હરેરામ હરેકૃષ્ણ સંપ્રદાય : શ્રીરામ અને શ્રીકૃષ્ણને મહત્વ આપતો આધુનિક વૈષ્ણવ સંપ્રદાય. શ્રીકૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ(ઈ. સ. 1486–1533)નો પ્રાદુર્ભાવ બંગાળમાં થયો હતો. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય એમણે સ્થાપ્યો હતો. પૂર્વ ભારતમાં એમનો પ્રભાવ ઉત્તરોત્તર વધતો ગયો. મહાપ્રભુએ સંકીર્તન યજ્ઞની અલૌકિક પદ્ધતિ પ્રસ્તુત કરી છે. ભગવાનનું નામ ગાવાની આ પદ્ધતિ મનુષ્યમાત્રને મુક્તિ અપાવે છે. સંકીર્તન યજ્ઞનો સંદર્ભ શ્રીમદભાગવત(11–5–32)માંથી મળે છે. તેમાં જણાવ્યું છે કે આ કળિયુગમાં બુદ્ધિશાળીઓ સંકીર્તન યજ્ઞોથી; અંગોપાંગ, અસ્ત્ર અને પાર્ષદો સાથેના શ્રીકૃષ્ણનું પૂજન કરે છે. ૐ વિષ્ણુપાદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય 108 શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાન્તસ્વામી પ્રભુપાદ આ સંપ્રદાયના આચાર્યોની દીર્ઘ પરંપરાના આધુનિક પ્રતિનિધિ હતા. કોલકાતામાં ઈ. સ. 1896માં એમનો પ્રાદુર્ભાવ થયો. શ્રીધામ વૃન્દાવનમાં ઈ. સ. 1977માં એમણે નશ્વર દેહનો ત્યાગ કર્યો. એના આધ્યાત્મિક ગુરુ શ્રીલ ભક્તિ સિદ્ધાન્ત સરસ્વતી ગોસ્વામી હતા. પોતાના આ ગુરુનો આદેશ પરિપૂર્ણ કરવા ઈ. સ. 1965માં અમેરિકા ગયા. ત્યાં એમણે ઈ. સ. 1966ના જુલાઈમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ(ઇસ્કોન)ની સ્થાપના કરી. સંકીર્તન યજ્ઞનો કૃષ્ણભાવના સાથે બરોબર મેળ બેસે છે. માત્ર દશ વર્ષના ગાળામાં આ સંઘ વિશ્વવ્યાપી બની રહ્યો. આ સમયમાં સેંકડો આશ્રમો, મંદિરો અને કૃષિકેન્દ્રો સ્થપાવા લાગ્યાં. છેલ્લાં દશ વર્ષમાં છ ખંડમાં પૃથ્વી ઉપર ફરી વળીને 16 વાર એમણે પ્રવચનયાત્રાઓ કરી. ઈ. સ. 1968માં પશ્ચિમ વર્જિનિયાની ટેકરીઓમાં વૈદિક ધોરણે એક હજારથી વધુ એકર જમીન ઉપર વૃન્દાવન ઊભું કર્યું. એમનું આ ઝડપથી પ્રસરતું જતું ધાર્મિક આંદોલન ‘હરેરામ હરેકૃષ્ણ આંદોલન’ તરીકે ઓળખ પામ્યું હતું. આમાંથી પ્રેરાઈને એમના વિદ્યાર્થીઓએ અમેરિકા અને દૂરસુદૂરના વિસ્તારોમાં વસાહતો ઊભી કરી. ગુરુદેવે ટેક્સાસ અને ડગ્લાસમાં ગુરુકુળની સ્થાપના કરીને વૈદિક પદ્ધતિના શિક્ષણવાળી પ્રથા દાખલ કરી. મુંબઈમાં જુહૂના સમુદ્રતટે બે કરોડના ખર્ચે ભવ્ય મંદિર અને અતિથિગૃહ તૈયાર થયાં. આ આંદોલનનો ઝડપી પ્રસાર માત્ર ધાર્મિક અથવા શૈક્ષણિક ક્ષેત્રો પૂરતો જ સીમિત ન રહ્યો. ઈ. સ. 1972માં શ્રીલ પ્રભુપાદના ગ્રંથો પ્રકાશિત કરવા ભક્તિવેદાન્ત બુક ટ્રસ્ટની સ્થાપના થઈ. ધર્મ અને તત્વજ્ઞાનનાં ક્ષેત્રે સૌથી વધુ ગ્રંથો સમગ્ર વિશ્વમાં પ્રકાશિત કરનારી આ એકમાત્ર સંસ્થા છે. ગુરુદેવના વૈકુંઠવાસ પછી પણ આ પ્રવૃત્તિ વધતી રહી છે. ભગવદગીતા ઉપર એમણે ભાષ્ય કર્યું છે. તે હરેકૃષ્ણ આંદોલનનો મુખ્ય આધાર છે.

આ સંપ્રદાયનું ચિન્તન અસરકારક છે. જેમ કે દૃઢ શ્રદ્ધાથી શ્રીકૃષ્ણનું નામસ્મરણ કરવું, વનસ્પતિ આહાર જ કરવો, નશો ન કરવો, જાતીય દુરાચારનો ત્યાગ કરવો. પોતાની શક્તિ અને બુદ્ધિનો શ્રીકૃષ્ણપ્રીત્યર્થે ઉપયોગ કરવો. શ્રીકૃષ્ણસંકીર્તનથી સંસારના તાપો બળી જાય અને આનંદની અનુભૂતિ થાય છે. શિકાગોની યુનિવર્સિટીના પ્રા. એડવર્ડ સી. ડિમોક આ દર્શનને આ રીતે સમજાવે છે : કૃષ્ણ સ્વયં પરમેશ્વર છે. તે બીજા કોઈના અવતારી પુરુષ નથી. માનવનો પ્રભુ સાથેનો પ્રેમ એ ભક્તિ છે, એ જ પ્રત્યક્ષ એવું પ્રભાવી બળ છે. પોતાનાં તમામ કર્મો પ્રભુને અર્પણ કરવાનાં છે. ધર્મશાસ્ત્રોમાંથી કૃષ્ણકથાનું શ્રવણ કરવું. કૃષ્ણનામનું કીર્તન કરવું. કૃષ્ણની મૂર્તિનું સંમાર્જન કરવું. એમને ભોગ ધરાવીને એનો પ્રસાદ સ્વીકારવો અને એ રીતે એમની કૃપાને આત્મસાત્ કરવી. ભક્ત આ રીતે કરીને પોતાનું આમૂલ રૂપાન્તર કરે છે. આખરે કૃષ્ણની અત્યંત નિકટ આવેલો તે શ્રીકૃષ્ણના પ્રત્યક્ષ દર્શનને પામે છે. યોગનો અર્થ જ આ છે : શ્રીકૃષ્ણનું પોતાના હૃદયમાં ધ્યાન ધરવું અને તેને જીવનનું અંતિમ લક્ષ્ય બનાવવું.

રશ્મિકાન્ત મહેતા