હર્ષલ, વિલિયમ (સર) (જ. 1738, હેનોવર, જર્મની; અ. 1822) : બ્રિટિશ ખગોળવિદ. જન્મે જર્મન. 1751માં યુરેનસ ગ્રહ શોધી કાઢવા બદલ તેમને સારી એવી ખ્યાતિ મળી. ઉપરાંત તેમણે નિહારિકાઓની સમજમાં મોટો ફાળો આપ્યો હતો. તેમના સમયમાં નિહારિકાઓ અને તારાવિશ્વો(galaxies)ની સંખ્યાની જાણકારીમાં ઘણો વધારો થયો. તેઓ દૂરબીનના નિર્માતા પણ ગણાય છે. કેટલાંક દૂરબીનો તો એવાં હતાં કે તે સમયે અત્યંત શક્તિશાળી અને કદમાં મોટાં હતાં. આવાં દૂરબીનો વડે હર્ષલે આકાશની ઘણી વિગતો એકઠી કરી હતી.

હર્ષલ વડે યુરેનસની શોધ પ્રાગ્ઐતિહાસિક કાળથી તેના સમય સુધીની સનસનાટીભરી હકીકત બની. હર્ષલ રાતોરાત ખ્યાતનામ બની ગયા. એક વર્ષથી ઓછા સમયમાં તો તે રૉયલ સોસાયટીમાં ચૂંટાયા હતા. તેમને રૉયલ સોસાયટીનો કોપ્લે ચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો; તથા રાજા જ્યૉર્જ ત્રીજાના રૉયલ ખગોળવિદ તરીકે નિમાયા હતા. આ સાથે તેમને આજીવન પેન્શનની ખાતરી આપવામાં આવી હતી. પરિણામે હર્ષલને આર્થિક સુવિધા મળી રહેતાં તે કામ કરવા માટે સ્વતંત્ર થયા. ચાલીસીના પ્રારંભમાં તેમણે ખગોળવિદ્યાને પૂર્ણ સમયના વ્યવસાય તરીકે સ્વીકારી લીધી હતી.

સર હર્ષલ વિલિયમ

તારાઓમાં હર્ષલને સૌથી વધારે રસ હતો. નિહારિકાની ખોજ માટે તેમણે આકાશનું અવારનવાર સર્વેક્ષણ કર્યું હતું. નિહારિકા એ ખુલ્લા અંતરિક્ષમાં ઝાંખા (સંદિગ્ધ) વાદળ જેવું ટપકું છે. તે વાયુઓનું બનેલું છે. કેટલીક નિહારિકાઓ પ્રકાશનું પરાવર્તન કરે છે અને ચકચકિત મોટાં ટપકાં કે ધાબાં જેવી હોય છે. કેટલીક નિહારિકાઓ પ્રકાશનું શોષણ કરે છે. આથી તે અપ્રકાશિત રહે છે. અંતરિક્ષમાં પ્રકાશપિંડોની પાર્શ્વભૂમિકામાં તેમની રૂપરેખા જોવા મળે છે.

હર્ષલના સમયમાં ખગોળવિદો નિહારિકા અને તારાવિશ્વો વચ્ચે ગૂંચવાડો અનુભવતા હતા. તે સમયે પ્રાપ્ય એવાં દૂરબીનોની વિભેદનશક્તિ એટલી નહોતી જેથી, તારાવિશ્વના નજીક નજીકના તારાઓને છૂટા પાડી અલગ અલગ રીતે અવલોકી શકાય. હર્ષલે પણ એવું જ વિચારેલું કે નિહારિકાઓ જ તારાવિશ્વો છે. તારાઓને અલગ અલગ રીતે નિહાળવા માટે અત્યંત શક્તિશાળી દૂરબીન અનિવાર્ય છે. હર્ષલે 1790માં નિહારિકાની મધ્યમાં અલગ તારા જેવું વાદળનું અવલોકન કર્યું, આથી નક્કી થયું કે નિહારિકા એ તારાવૃંદ નથી. જો હોત તો બધા જ અથવા થોડાક તારાનાં પ્રતિબિંબ મળત. હર્ષલે પ્રતિપાદિત કર્યું કે નિહારિકાઓ જ્યોતિર્મય – તરલનાં ટપકાં છે જેમાંથી તારાનું નિર્માણ થાય છે.

