હરિહરન (જ. 3 એપ્રિલ 1955, પથન થેરુવુ, જિલ્લો તિરુવનંતપુરમ્, કેરળ) : ચલચિત્ર જગતના જાણીતા પાર્શ્વગાયક, અગ્રેસર ગઝલ-ગાયક તથા ભારતીય ફ્યૂઝન સંગીતના સર્જકોમાંના એક અગ્રણી સંગીતકાર. તેમણે હિંદી ચલચિત્રો ઉપરાંત તમિળ, મલયાળમ અને તેલુગુ ચલચિત્રોમાં પણ પાર્શ્વગાયન કર્યું છે. કર્ણાટકી સંગીતની ગાયિકા અલામેલુ તથા અનંત સુબ્રમણ્યમ ઐયરનાં સંતાન. માતાપિતા પાસેથી સંગીતના સંસ્કાર મેળવ્યા. સમગ્ર બાળપણ અને શિક્ષણ મુંબઈ ખાતે. વિજ્ઞાન અને કાયદાશાખાના સ્નાતક. નાનપણથી ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પ્રત્યે રુચિ પેદા થઈ અને તે ક્ષેત્રના જાણીતા ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસે રીતસરની તાલીમ લીધી. ગઝલ ગાયકી આત્મસાત કરવા માટે ઉર્દૂ શીખ્યા. જાણીતા ગઝલ-ગાયકો મહેંદી હસન અને જગજિતસિંગ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી. 1977માં સૂરસિંગાર દ્વારા આયોજિત અખિલ ભારતીય સંગીતસ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. તરત જ હિંદી ચલચિત્ર જગતના સ્વરનિયોજક જયદેવે હરિહરનની તેમના ‘ગમન’ ચલચિત્ર માટે પાર્શ્વગાયક તરીકે પસંદગી કરી અને તેને લીધે એકાએક લોકપ્રિયતા હાંસલ કરી. આ ચલચિત્રમાં તેમના પાર્શ્વસંગીત માટે ઉત્તરપ્રદેશ રાજ્ય સરકારનો ઍવૉર્ડ મેળવ્યો તથા રાષ્ટ્રીય કક્ષાએ સર્વોત્કૃષ્ટ ગાયકનું નામાંકન મેળવ્યું. દૂરદર્શનની ‘જુનૂન’ જેવી કેટલીક શ્રેણીઓમાં પણ પાર્શ્વગાયક તરીકે તેમણે પ્રશંસા મેળવી. સાથોસાથ તેમના પોતાના સ્વરનિયોજન દ્વારા કેટલાંક ગઝલ-આલબમનું સર્જન કર્યું; જેમાં વિખ્યાત પાર્શ્વગાયિકા આશા ભોસલે સાથે તૈયાર કરવામાં આવેલ ‘અબશાર-એ-ગઝલ’ અને ‘ગુલ્ફામ’નો પણ સમાવેશ થાય છે. તેણે લોકપ્રિયતાનાં શિખર સર કર્યાં છે. વર્ષ 1994માં ‘ગુલ્ફામ’ ગઝલ સંગ્રહને દિવા ઍવૉર્ડ એનાયત થયો હતો. 1992માં વિખ્યાત સ્વરનિયોજક એ. આર. રહેમાનની પહેલને કારણે તમિળ ચલચિત્ર ‘રોઝા’માં પાર્શ્વગાયક તરીકે સેવા આપી અને ત્યારથી પાર્શ્વગાયક તરીકે તમિળ ચલચિત્રોમાં તે પ્રસ્થાપિત થયા. તે ચલચિત્રમાં તેમણે ગાયેલું દેશભક્તિનું ગીત ‘તમીઝા તમિઝા’ લોકજીભે ચઢ્યું હતું. 1995માં મણિરત્નમ્ દ્વારા સર્જિત ‘બૉમ્બે’ ચલચિત્રના પાર્શ્વગાયન માટે તામિલનાડુ સરકારનો સર્વોત્કૃષ્ટ પાર્શ્વગાયકનો ઍવૉર્ડ મેળવ્યો. હિંદી ચલચિત્ર ‘બૉર્ડર’માં તેમણે ગાયેલ ગીતો માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો.

1996માં મુંબઈના ગાયક લેસ્લી લેવિસ સાથે હરિહરને તેમનો પ્રથમ ફ્યૂઝન સંગીત સંગ્રહ (album) તૈયાર કર્યો જેનું એમ.ટી.વી. દ્વારા પ્રસારણ કર્યું હતું. આ દૂરદર્શન કંપનીએ આ પ્રથમ ભારતીય આલબમનું પ્રસારણ કર્યું હતું. આ આલબમને ઘણાં પારિતોષિકો અને ઍવૉર્ડ્ઝ એનાયત થયાં હતાં. તેમણે બે તમિળ ચલચિત્રો ‘પાવર ઑવ્ વીમેન’ અને ‘બૉઇઝ’માં અભિનય પણ કર્યો છે. ‘બોલો બોલો’ શીર્ષક ધરાવતી પાકિસ્તાની બૅંડની ધૂનોના સર્જનમાં પણ તેઓ સહભાગી થયા હતા.

હરિહરન

વર્ષ 2004માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ ખિતાબથી નવાજ્યા હતા અને તે જ વર્ષે તેમને ‘યશુદાસ ઍવૉર્ડ’ એનાયત થયો હતો. વર્ષ 2007 સુધી હરિહરનનાં કુલ 21 ગઝલ આલબમોનું વિમોચન થયું છે, જેમાં ‘શમખાના’ અને ‘મૌસમ’ (અનુરાધા પૌંડવાલનાં ગીતો સાથે), ‘શુકૂન’ (1983), ‘અબ્શાર-એ-ગઝલ’ (1985), ‘રિફ્લેક્શન્સ’ (1987), ‘દિલ નશીન’ (1988), ‘દિલ કી બાત’ (1989), ગઝલસંગ્રહ જેમાં હરિહરને ગાયેલી અને ખાસ પસંદ કરવામાં આવેલી ગઝલો છે (1989), ‘હરિહરન ઇન કન્સર્ટ’ (1990), ‘માઇ ફેવરિટ હિટ્સ’ (1990), ‘હાઝિર’ (1992, તબલાનવાઝ ઝાકિરહુસેનની તબલા સંગત સાથે), ‘ગુલ્ફામ’ (1994), ‘પયગામ’ (1995), ‘કતાર’ (1995), ‘સપ્તરિષી’ (1995), ‘વિશાલ’ (1996), ‘આઠવણ સુર’ (લેખન અને સ્વરનિયોજન નૌશાદ દ્વારા  1998), ‘કાશ’ (2000), ‘લાહોર કે રંગ, હરિ કે સંગ’ (2006) અને ‘વક્ત પર બોલના’ (2007)નો સમાવેશ થાય છે.

તેમનું ‘લાહોર કે રંગ….’ આલબમ પાકિસ્તાનમાં ખૂબ લોકપ્રિય નીવડ્યું છે જ્યારે ‘કાશ’ આલબમની ગઝલોમાં હરિહરનને દક્ષિણ ભારતના વિખ્યાત વાદક આનંદન શિવમણિ (પખાવજ), ઉસ્તાદ રશીદ મુસ્તફા સાહેબ (તબલા), ઉસ્તાદ લિયાકત અલીખાન સાહેબ (સિતાર) અને ઉસ્તાદ સુલતાનખાં સાહેબ (સારંગી) જેવા દિગ્ગજોની સંગત (accompaniment) મળી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે