના દરબારના કવિ બાણ ભટ્ટે ‘હર્ષચરિત’ તથા ‘કાદંબરી’ જેવા શ્રેષ્ઠ ગ્રંથો લખ્યા હતા. તેના દરબારના અન્ય કવિઓએ ‘જાતકમાલા’, ‘ચંડીશતક’ અને ‘મયૂરશતક’ જેવાં કાવ્યો લખ્યાં હતાં. આમ હર્ષ પોતે સાહિત્યકાર હતો; તે સાહિત્યસર્જકો પ્રત્યે સદભાવ દાખવતો અને તેઓેને આર્થિક સહાય કરતો હતો.

હર્ષ ઈ. સ. 647માં અપુત્ર મરણ પામ્યો, તે પછી તેની સ્મૃતિમાં ‘હર્ષ સંવત’ શરૂ થયો હતો. તેના અવસાન બાદ, થોડા સમયમાં તેનું સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું. પોતાના કાર્યને આગળ ધપાવે એવી પરંપરાનું સર્જન તે કરી શક્યો નહિ. તેની ઉદારતા, સહિષ્ણુ ધાર્મિક નીતિ, દાનવૃત્તિ, લોકકલ્યાણની ભાવના, સર્જક પ્રતિભા, વિદ્વાનોને આશ્રય આપવાની વૃત્તિ ઇત્યાદિ તેને મહાન પ્રજાપ્રેમી સમ્રાટ ગણવા પ્રેરે છે. ગુપ્ત યુગના અંત પછી થયેલા સમ્રાટોમાં હર્ષના જેવો પ્રતિભાશાળી સમ્રાટ થયો નથી. તેથી તેને ‘પ્રાચીન હિંદના સૌથી મહાન રાજવીઓમાંનો એક’ ગણવામાં આવે છે.

જયકુમાર ર. શુક્લ