બીજા તારાઓ અને તારક-વૃંદોનાં અવલોકન ઉપરથી હર્ષલે વિશ્વની ઉત્ક્રાંતિનો સિદ્ધાંત તારવ્યો. આ કાર્યે હર્ષલ વૈજ્ઞાનિક અગ્રેસર રહ્યા. તેમણે જોયું કે તારાઓ નજીક આવવાનું વલણ ધરાવે છે. કેટલાંક વૃંદ ઘટ્ટ તો કેટલાંક ઓછાં ઘટ્ટ હોય છે. હર્ષલે સૂચવ્યું કે વિશ્વના બધા જ પદાર્થો ગુરુત્વાકર્ષણને લીધે નજીક આવે છે. આ સિદ્ધાંત પ્રમાણે આદિ સમયે આ પદાર્થો એકસરખી રીતે વિખરાયેલા હોવા જોઈએ. પણ અત્યારે તો કેટલાંક વૃંદ જ દેખાય છે તેમાં કેટલાંક ઘટ્ટ અને કેટલાંક શિથિલ છે. સમય જતાં, હર્ષલના મત પ્રમાણે વધુ ઘનિષ્ઠ રીતે બંધાયેલાં વૃંદ આકાર લે છે. તેમનો સિદ્ધાંત કે નિહારિકાઓમાંથી તારાઓનું નિર્માણ થાય છે – તે તારાઓની ઉત્પત્તિ અને વિકાસ સાથે બંધ બેસે છે.

20થી વધુ વર્ષ માટે હર્ષલે 2500 નિહારિકાઓ અને તારકવૃંદોની નિશ્ચિત ક્રમાનુસાર વ્યવસ્થિતપણે સૂચિ તૈયાર કરી. તેમના આ કામ પહેલાં માત્ર 100ની વિગતો જાણીતી હતી. હર્ષલે 848 દ્વિ-તારકો જોડતી સૂચિ તૈયાર કરી. તે પણ તેમણે જોયું કે આવા તારકોની જૂથબંધી ગમેતેમ ન હતી પણ બે તારાઓ એકબીજાની આસપાસ ભ્રમણ કરે છે.

હર્ષલે અધોરક્ત કિરણોની પણ શોધ કરી હતી. જ્યારે તેમની માતૃભૂમિ ઉપર ફ્રાંસે ચડાઈ કરી ત્યારે હર્ષલ 20 વર્ષની વયે ઇંગ્લૅન્ડ ભાગી ગયા હતા. ત્યાં તેમણે સંગીતકાર, શિક્ષક, નાચનાર, ગાનાર, સંગીત રચનાર તરીકે કામ કર્યું હતું. જ્યાં સુધી ખગોળવિદ તરીકે સંપૂર્ણ સમય માટે કામ શરૂ કર્યું ત્યાં સુધી તેમણે સંગીતની મજા માણી અને સફળ કારકિર્દી પણ બનાવી.

હર્ષલને તેમની બહેન કેરોલીન તરફથી ખગોળના અવલોકન થકી ખૂબ મદદ મળ્યા કરતી હતી. તેણીએ પણ તારા અને નિહારિકાઓની સૂચિ ફરીથી બનાવી હતી. મોટી ઉંમરે હર્ષલે પડોશણ વિધવા મૅરી પિટ સાથે લગ્ન કર્યું હતું. મૅરી પણ હર્ષલને અવલોકનો લેવામાં મદદ કરતી હતી. તેમને જ્હૉન નામે પુત્ર હતો. તેણે પણ ખગોળવિદ્યાક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. જ્હૉને પોતાના પિતાના કામને આગળ ધપાવ્યું. હર્ષલે 70 જેટલા સંશોધનલેખો પ્રસિદ્ધ કર્યા હતા.

હરગોવિંદ બે. પટેલ