હરીરી બદીઉઝ્ઝમાન (1054–1122) : અરબી ભાષાનો કવિ, ભાષા-શાસ્ત્રી અને ‘મકામાત’ નામની વિખ્યાત ગદ્યકૃતિનો લેખક. અબૂ મુહમ્મદ અલ-કાસમ બિન અલી બિન મુહમ્મદ બિન ઉસ્માન અલ-હરીરીનો જન્મ 1054માં ઇરાકના શહેર બસરાની પાસે થયો હતો. તેણે બસરામાં શિક્ષણ મેળવ્યું હતું અને તેની નિમણૂક ગુપ્ત બાતમી એકત્ર કરનાર સરકારી વિભાગના વડા અધિકારી તરીકે થઈ હતી. આવો શુષ્ક હોદ્દો ધરાવવા છતાં તે કાવ્યરચના અને લેખનપ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેવા જેટલો સમય કાઢી લેતો હતો.

હરીરીની ખ્યાતિ તેની ગદ્યકૃતિ મકામાત–હરીરી ઉપર આધારિત છે. મકામાત (એ. વ. મકામા) અરબી ભાષાનું એક પ્રશિષ્ટ ગદ્યસ્વરૂપ છે. પ્રાચીન ભાષામાં એવી સભાને મકામા કહેતા જ્યાં લોકો મળીને વિચારોની અરસપરસ આપલે કરતા હોય. ઉમય્યા અને અબ્બાસી ખલીફાઓ પોતાના દરબારોમાં નીતિ તથા બોધની વાતો સાંભળવા માટે મહાત્માઓને આમંત્રણ આપતા હતા. આવી સભાઓ મકામાત કહેવાતી હતી. અરબીમાં બદીઉઝ્ઝમાન અલ-હમદાનીએ (અ. 1007) આવી સભાઓમાં અપાતાં વક્તવ્યોને સાહિત્યિક રૂપ આપ્યું. તેનાં સાહિત્યિક વક્તવ્યો મકામાતે હમદાની કહેવાય છે. હમદાનીએ મકામા નામનો લેખનનો એક વિશિષ્ટ પ્રકાર નિશ્ચિત કર્યો, તેના માટે વાક્ચાતુર્યથી ભરપૂર અને આલંકારિક ગદ્યશૈલી વિકસાવી અને વાર્તાલાપ માટેનાં પાત્રો નક્કી કર્યાં હતાં. હરીરીએ તેના પુરોગામી હમદાનીના અનુકરણમાં મકામાતની નવેસરથી રચના કરી. તેની વાર્તાઓમાં હારિસ બિન હમામ વક્તા અને અબૂ ઝૈદ અલ-સરોજી આખાબોલો, બદમાશ અને શરાબી માણસ છે જે મુખ્ય પાત્ર ભજવે છે. આ છેલ્લું પાત્ર એક બોહેમિયન (Bohemian) હોય છે, જે વ્યંગ અને વાક્ચાતુર્ય દ્વારા ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે.

વાસ્તવમાં અગિયારમા સૈકામાં, ખિલાફતની પડતીના કાળમાં જે સામાજિક પરિસ્થિતિ પ્રવર્તતી હતી અને જીવનમૂલ્યોનો હ્રાસ થયો હતો તેનું પ્રતિબિંબ હરીરીની કૃતિમાં પડે છે; પરંતુ તેની ખ્યાતિ વિષયને બદલે તેના સાહિત્યિક સ્વરૂપ અને રસભરપૂર પ્રાસયુક્ત ગદ્યને લઈને છે. વક્તા નવા નવા શબ્દો તથા શબ્દપ્રયોગોનો એક ઢગ ઊભો કરે છે અને શ્રોતાઓને આંજી નાંખે છે. હરીરીની હયાતીમાં જ તેની કૃતિને સ્વીકૃતિ મળી ચૂકી હતી. હરીરીના મકામાતની નકલ અરબી ઉપરાંત ફારસી, શામી અને હિબ્રૂ વગેરે ભાષાઓમાં પણ થઈ છે. તેની મૂળ અરબી કૃતિના પ્રકાશન તથા પશ્ચિમી ભાષાઓમાં અનુવાદ પણ અઢારમા સૈકાથી થતા રહ્યા છે.

અરબી ભાષાશાસ્ત્ર ઉપર હરીરીની કૃતિનું નામ દુર્રતુલ ગવ્વાસ ફી અવહામ-અલ ખવ્વાસ છે, જે અનુવાદ અને ટિપ્પણી સાથે પ્રકાશિત થઈ ચૂકી છે. તેના નિબંધોનો એક સંગ્રહ પણ મળે છે. એક નિબંધમાં તેણે અરબી ભાષાના બે મૂળાક્ષરો સીન અને શીન જે શબ્દોમાં આવતા હોય તેની ચર્ચા કરી છે. તેના એક દીવાન(કાવ્યસંગ્રહ)નો ઉલ્લેખ મળે છે પણ તે અપ્રાપ્ય છે.

મકામાતે હરીરીનું ફારસીમાં અનુકરણ કાઝી હઝીમુદ્દીને મકામાતે હમીદી લખીને કર્યું હતું.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી